એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 3rd December 2019

''માય હોલ ચાઇલ્ડ ટ્રસ્ટ'' : શારિરીક ખામી સાથે જન્મતા બાળકોની સેવા માટે સુશ્રી હેમી ગુપ્તા સ્થાપિત ટ્રસ્ટઃ પરિવારની નિરાશા દૂર કરી મદદરૂપ થવાની ભાવના

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ શારિરીક પંગુતા સાથે જન્મેલા બાળકને કારણે ઘણીવાર જે તે પરિવારની ખુશીઓ ગમમાં ફેરવાઇ જાય છે. તથા નિરાશાની લાગણી પરિવારને ઘેરી વળે છે.

પાંચ વર્ષની ઉંમરના બાળકની માતા તરીકે હું સમજી શકુ છું કે આવા પંગુતા સાથે જન્મતા બાળકનો ઉછેર કેટલો અઘરો અને પડકારજનક છે. કારણ કે આવા બાળકની વિશેષ કાળજી લેવી જરૂરી બની જાય છે.

યુ.એસ.એ.થી પરત આવ્યા પછી હું આ બાબતે વધારે સજાગ થઇ ગઇ છું તથા આવા પરિવારોને મદદરૂપ થવા મેં દૃઢ નિશ્ચય કર્યો છે.

આ માટે મારી દૃષ્ટિએ નીચે મુજબના ઉપાયો જરૂરી છે જે માટે માય હોલ ચાઇલ્ડ સેન્ટરની સ્થાપના કરી છે.

(૧) જે હકીકત છે તેનો સ્વીકાર કરી લેવો. તથા વહેલી તકે બાળકની ખામી દૂર કરવા પ્રયાસ કરવો. આ માટે માત્ર માતા-પિતા જ નહીં સમગ્ર સમાજે સહયોગ આપવો જોઇએ.

(૨) પરિવારના વડીલો જેવા કે દાદા દાદીએ બાળકના માતા-પિતાની ટીકા કરવાનું બંધ કરી વિશેષ જરૂરીયાત ઉપર ભાર મૂકવો જોઇએ.

(૩) બાળકની સારવાર માટે ઘણીવાર પરિવારના આર્થિક રીતે નબળા સંજોગો હોવાથી પુરતું ધ્યાન આપી શકાતું નથી. તેથી આવા સંજોગોમાં ''માય હોલ ચાઇલ્ડ ટ્રસ્ટ''ની મદદ લઇ શકાય છે.

(૪) ઘણીવાર ખામીવાળા બાળકને જન્મ આપવા બદલ માતા અપરાધનો ભાવ અનુભવતી હોય છે હકીકતમાં તેનો કોઇ અપરાધ નથી. તેથી  આવી લઘુતા ગ્રંથિ દૂર કરવી જોઇએ.

મારા ટ્રસ્ટમાં આવતા ખામી યુકત બાળકોની શારિરીક પરિસ્થિતિમાં સહેજ પણ ફાયદો થતો જોવા મળે ત્યારે મને અનહદ આનંદનો અનુભવ થાય છે. કારણ કે જે રીતે હું ઇચ્છુ છુ કે મારૂ બાળક સ્વીકાર્ય હોય તેમ તમે પણ જરૂરી ઇચ્છશો.

ઉપરોકત સુચનો ''માય હોલ ચાઇલ્ડ ટ્રસ્ટના ફાઉન્ડર સુશ્રી હેમી ગુપ્તાના છે તેવું બોર્ડ સર્ટિફાઇડ પિડીઆટ્રીકસ MD MPH શ્રી  નવિન મેહરોત્રાના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

વિશેષમાં માય હોલ ચાઇલ્ડ ટ્રસ્ટના ઉપક્રમે જણાવાયા મુજબ દર વર્ષે ૨ એપ્રિલના રોજ આંતર રાષ્ટ્રિય સ્તરે ઉજવાતા ''વર્લ્ડ ઓસ્ટીમ ડે'' નિમિતે અમલમાં મૂકવા લાયક સૂચનો કરાયા છે. તથા ઓસ્ટીમનો ભોગ બનતા બાળકોના લક્ષણો દર્શાવાયા છે. જે મુજબ આવા બાળકને નામથી બોલાવવા છતાં ઘણીવાર પ્રત્યુતર મળતો નથી. તેમની દૃષ્ટિ કયારેક નબળી હોય છે. બિન જરૂરી હાથ હલાવવાની કે શરીરના અંગો ફેરવવાની ચેષ્ટા કરતા જોવા મળે છે. બોલતા મોડુ શીખે છે. તેમની સામે હસવા છતાં તે હસતા નથી. વગેરે લક્ષણો જોવા મળે ત્યારે શરૂઆતથી જ પ્રારંભિક તબક્કામાં સારવાર કરાવી શકાય છે.

આ માટે બાળકને તેના પરિવાર ઉપરાંત સ્કુલ તેમજ સમાજએ પણ સહકાર આપવો જોઇએ ઉપરાંત આવા બાળકો તથા તેમના પરિવારને મદદરૂપ થવા ''માય હોલ ચાઇલ્ડ'' ગુરૂદ્વારા નાન્કસર,ગ્રેટર કૈલાસ-૨ ન્યુ દિલ્હીનો સંપર્ક કરી શકાય છે. જેતો ફોન નં.૦૧૧૪૧૬૪૫૧૬૪ તથા ઇમેલ MWCgkd@gmail.cpm દ્વારા અથવા www.mywholechild.in દ્વારા સંપર્ક સાધી શકાય છે.

(8:42 pm IST)