એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 8th July 2020

અમેરિકામાં ૩૦ હજાર કરતા વધુ ગુજરાતી વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું

અમદાવાદ,તા.૮ : અમેરિકામાં ફોલ સેમેસ્ટરમાં ફકત ઓનલાઇન કલાસિસ ચાલુ રાખનારી કોલેજોમાં અભ્યાસ કરનારા વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ પરત ફરવા આદેશ થયો છે તેના પગલે અમેરિકામાં અભ્યાસ કરતા ગુજરાતના આશરે ૩૦,૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ છે. આ વર્ષે જે યુનિવર્સિટીઓ બધા કોર્સના ઓનલાઈન કલાસ ચલાવવાની છે તેવા વિદ્યાર્થીઓને વિઝા નહીં મળે. તેના કારણે અમેરિકા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું અમેરિકા સ્ટડીનું સ્વપ્ન હાલ રોળાયું છે. અમેરિકામાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓમાં ગુજરાતનો નંબર ચોથો છે. મુંબઈ, બેંગ્લુરૂ, પૂણે બાદ ગુજરાતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભણવા માટે જાય છે. કોરોનાના કારણે ઓગસ્ટથી શરૂ થતા ફોલ સેમેસ્ટર માટે આ નિયમ લાગુ પડવાનો છે. તેના કારણે આ સેમેસ્ટરમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓને વિઝા જ અપાયા નથી. તેમણે એક સેમેસ્ટર અહીં ગુજરાતમાં રહીને જ ઓનલાઈન અભ્યાસ કરવો પડશે. જયારે જે વિદ્યાર્થીઓ બે કે ત્રણ વર્ષથી ત્યાં જ રહીને અભ્યાસ કરે છે અને તેની યુનિવર્સિટી જો કોર્સ ઓનલાઈન કે ટીચિંગ ઓનલાઈન કરે તો આવા વિદ્યાર્થીઓને પરત ફરવાની નોબત આવી શકે છે. અલબત્ત્। તેમના વિઝા રદ નહીં થાય. ફોલ સેમેસ્ટર પછી આવા વિદ્યાર્થી પરત અમેરિકા જઈ શકશે. ઉદાહરણ તરીકે જો યુનિવર્સિટીઓ બે કલાસ ઓનલાઈન કરે અને એક કલાસ ફિઝિકલ કરે તો વિદ્યાર્થીઓને પરત આવવાનું નહીં બને. પરંતુ જો સંપૂર્ણ કોર્સ ઓનલાઈન કરે તો વિદ્યાર્થી પર દેશ પરત આવવાનું જોખમ ઊભું રહે છે.

અમેરિકામાં કોરોનાના કારણે હજુ કેટલી યુનિ. ઓનલાઈન કલાસ ચલાવશે, કેટલી ફિઝિકલ કલાસ ચલાવશે, કેટલી યુનિવર્સિટી બંને મિકસ કરીને કલાસ ચલાવશે તે નક્કી નથી. તેના કારણે અમેરિકામાં ભણતા દરેક ગુજરાતી વિદ્યાર્થીમાં ચિંતા ફેલાઈ છે. જયાં સુધી સ્થિતિ કિલયર નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ ઉચાટમાં રહેશે. અમેરિકામાં નાની નાની યુનિવર્સિટીઓ વિદેશી વિદ્યાર્થીઓની ફી પર જ નભતી હોય છે. જો આવી યુનિવર્સિટી કોર્સ ઓનલાઈન કરે તો એક સેમેસ્ટરની ફી જતી કરવી પડે. યુએસમાં હાર્વર્ડ, પ્રિન્સ્ટન, એમઆઈટી જેવી યુનિવર્સિટીઝમાં એક સેમેસ્ટરની રૂ.૫૦ હજાર ડોલર જેટલી ફી હોય છે અને એવરેજ યુનિવર્સિટીમાં રૂ.૧૫ થી ૨૦ હજાર ડોલરની ફી હોય છે. હવે આ ફી જતી કરવી કે કેમ ? તે દરેક યુનિવર્સિટીએ નક્કી કરવાનું છે. વળી જો ત્યાં ભણવા જેટલી જ ફી ઓનલાઈનમાં રાખે તો કેટલા વિદ્યાર્થી ભણવા તૈયાર થાય ? તે પણ એક પ્રશ્ન છે. દ્યણા વિદ્યાર્થી દેશમાં પરત આવે પછી પાછા ન પણ જાય તેવું પણ બની શકે છે.

ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ-આઈસ દ્વારા લેવાયેલા નિર્ણયને બદલવા અને તેનો ઉગ્ર વિરોધ કરવા ઓનલાઈન પિટિશનની ઝુંબેશ પણ શરૂ થઈ ગઈ છે. અમેરિકાના કેટલાંક સંગઠનોએ આ નિર્ણયને કોર્ટમાં ચેલેન્જ કરવાનીય તજવીજ હાથ ધરી છે.

જે વિદ્યાર્થીઓની હાલની યુનિ/કોલેજમાં ઓનલાઈન કોર્સ જ છે અને તેઓ બીજે વિકલ્પ શોધી નથી શકયા તેમણે હાલની સ્થિતિએ તો ફરજિયાત સ્વદેશ પાછા ફરવું પડશે. પણ અત્યારે ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકયો છે અને વંદે ભારત મિશન પર અમેરિકાએ રોક લગાવેલી છે. આ સંજોગોમાં આવા વિદ્યાર્થીઓની હાલત વધુ કફોડી થવાની તે નક્કી.

(11:16 am IST)