એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 4th January 2020

અમેરિકાના ટેક્સાસમાં વસતા સુખી સંપન્ન NRI વરરાજાએ કામરેજના સેવણી ગામમાં કાઢી રિક્ષામાં પોતાની જાન : પટેલ પરિવારે સમાજને લગ્નમાં વધારે ખર્ચ નહીં કરવાનો સંદેશો આપવાનો કર્યો હતો નિર્ણય

કામરેજ : ઘણા લોકો તેમના દીકરાના કે, દીકરીના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે પરંતુ કામરેજના પૈસે ટકે સધ્ધર NRI પરિવારે દીકરાના લગ્ન ખૂબ સાદગીથી કર્યા હતા. દીકરાના લગ્નમાં આ પટેલ પરિવારે જાનમાં કોઈ બગી કે, કારની જગ્યા પર રીક્ષાની વ્યવસ્થા કરી હતી.
રિપોર્ટ અનુસાર મૂળ કામરેજના સેવણી ગામના અને હાલ અમેરિકાના ટેક્સાસ શહેરમાં પરિવારની સાથે સ્થાયી થયેલા વિઠ્ઠલ પટેલને દીકરાના લગ્ન તેમના વતનમાં હિંદુ સંસ્કૃતિ અનુસાર કરવાની ઈચ્છા હતી. દીકરાના લગ્નની સાથે-સાથે પટેલ પરિવારે સમાજને લગ્નમાં વધારે ખર્ચ નહીં કરવાનો સંદેશો આપવાનો નિર્ણય કર્યો હતો.

વરરાજા શિવની પણ એવી ઈચ્છા હતી કે, તે દુલ્હનને પરણવા કોઈ વૈભવી કાર કે, બગીમાં બેસીને નહીં પણ રીક્ષામાં માંડવે પહોંચે. શિવની ઈચ્છા પૂરી કરવા માટે શિવના પરિવારે તેના માટે રીક્ષા સણગારી અને અન્ય 11 જેટલી રીક્ષાઓ જાનમાં લઇ જવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત લગ્નમાં આવેલા લોકો માટે બસની વ્યવસ્થા કરી હતી. વરરાજો અને તેના પરિવારના 24 સભ્યો સાથે સાઈ મંદિરથી પાંચ કિલોમીટર દૂર આવેલી લેઉવા પટેલ સમાજની વાડીમાં 12 જેટલી રીક્ષામાં બેસીને પહોંચ્યા હતા.
 શિવના પિતા વિઠ્ઠલભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારા છોકરાની ઈચ્છા હતી કે, તેની જાન રીક્ષામાં નીકળે એટલે અમે રીક્ષાઓ બાંધીને જાન લઇને લેવા પાટીદાર સમાજ સુધી ગયા હતા. આ રીતે અમે રીક્ષાવાળાઓને પણ મદદ રૂપ થયા છીએ અને આગળ આવું કોઈએ કર્યું નથી.
વરરાજાના કાકા પંકજ પટેલે જણાવ્યુ હતું કે, અમે રીક્ષામાં જાન લઇ જવાનો વિચાર કર્યો તેની પાછળનો ખાસ હેતુ એ હતો કે, આ મોંઘવારીના સમયમાં લગ્ન પ્રસંગ પાછળ ખર્ચાઓ ઓછા થાય અને રીક્ષા ચાલાકોને પણ તેમાંથી રોજગારી મળે અને લોકોને પણ ઓછો ખર્ચ કરવાની પ્રેરણા મળે તે માટે આ કર્યું છે.

(11:17 pm IST)