એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 25th June 2020

પાકિસ્તાનમાં કૃષ્ણ ભગવાનનું પહેલું મંદીર બનશેઃ ખર્ચ સરકાર ભોગવશે

ઈસ્લામાબાદમાં ભૂમિપૂજન સંપન્નઃ ૧૦ કરોડનો ખર્ચે

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પહેલું હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે. મંગળવારે માનવાધિકારનાં સંસદીય સચિવ લાલચંદ મલ્હી દ્વારા ભૂમિપૂજન કર્યાં બાદ રૂ.૧૦ કરોડનાં ખર્ચે તૈયાર થતા ભગવાન શ્રી કૃષ્ણનાં મંદિર નિમાર્ણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભૂમિપૂજન સમારોહમાં મલ્હીએ કહ્યું કે, ''ઈસ્લામાબાદ અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં વર્ષ ૧૯૪૭ પહેલાં ઘણા મંદિરો હતા, જેમાંથી એક સૈદપુર ગામ અને એક કોરંગ નદીની પાસે છે, જોકે તે મંદિર ઉપયોગમાં લેવામાં આવી રહ્યાં નથી.''

એક માહિતી મુજબ શ્રી કૃષ્ણનું આ મંદિર પાકિસ્તાનની રાજધાનીનાં એચ-૯ વિસ્તારમાં ૨૦ હજાર સ્કવેર ફૂટમાં બનાવવામાં આવશે. પાકિસ્તાનના સમાચાર પત્ર ડોન અખબાર મુજબ, 'ઈસ્લામાબાદમાં હિન્દુ આબાદી બે દશકોમાં વધી છે અને માટે ત્યાં મંદિરની જરૂરિયાત વર્તાઈ છે.'

મંદિર નિર્માણનો ૧૦ કરોડનો ખર્ચ સરકાર કરશે

પાકિસ્તાનમાં ધાર્મિક બાબતોનાં મંત્રી પીર નુરૂલ હક કાદરીએ મંદિર નિર્માણ અંગે જણાવ્યું કે, આ મંદિર નિર્માણનો ૧૦ કરોડના ખર્ચ સરકાર ભોગવશે. મંદિરના નિર્માણકાર્ય માટે ૨૦૧૭માં જમીન આપવામાં આવી હતી.

(1:20 pm IST)