એન. આર. આઈ. સમાચાર
News of Monday, 3rd December 2018

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નેઈરોબીમાં પધરામણી : ભવ્યાતિભવ્ય સ્વાગત

કેન્યા : મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નેઈરોબીમાં પધરામણી  થઇ છે. સવા બે માસના સમય જેટલી ભક્તિયાત્રા માટે પધારેલા શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું કેન્યાની રાજધાની નેઈરોબી મુકામે ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું તેઓ પૂર્વ આફ્રિકના કેન્યા ઉપરાંત યુગાન્ડા,તાન્ઝાનિયા,સહિતના વિસ્તારોમાં સત્સંગ વિચરણ કરશે

  ભારત રાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ હવાઈમથકેથી કેન્યા એરવેઝમાં બિરાજમાન થઇ નૈરોબી જોમો કેન્યાટા આંતરરાષ્ટ્રીય હવાઈમથકે ઉતરાણ કર્યું હતું. અહીં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, નાઈરોબીના અગ્રણી હરિભક્તોએ હવાઈ જહાજના દ્વાર સુધી આવી આચાર્ય સ્વામીજી મહારાજનું પુષ્પહાર ધારણ કરાવી પ્રેમાનંદથી ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. ત્યાંથી શ્રી સ્વામિનારાયણ મંદિર સુધી એસ્કોર્ટ પોલીસ સેવામાં રહ્યા હતા.

  મંદિર પધારતાં શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ સ્યંદન – રથમાં બિરાજમાન થયા હતા. વિશ્વભરમાં સુપ્રસિદ્ધ સ્કોટીશ પાઈપ બેન્ડ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડે મધુર સૂરાવલી રેલાવી હતી. સંતો-હરિભક્તો સહ મંદિરના ગર્ભગૃહમાં પધાર્યા હતા. મનોરમ્ય સજાવટ કરેલ જાજમ પર ચાલતા ચાલતા સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમીપ સિંહાસનમાં પધાર્યા હતા. અહીં બેન્ડે સલામી આપી હતી. અને નાના નાના ભૂલકાઓએ સ્વાગત ભક્તિ નૃત્ય રજુ કરી પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ સ્વાગત કેક કટિંગ, વિડીઓ દર્શન, ભેટણ લીલા, પ્રસાદ વગેરે કાર્યક્રમો યોજાયા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:09 pm IST)