એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 2nd July 2019

ગુજરાત દર્પણ કાવ્યસભા કવિયત્રી ગોપાલી બુચ સાથે સંપન્ન કાવ્યયાત્રા

ગુજરાત દર્પણ સાહિત્ય સભા દર વર્ષે સામાન્યત મહિનાના બીજા શનિવાર અથવા રવિવારે યોજાય છે ન્યૂયોર્ક,ન્યુજર્સી, પેન્સિલ્વેનિઆના સર્જકો પોતાની કૃતિઓ સાથે ઉપસ્થિત રહે છે રજુઆત થાય છે, તેની પર કૃતિ સંબંધિત ચર્ચા પણ થાય છે.

આ વર્ષે સાહિત્યસભાની પેટર્ન બદલીને પ્રથમ સભા નાટયસભા તરીકે યોજવામાં આવી. સર્જક અને જાણીતા નાટયવિદ્ શ્રી મધુરાયની ઉપસ્થિતિમાં વિશદ્દ છણાવટ અને ચર્ચા થઇ સંકલન શ્રી શૈલેષ ત્રિવેદીએ કર્યુ.

જુન માસની ગુજરાત દર્પણ સાહિત્યસભા કાવ્ય સભા તરીકે યોજાઇ પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરાઇ કાવ્ય સભાના મુજબ વકતા હતા સુશ્રી ગોપાલી બુચ લગભગ ચાલીસથી વધુ સર્જકોની ઉપસ્થિતિ સાથે આ સભાનું સંચાલન શ્રીકૌશિક અમીને કર્યુ પ્રમુખ સ્થાને ગુજરાત દર્પણના તંત્રી-પ્રકાશક શ્રી સુભાષ શાહ ઉપસ્થિત હતા.

અતિથિ વિશેષ તરીકે શ્રી રોહિત પટેલ તથા સુશ્રી દીપ્તીબહેન જાની ઉપસ્થિત હતા. શ્રી રોહિત પટેલ અમેરિકાની ટૂંકી મુલાકાતે આવ્યા છે. તેઓ પૂર્વ ધારાસભ્ય તથા ગુજરાત રાજય સરકારના મંત્રી તરીકે રહી ચૂકયા છે. આણંદની સુવિખ્યાત મિલ્સેંટ ઘરઘટી તથા આઇવી ફલ્યુઇડસના ઉત્પાદક છે. તેમના મંત્રીપદ તરીકેના કાર્યકામ દરમ્યાન જયારે પાટીદાર અનામત આંદોલન તેના વરવા સ્વરૂપે ગુજરાતને ભરડો લઇ ચૂકયુ હતુ ત્યારે અનામતની વિશક કાનુની અને રાજય સરકારના મતને પુસ્તક સ્વરૂપે વિષય છણાવટ સાથે પ્રકાશિક કર્યુ હતું. તેમને આ ઘટનાને યાદ કરી સરકારના પ્રયાસોની વાતો પણ કરી.

સુશ્રી દીપ્તીબહેન રાજકોટના સાંધ્ય દૈનિક અકિલાના અમેરિકા ખાતેના પ્રતિનિધિ છે. અને પૂર્વ ઓફ બીજેપી પ્રમુખ સ્વ.સુરેશ જાનીના પત્નિ છે.

સર્જકોની ઉલ્લેખનીય  ઉપસ્થિતિ સાથે કાવ્યસભાના દોરને શરૂ કરતા સુશ્રી ગોપાલી બુચે સર્જનયાત્રાના પોતાના શૈશવકાળથી લઇને અત્યાર સુધીના અનુભવો તથા સાથે જ પોતાની આગવી શૈલીથી સર્જનયાત્રાની કેફિયતને સાંકળીને સુંદર રજુઆતનો પ્રારંભ કર્યો હતો.

કાવ્ય,ગીત,ગઝલની પણ વિષદ ઘણાવટ સાથે પોતાની કૃતિઓના અંશ  પણ તેઓ રજુઆતમાં સાંકળતાં ગયા.

મહિલા સર્જક તરીકે, તથા ''વુમન એમ્પાવરમેન્ટ''ના મુદ્દાઓની પણ છણાવટ કરી. મહિલા સર્જક અને સમર્થક હોવા છતા એક ગાડાના બે પૈડાની જેમ પુરૂષના પ્રાધાન્યની પણ ઉદાહરણો સાથે ચર્ચા કરી હતી.

સર્જક તરીકે, અનુવાદક તરીકે તથા પત્રકારત્વના ક્ષેત્રની વાતો તેમણે કરી અને શ્રોતાઓને તરબોળ કર્યા પત્રકારત્વની કારકીર્દીની શરૂઆત અમેરિકાથી પ્રકાશિત થતા 'ગુજરાત ટાઇમ્સ' થી કરી, અને હવે તેઓ 'મુંબઇ સમાચાર'ના અમદાવાદના બ્યુરો સાથે કામગીરી કરી રહ્યા છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય સર્જકોમાં પ્રા.ડો.ચંદ્રકાંત દેસાઇ, પ્રા.શ્રી રમેશ શાહ, તથા તેમના પુત્રો અમિત તથા વત્સલ શાહ, પ્રાર્થના ઝા, શ્રી આર.ડી.પટેલ, ઋષિ મહેતા, શ્રી અશોકકુમાર શાહ, શ્રી પ્રવીણ શાસ્ત્રી, મધુશાહ, શ્રી સુબોધ શાહ, શ્રી રણધીર નાયક, જેસી દેસાઇ, શ્રી સુરેશ ભીમાણી, શ્રી શર્મા શ્રી શશિકાન્ત પરીખ શ્રી શૈલેષ ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ સર્વે સર્જકોએ પોતાની કૃતિઓની સુંદર રજુઆત કરી, અને ઉપસ્થિત સર્વે સર્જકોની દાદ મેળવી હતી.

કાર્યક્રમના અંતે, શ્રી સુભાષભાઇ શાહે સૌ ઉપસ્થિત સર્જકો તથા આમંત્રિતોનો આભાર માન્યો હતો. કાર્યક્રમના અંતે 'રાજધાની' રેસ્ટોરન્ટનું સ્વાદિષ્ટ ભોજન માણી સૌ વિદાય થયા હતા.

(8:09 pm IST)