એન. આર. આઈ. સમાચાર
News of Monday, 29th April 2019

અમેરિકા સવાનાહ સનાતન સ્વામી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે ભાઇ -બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત રાસ, ગરબા,નૃત્ય-,રુપક-સગીતનો રંગારંગ કાર્યક્રમ

અમેરિકા તા. ૨૯. એસજીવીપીની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ ખાતે SGVP અધ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મની તમામ ધારાઓના સમન્વય કરતા દેવોની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

    મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બાળકો અને બહેનો દ્વારા રાત્રીના સમયે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ.

    જેમાં અમેરિકન ભારતીય ભાઇ બહેનોએ રાસ, ગરબા, નૃત્ય, રુપક અને સંગીતનો રંગારંગ કાર્યક્રમ રજુ કરેલ.

    બાલમંચની રાતે યુવાનોએ સ્વાગત નૃત્ય, હનુમંત વંદના, કૃષ્ણલીલા, રાસ રજુ કર્યા હતા, જ્યારે નાના બાળકોએ ગીતાજીના શ્લોક, વૈદિક શાંતિ મંત્રો, સ્તુતિ વગેરે રજુ કર્યા હતા.

    મહોત્સવના અંતિમ દિવસે રાતે મહિલા મંચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અમેરિકા વસતા ભારતીય બહેનોએ સનાતન મંદિરમાં બિરાજીત થયેલા દેવોના જીવન આધારે ગણપતિ વંદના, હનુમાનજી મહારાજની રામભકિત, ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલા, રામચંદ્રજી ભગવાનના ધનુષ્યભંગનો પ્રસંગ, લક્ષ્મીનારાયણ દેવની વંદના, શ્રી નાથજી પ્રભુની ભકિતનું દર્શન, શ્રી વેંકટેશ્વર ભગવાનની પૂજા વિધિ, શિવપાર્વતીની લીલાઓનું દર્શન કરાવતી અનેક કૃતિઓ મહિલા મંચમાં રજુ કરવામાં આવી હતી

    બહેનોના સમસ્ત કાર્યક્રમ દરમ્યાન ભકિત સભર ઉત્સાહ અને ઉમંગનો માહોલ સર્જાયો હતો. મહિલા મંચનું સમગ્ર સંચાલન જાનકીબેન પટેલ તથા નિકીતાબેને કર્યું હતું.

    સમસ્ત કાર્યક્રમની સમાપનની વિશેષતા એ હતી કે બાળમંચ અને મહિલા મંચના દરેક કાર્યક્રમના અંતિમ ચરણમાં અમેરિકામાં ઉછરી રહેલા નાના ભૂલકાંઓ ભારતીય રાષ્ટ્રગીતના ગાન સાથે ભારત માતાના જયઘોષ સાથે માતૃ ભૂમિને વંદન કરતા.

      બાલમંચમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરનારા નાના બાળકોને, કાર્યક્રમ તૈયાર કરનારા અને બાળકોના માતા પિતાને પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ધન્યવાદ પાઠવ્યા હતા.

 

(11:59 am IST)