અમેરિકાની સુપ્રતિષ્ઠિત ડેવિડસન સ્કોલરશીપ માટે 6 ભારતીય સ્ટુડન્ટ્સની પસંદગી : દેશના તેજસ્વી 20 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવી ભારતનું ગૌરવ વધાર્યું
વોશિંગટન :અમેરિકામાં સુપ્રતિષ્ઠિત ગણાતી ડેવિડસન ફેલો સ્કોલરશીપ માટે સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા 20 સ્ટુડન્ટ્સમાં ભારતીય મૂળના 6 સ્ટુડન્ટ્સે સ્થાન હાંસલ કરી ભારતનું ગૌરવ વધાર્યું છે.આ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેક્નિકલ ક્ષેત્રે સ્કોલરશીપ મેળવી છે. જે પૈકી વર્જિનિયાની કાવ્યા કોપ્પારાપૂ (18) અને કનેક્ટિકટના રાહુલ સુબ્રમણ્યમ (17)ને 50-50 હજાર ડોલરની સ્કોલરશિપ મળી છે.કાવ્યાને કેન્સર ઇલાજની રીત વિકસિત કરવા અને રાહુલને મચ્છરોમાં ઝીંકા વાઇરસના સંક્રમણની ઓળખ કરતી સિસ્ટમ વિકસિત કરવા માટે આ સ્કોલરશિપ આપવામાં આવી છે. એરિઝોનાના સચિન કોનાન, વર્જિનિયાની મારિસા સુમતિપાલા અને ન્યૂજર્સીના ઇશાન ત્રિપાઠીને 25-25 હજાર ડોલર અને કેલિફોર્નિયાના રાજીવ મોવાને દસ હજાર ડોલરની સ્કોલરશિપ મળી છે.
તેજસ્વી વિદ્યાર્થીઓને આપવામાં આવતી આ સ્કોલરશિપની ગણતરી વિશ્વની દસ સૌથી મોટી સ્કોલરશિપમાં કરવામાં આવે છે.ડેવિડસન ઇન્સ્ટિટ્યૂટ વિજ્ઞાન, ગણિત, પ્રાદ્યોગિક, એન્જિનિયરિંગ, સંગીત, સાહિત્ય, દર્શન વગેરે ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 18 અથવા 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓની આ સ્કોલરશિપ પ્રદાન કરે છે.