એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 8th February 2020

23 મહિલા દર્દીઓની 90 વખત જાતીય સતામણી કરી : લંડન સ્થિત ગુજરાતી મૂળના ડોક્ટરને 3 વખત આજીવન કેદની સજા

લંડન : લંડન સ્થિત 50 વર્ષીય ગુજરાતી મૂળના ડો.મનીષ નટવરલાલ શાહને કોર્ટએ 23 મહિલા દર્દીઓની 90 વખત જાતીય સતામણી કરવાના આરોપસર 3 વખત આજીવન કેદની સજા ફરમાવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
 મહિલાઓનું યૌન પરિક્ષણ કરતી વખતે ડોકટર દ્વારા તેમની સાથે જાતિય હુમલા કરવામાં આવ્યા હતા. ૫૦ વર્ષનાં મનીષ શાહે લંડનની યુનિવર્સિટીમાંથી ૧૯૯૩માં મેડિકલ ડિગ્રી મેળવી હતી. ૨૦૦૯થી ૨૦૧૩નાં ગાળામાં મહિલા દર્દીઓને ગભરાવવા માટે એન્જલિના જોલી અને જેડ ગૂડી જેવી સેલિબ્રિટીની આરોગ્યને લગતી સમસ્યાઓનું ઉદાહરણ અપાતું હતું તેમ ઈંગ્લેન્ડ અને વેલ્સની હાઈકોર્ટે જણાવ્યું હતું.
જજ એની મોલીનેક્સે સજા સંભળાવતા કહ્યું કે મનિષ શાહ એક દગાબાજ હતો અને તેની શક્તિનો દુરુપયોગ કરતો હતો. કોઈ મનઘડંત વાર્તા ઘડીને મહિલા દર્દીઓમાં ગભરાટ ફેલાવતો હતો. તેની વર્તણૂક સેક્સી જ નહોતી પણ મહિલાઓ પર અંકુશ જમાવીને તેને અપમાનિત કરવાની હતી.

મનીષ શાહ ઈસ્ટ લંડનમાં રોમફોર્ડ ખાતે જનરલ પ્રેક્ટિશનસ હતો. તે મહિલા દર્દીઓને નિયમિત ધોરણે સ્તન અને યોનનું પરીક્ષણ કરાવવા કહેતો હતો. ખરેખર કેટલીક મહિલાઓને આવી કોઈ સારવારની જરૂર જ ન હતી. જો મહિલા દર્દી ખચકાટ અનુભવે તો તે સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર તેમજ અન્ય રોગ થવાનો ડર ફેલાવતો હતો. કેટલીક મહિલા દર્દીઓ સાથે તેણે ઘનિષ્ઠ પારિવારિક સંબંધો બાંધ્યા હતા. તેની સાથે અશ્લીલ વાતો કરતો અને શારીરિક છેડછાડ કરીને તેમને આલિંગનમાં લઈને ચુંબન કરતો હતો.તે દર્દીઓને ખોટી ક્લિનિકલ એડવાઈઝ આપીને ગેરમાર્ગે દોરતો હતો.  તેણે મહિલા દર્દીઓનાં વિશ્વાસનો દુરુપયોગ કર્યો હતો તેમ ક્રાઉન પ્રોસિક્યુશન પૌલ ગોડાર્ડે કહ્યું હતું. પૌલે તેની સામે પૂરાવા રજૂ કરનાર મહિલાઓની પ્રશંસા કરી હતી. તથા ફેબ્રુઆરી ૨૦૨૦ માં મનીષને ૧૫ વર્ષની ૩ આજીવન કારાવાસની સજા ફરમાવી હતી.

(12:19 pm IST)