Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

અમેરિકાના આગામી પ્રેસિડન્ટ પદના રિપબ્લીકન ઉમેદવાર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલીનું નામ ચર્ચામાં: ડેમોક્રેટ પાર્ટી વતી ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરીસ તથા હિન્દુ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડના નામો મોખરેઃ પ્રેસિડન્ટ પદનું વર્ષ મહિલા વર્ષ બની રહેવાના એંધાણ

વોશીંગ્ટનઃ યુનાઇટેડ નેશન્સ ખાતેના અમેરિકાના એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન રિપબ્લીકન મહિલા સુશ્રી નિક્કી હેલી ૩૧ ડીસે. ૨૦૧૮થી પોતાના હોદ્દા ઉપરથી સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થઇ રહ્યા છે. આ તકે તેઓ આગામી ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રિપબ્લીકન પાર્ટીના સબળ ઉમેદવાર તીરેક ગણાઇ રહ્યા છે. જે માટે વર્તમાન રિબ્લીકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિવાદાસ્પદ ગણાઇ રહ્યા હોવાનું મુખ્ય કારણ છે. તેથી તેમના વિકલ્પરૂપે સુશ્રી નિક્કી હેલીનું નામ હોટ ફેવરીટ ગણાઇ રહ્યું છે. જો કે તેમણે પોતે આ પદ ઉપર ચૂંટણી લડવા કરતા ટ્રમ્પનો પ્રચાર કરવાનું વધુ મુનાસિબ ગણાવ્યું છે.

હાલના અમેરિકાના રાજકિય સંજોગોને ધ્યાને લેતા આગામી પ્રેસિડન્ટ કોઇ મહિલાના ભાગે આવે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. આ મહિલા પણ ભારતીય મૂળની હોઇ શકે છે. જે પૈકી ડેમોક્રેટ પાર્ટી વતી હિન્દુ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડ તથા ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરીસ તથા રિપબ્લીકન પાર્ટીના ઉમેદવાર તરીકે ઇન્ડિયન અમેરિકન સુશ્રી નિક્કી હેલીનું નામ મોખરે ગણાય છે. આમ આગામી ચૂંટણીનું વર્ષ મહિલાઓના વર્ષ તરીકે ગણાય તો નવાઇ નહીં.

(6:41 pm IST)