Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

શિકાગોના પુલાસ્કી રોડને અડીને આવેલ બોહેનીઅન નેશનલ સેમેટ્રીમાં મનીષ મનુભાઇ પટેલની કરવામાં આવેલી અંતિમવિધિઃ લાલભાઇ પટેલ, નટવરભાઇ ન્યુજર્સીવાળા, ફોઇ વિમળાબેન, યુનાઇટેડ સીનીયર પરિવાર, શિકાગોના કાર્યકરો તેમજ હિંદુ ટેમ્પલ ઓફ ગ્રેસલેઇક શિકાગોના મહારાજ યોગેશભાઇએ મંદિર વતી સ્વ. મનીષને ચાદર તથા શાલ ઓઢાડી શોકાંજલી અર્પણ કરીઃ નેશનલ સેમેટ્રીમાં પગ મુકવાની જગ્યા ન હતી પરંતુ સમાજના તમામ લોકોએ શીસ્ત જાળવી શોકાંજલી અર્પીઃ સ્વર્ગસ્થની યાદમાં મળવાના કાર્યક્રમના પ્રસંગે મનુભાઇ તથા આનંદીબેન પટેલે સર્વેનો માનેલો આભારઃ સાથી મિત્રોએ મૈત્રીની યાદમાં ફુટબોલની જર્શી સ્વ. મનીષને અર્પણ કરી

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ શિકાગો નજીક શાબ્વર્ગ ટાઉનના રહીશ મનુભાઇ અને આનંદીબેન પટેલના નવયુવાન પુત્ર મનીષ મનુભાઇ પટેલનું ૪૩ વર્ષની વયે હૃદયરોગના હૂમલાથી અચાનક અવસાન થતા શિકાગો અને તેની આજુબાજુના પરા વિસ્તારમાં વસવાટ કરતા ભારતીય સમાજના રહીશોમાં ઘેરા શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી અને તેના દેહના અંતિમ સંસ્કાર ડીસેમ્બર માસની ૩૦મી તારીખને રવીવારે શિકાગો પુલાસ્કી રોડ પર આવેલ બોહેનીઅન નેશનલ સેમટ્રીમાં થયા હતા. આ પ્રસંગે ભારતીય સમાજના લોકો તથા અન્ય સ્નેહીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

હૃદયરોગનો ભોગ બનેલ ૪૩ વર્ષના નવયુવાન ગયા મંગળવારને ૨પમી ડીસેમ્બરના રોજ સાંજે છ વાગ્યાના સુમારે પોતાની પત્ની દક્ષા તથા ૧૬ વર્ષના પુત્ર શીવ સાથે મીશીગન જવા નીકળ્યા હતા અને તેઓએ રાત્રી રોકાણ ત્યાંની મોટલમાં કર્યા બાદ ભાઇ મનીષ પોતાના કામ માટે સાઇટ પર ગયો હતો અને ત્યાં આગળ સવારે ૧૦.૧પ કલાકે તેના પર હૃદયરોગનો હૂમલો થતા તે અસ્વસ્થ બની ગયો હતો. આ વેળા ફાયરબ્રીગેડના માણસો પણ તેની સાથે હતા અને તેમણે તેને પ્રાથમીક સારવાર પણ આપી હતી. પરંતુ તેને વધુ સારવાર મળે તે માટે હેલીકોપ્ટર દ્વારા નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવતો હતો ત્યારે માર્ગમાં જ તેનું પ્રાણ પંખેરૃ ઉડી ગયાનું જાણવા મળે છે. અને સારવાર કરનાર ડોકટરોએ તેને મરણ ઘોષિત જાહેર કર્યો હતો.

મીશીગનથી મરનાર મનીષના મૃતદેહને શિકાગો લાવવામાં આવ્યો હતો અને ડીસેમ્બર માસની ૩૦મી તારીખને રવીવારે શિકાગોના પુલાસ્કી રોડને અડીને આવેલ બોહેનીઅન નેશનલ સેમેટ્રીમાં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. તે પ્રસંગે ભારતીય સમાજના લોકો તથા મરનારના મિત્રો તેમજ શૂભેચ્છકોથી આખી સેમેટ્રી ઉભરાઇ જવા પામી હતી અને વધારાના લોકો નીચે વ્યવસ્થા કરી ત્યાં ગોઠવાઇ ગયા હતા.

આ પ્રસંગે યોગેશભાઇ મહારાજ કે જેઓ હિંદુ ટેમ્પલ ઓફ ગ્રેસ લેઇક શિકાગોમાં સેવા આપે છે. તેમણે તમામ પ્રકારની ધાર્મિક વિધીઓ કરાવી હતી. સ્વર્ગસ્થ મનીષના સાથી મિત્રોએ ફયુનરલનું તમામ સંચાલન કર્યુ હતું. આ વેળા તેમના સ્વજનોમાં લાલભાઇ પટેલ, નટવરભાઇ પટેલ ન્યુજર્સીવાળા, યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના કાર્યકરો, ફોઇ વિમળાબેન તરફથી ચાદર અને શાલ મનીષને ઓઢાડવામાં આવી હતી. તેમજ તેના સાથી મિત્રો તરફથી મનીષ ફુટબોલનો ચેમ્પીયન હોવાથી તેને ફુટબોલની જર્શી અર્પણ કરવામાં આવી હતી.

સગા સ્નેહી તથા શુભેચ્છકોએ મનીષને યાદ કરીને તેણે સમાજના કરેલા કાર્યોને યાદ કરીને શોકાંજલી અર્પણ કરી હતી.

અંતમાં આ વેળા સ્વર્ગસ્થ મનીષ મનુભાઇ પટેલની યાદગીરીમાં મળવાનું રાખ્યુ હોવાથી રામધુન અને ભજનનો કાર્યક્રમ રાખ્યો હતો. અંતમાં મનુભાઇ પટેલે પોતાના પરિવારના દુઃખમાં સહભાગીદાર બનવા બદલ સમાજના તમામ લોકોનો આભાર માન્યો હતો.

(6:23 pm IST)