એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 4th July 2020

અમેરિકામાં ચીન વિરુદ્ધ પ્રદર્શનો જારી : ઇન્ડિયન અમેરિકન બાદ હવે તાઇવાન તથા તિબેટી મૂળના લોકોએ પણ દેખાવો કર્યા : ન્યુયોર્ક ટાઈમ્સ સ્કવેરમાં ' બોયકોટ ચીન ' ના નારા લગાવ્યા

ન્યુયોર્ક : ભારત અને ચીન વચ્ચેના સરહદી સંઘર્ષ વચ્ચે ભારતના 20 સૈનિકો શાહિદ થવાથી ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ ચીન વિરુદ્ધ માહોલ ઉભો થયો છે.તાજેતરમાં ચીની રાજદૂત સામે ઇન્ડિયન અમેરિકન નાગરિકોએ શાંતિપૂર્ણ દેખાવો કર્યા બાદ ગઈકાલ શુક્રવારે ન્યુયોર્કમાં ટાઈમ્સ સ્કવેર ખાતે તાઇવાન તથા તિબેટી મૂળના લોકોએ દેખાવો કર્યા હતા.તથા બોયકોટ ચીન ના નારા લગાવ્યા હતા.
આ લોકોમાં એટલો ગુસ્સો હતો કે તેમને સંક્રમણ સંબંધી ચેતવણી આપ્યા છતા ચીન વિરુદ્ધ પ્રદર્શન કર્યા હતા. જોકે છેલ્લા અમુક દિવસોથી અમેરિકાના અન્ય શહેરોમાં પણ ચીન વિરોધી પ્રદર્શન જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકોના હાથમાં ભારત, તાઈવાન અને તિબેટના ઝંડા જોવા મળ્યા હતા. અહીં અમુક લોકોએ ચીનની પ્રોડ્ક્ટસનો બોયકોટ પણ શરૂ કરી દીધો છે.
ટાઈમ્સ સ્ક્વેર પર થયેલા પ્રદર્શનમાં સામેલ થયેલા ઘણાં લોકોએ કહ્યું, ચીનમાં બનેલી ચીજ વસ્તુઓને બોયકોટ કરવું જરૂરી. તે લોકોના મત પ્રમાણે, ચીનને ટક્કર આપવી હશે તો તેને આપવામાં આવતા આર્થિક ફાયદાઓમાં ઘટાડો કરવો પડશે. ભારતીયોના સંગઠન અમેરિકન ઈન્ડિયા પબ્લિક અફેર્સ કમિટીના પ્રેસિડન્ટ જગદીશ શેવાણીએ કહ્યું- ચીને ભારતીય સૈનિકો પર હુમલો કરીને તેમનો અસલી ચહેરો દેખાડી દીધો છે. તેઓ માત્ર ભારતને જ નહીં, પરંતુ ઘણાં દેશોને પરેશાન કરી રહ્યા છે.
જગદીશે કહ્યું કે- ચીન પોતાના દેશના નાગરિકો માટે પણ મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે. ત્યાંના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમોના અધિકાર છીનવવામાં આવી રહ્યા છે. પ્રદર્શનમાં સામેલ તિબેટિયન નાગરિકોનું કહેવું છે કે, ચીનના કારણે તેમની સંસ્કૃતિ સામે જોખમ ઉભુ થયું છે. હજારો લોકોને જેલમાં રાખવામાં આવે છે. તિબેટીયન નેતા દોર્જી તેસ્તેને કહ્યું- અમે ભારત અને અમેરિકાને અપીલ કરીએ છીએ કે તેઓ ચીનને ટક્કર આપે. ચીન પર સમયસર કાબુ મેળવવો જરૂરી છે.

(5:51 pm IST)