એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 6th February 2019

"આધુનિક યુગના જૈન શ્રાવકો કેવા હોય" ચાર દિવસીય શિબિર સંપન્ન

સિંગાપોર જૈન સંઘ દ્વારા ઇન્ડોનેશિયાના ટાપૂ ઉપર આયોજન : સમણ શ્રુતપ્રજ્ઞજી અને શિલાપીજીનું સાનિધ્ય અને માર્ગદર્શન

સિંગાપોર તા. 6: ચાઇનીસ નવા વર્ષના પ્રસંગે તા. 2 થી 5 ફેબ્રુઆરી સુધી ચાર દિવસીય આવાસીયા શિબિર ઇન્ડોનેશિયાના બાતામ ટાપુ પર સફળતા પૂર્વક સંપન્ન થઇ. આ શિબિર સિંગાપોરના જૈન સમાજ દ્વારા આયોજિત કરાઈ હતી. શિબિરમાં ટ્રેનિંગ આપવા રાજકોટ પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રુતપ્રજ્ઞજી અને વિરાયતનથી શિલાપીજી પધારેલ હતા. ભક્તિ ગાન માટે મુંબઈથી કેતન દેઢિયા આવેલ હતા.

શિબિરમાં સમણશ્રીએ ભગવાન મહાવીર અને જૈન શ્રાવક, શ્રાવકોની જીવન શૈલી અને આધુનિક યુગનો શ્રાવક કેવો હોય - એ ત્રણ વિષયો ઉપર 30થી ઉપરની વયના ગ્રુપમાં પ્રવચનો આપેલ હતા. યુવાનોમાં એમને શ્રાવક એટલે છું? સોશિયલ મીડિયા અને જૈન ધર્મ તથા જીવનમાં ધ્યાનનું મહત્વ વિષય પર વાર્તાલાપ આપેલ હતા.

બપોરના ભાગમાં સોશિયલ પ્રવૃત્તિઓ રાખવામાં આવેલ હતી, રાત્રે આપકી અદાલત, ટેલેન્ટ શૉ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ હતો. આપકી અદાલતમાં શિબિરાર્થીઓએ વિવાદાસ્પદ અને જ્ઞાનવર્ધક પ્રશ્નો પૂછ્યા હતા. સમણશ્રીએ અને શિલાપીજીએ એમની આગવી ઢબે તેમના જવાબો આપ્યા હતા.

શિબિરમાં ભોજન અને અન્ય વ્યવસ્થાઓ ખૂબ જ સારી રીતે ઘડવામાં આવી હતી. સંઘ પ્રમુખ પરાગ દેસાઈએ સૌનું સ્વાગત કર્યું હતું. શિબિર સંચાલક કેનલ કોઠારી અને પરેશ ટિમ્બડિયાએ દરેક કાર્યક્રમનું કુશળતા પૂર્વક સંચાલન કર્યું હતું. શિબિરમાં બાળકો, યુવાનો અને મોટી ઉંમરના મળી કૂલ 275 લોકોએ ભાગ લીધો હતો.

સિંગાપોરથી બાતામ ટાપુ પર સૌ શિબિરાર્થીઓને ફેરીમાં લઇ જવામાં અને પાછા લાવવામાં આવ્યા હતા. શિબિરના પ્રતિભાવ રૂપે લોકોને શ્રાવક તરીકે કેમ જીવવું એની સાચી દિશા મળી હતી અને હવે બહુ વિચારવા અને આયોજન કરવા કરતા જીવનમાં આ દરેક સૂત્રોને અને ગુણોને અપનાવી લેવાની તાત્કાલિક જરૂર છે એવું દરેકને લાગ્યું હતું.આવું આધ્યત્મિક વેકેશન કરોડો રૂપિયા ખર્ચવાથી પણ ન મળે એ સત્ય પ્રત્યક્ષ અનુભવ્યું હતું. 

 

 

(11:58 am IST)