એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 5th June 2021

' જય જય ગરવી ગુજરાત ' : અમેરિકાના સિલિકોન વેલીમાં ' ગુજરાત દિવસ ' ઉજવાયો : બે એરિયાના કલાકારોએ લોકગીતોની રમઝટ બોલાવી : દર્શકો આફરીન

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : અમેરિકાના જવનિકા તથા શારદા સ્કૂલ ઓફ મ્યુઝિક દ્વારા ગુજરાત દિવસની ઉજવણી રંગેચંગે થઇ . 1 મે 2021 ના રોજ મીલ્પીટાસના આઈ સી સી ખાતે ' સ્વર ગુર્જરી ' માં લોકગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી. બે એરિયાના કલાકારો દ્વારા લાઈવ મ્યુઝીશીઅન સાથે અલભ્ય અને જાણીતા લોકગીતોની રમઝટ બોલાવવામાં આવી.

જવનિકા અને શારદા સ્કૂલ ઓફ  મ્યુઝિક દ્વારા ' સ્વર ગુર્જરી ' ગુજરાત દિવસ નિમિત્તે ઉજવાય છે. આ વર્ષે બે એરિયાના વ્હાલા અને પ્રતિભાશાળી ગાયકોએ લોકગીતોની રજુઆત કરી. શ્રાવ્યા અંજારિયા તથા આરુષિ અંજારિયાએ દુર્લભ ગીતોની રજુઆત કરી  દર્શકોની વાહ વાહ લૂંટી અને અઢળક આશીર્વાદની કમાણી કરી.

આણલ અંજારિયા , અચલ અંજારિયા ,વાગ્મી કચ્છી , પ્રિયા શાહ , દિલીપ આચાર્ય ,મિશા આચાર્ય અને હેતલ બ્રહ્મભટ્ટ દ્વારા લોકગીતોની લ્હાણી કરવામાં આવી. કસુંબીનો રંગ , આંધળી માં નો કાગળ ,ઓધાજી મારા વ્હાલાને , રંગલો જામ્યો , તારી બાંકી  રે ,  રામ સભામાં અમે , મારા પાલવડે , મેરુ તો ડગે  , અને બીજા લોકપ્રિય ગીતો ખુબ ચીવટ  અને પ્રેમથી પ્રસ્તુત કરાયા.શ્રાવ્યા અને આરુષિ અંજારિયાએ કોયલ બેઠી આંબલીયાની ડાળ ગાયું અને લોકોની વાહ વાહ લૂંટી .

હાર્મોનિયમ પર દિલીપ આચાર્યની આંગળીઓએ જાદુ કર્યો . નિલેશ ધોમસે એ કી બોર્ડ પર , ગુરદીપ હીરા અને આશુ સિંહએ  ઢોલક અને ટેબલે પર સાથ આપ્યો .

જવનિકાના  જાગૃતિ તથા નિલેશ શાહનું કહેવું છે કે એનઆરઆઈ ગુજરાતીને એક સાથે લાવવા  તે અમારું ધ્યેય છે. ગુજરાતને પોતાના લિવિંગ રૂમમાં લઇ આવવું તે એક ભગીરથ કાર્ય  છે. અને તે બાબત સમાજના સાથ વગર સંભવી ન શકે. આણલ તથા અચલ અંજારિયાએ કહ્યું  કે અમે બધા ગીતો  ખુબ ઝીણવટથી નક્કી કર્યા .તેમજ ગાયકી ,સંગીત ,તથા શબ્દો પર ખુબ ધ્યાન આપ્યું છે. આ વર્ષે લોકગીતોનો મેળો ભરાયો . આવતા વર્ષે કંઈક નવી રજુઆત કરશું. ' જય જય ગરવી ગુજરાત '

(12:06 pm IST)