એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 4th December 2019

''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ

ભાવિક મોદી દ્વારા, યુ.એસ.માં ફલોરીડાના ટેમ્પા બે એરિયામાં તાજેતરમાં ગત નવેમ્બર માસની ૨૭ તારીખે ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર લોટસ હોલ ખાતે સિનિયર્સ કાર્યક્રમ યોજાઇ ગયો જેમાં ટેમ્પા તથા આસપાસમાં વસતા સિનિયર્સ ઉપસ્થિત રહ્યા હતા.

કહેવાય છે દરેક વ્યકિતની અંદર છૂપી પ્રતિભા રહેલી હોય છે. સિનિયર્સ પણ પોતાની અંદર રહેલી છૂપી પ્રતિભા બહાર લાવી શકે અને બીજા પણ તેને જાણી, માણી અને કદર કરી શકે તેવા આશયથી કાર્યક્રમ ''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે''નું આયોજન કરાયું હતું જેમાં ઉત્સાહપૂર્વક સિનિયરીએ ભાગ લીધો હતો.

સાંજના પાંચ વાગ્યે સૌ પ્રથમ સભ્ય નોંધણી ત્યાર બાદ ચ્હા સાથે નાસ્તો આપવામાં આવ્યો હતો. છ વાગ્યે પર્ફોર્મન્સ શરૃ થવા હતા જેમાં સિનિયરોએ ભજન,જુના-નવા ફિલ્મી ગીતો, ગ્રુપ ડાન્સ, વાજિત્ર વાદન, શિષ્ટ જોકસ, શાયરી વિગેરે એક પછી એક યાદગાર પર્ફોર્મન્સ આપ્યા હતા જેને ઉપસ્થિત સૌએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. સિનિયરોના એક ગ્રુપે કાલા ચશ્માં ગીત પર અદભુત ડાન્સ રજુ કર્યો હતો જેના પર સૌ ઝૂમી ઉઠયા હતા.

સાત વાગે પેહલા ભાગના પર્ફોર્મન્સ પુરા થયા હતા ત્યારબાદ નવેમ્બર માસમાં જે સિનિયર્સની બર્થડે આવતી હોય તેની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. સાડા સાત વાગ્યા આસપાસ ડીનર પીરસવામાં આવ્યું હતું. આજનું ડીનર ગુજરાતી સમાજ ઓફ ટેમ્પા બે ના તાજેતરમાં નવા વરાયેલા હોદેદારો મુકેશ પટેલ, ચિંતન પટેલ, જીગર જાધવ, ભાવિક મોદી દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું હતું.

ડીનર બાદ ફરીથી પર્ફોર્મન્સ શરૃ થયા હતા. એક સિનિયરે હાર્મોનિયમની સંગત સાથે ભકિત રસમાં તરબોળ કરી દેતું ભજન ''આવો તે રંગ મને શીદ લગાડયો'' મધુર સ્વરમાં પ્રસ્તુત કર્યુ હતું. ધડીક માટે વાતાવરણ ભકિતમય બની ગયું હતું. સાડા નવ વાગ્યા આસપાસ તમામ પર્ફોર્મન્સ પુરા થયા હતા ત્યાર બાદ ભારતના રાષ્ટગીત ''જન ગણ મન''નું ગાન કરાયું હતું જે બાદ કાર્યક્રમ પુરો થતા સૌએ વિદાય લીધી હતી.

કાર્યક્રમની સફળતા જીતુભાઇ વોરા પારૃલ વોરા, કુંજલતા પટેલ, ભારતી મેહતા, નલિની પટેલ, પ્રફુલ્લા પટેલ, રેખા દેસાઇ, અરેશા પટેલ, નિરંજના પટેલ, ઉપેન્દ્ર ઉપાધ્યાય (મામા), મનોજ પંડ્યા સહિતનાઓને આભારી હતી. તેવું શ્રી ભાવિક મોદી દ્વારા જાણવા મળે છે.

(8:38 pm IST)