Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

શિકાગોમાં જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટનના જૈન જિનાલયના રજત જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે તેને સફળ બનાવવા માટે જે વોલેન્‍ટીયર ભાઇ બહેનોએ શરૂઆતથી જે ભગીરથ પ્રયાસ કરેલ તેઓ સર્વેની સરાહના કરવા માટે જૈન સેન્‍ટરના ભવ્‍ય આરાધના ભવનમાં મિલન સમારંભ તથા કવિ સંમેલનનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજનઃ વોલેન્‍ટીયરોને સામુહિક એવોર્ડ એનાયત કરાયા અને સંચાલક મંડળના સભ્‍યોને પણ એવોર્ડથી નવાજવામાં આવ્‍યાઃ ગુરૂદેવ ચિત્રભાનુજીની પ્રતિમાજીની અનાવરણ વિધી થતા સમગ્ર શિકાગોમાં પ્રસરેલી આનંદની લાગણી

 (કપિલા શાહ દ્વારા )શિકાગોઃ જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના જીનાલયે રપ વર્ષ પૂર્ણ કર્યા હોવાથી તેનો રજત જયંતિ મહોત્‍સવ તાજેતરમાં સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો અને તેને  સફળ બનાવવા માટે વોલેન્‍ટીયર ભાઇ બહેનોનો અવિરત ફાળો હતો. આ બીનાને ધ્‍યાનમાં લઇને તે સર્વેની સરાહના કરવા માટે જૈન સોસાયટીના સાંસ્‍કૃતિક ભવનના વિશાળ હોલમાં જુલાઇ માસની ર૦મી તારીખને શુક્રવારે રાત્રે ૮ વાગ્‍યે એક ભવ્‍ય મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. તેમાં પ૦૦ થી  વધુ સોસાયટીના સભ્‍યોએ હાજરી આપી હતી.

આ મિલન સમારંભની શરૂઆતમાં  (૧) લતાબેન પ્રબોધભાઇ વૈધ (ર) ધર્મીબેન અતુલભાઇ શાહ (૩) રશ્‍મિબેન કિશોરભાઇ શાહ તથા (૪) બીનાબેન જયેન્‍દ્રભાઇ શાહ રોકફોર્ડવાળાએ નવકારમંત્ર પદની રજુઆત કરી હતી. અને તેમાં સૌ સભ્‍યોએ સહકાર  આપ્‍યો હતો. ત્‍યારબાદ સંસ્‍થાના  ભૂતપૂર્વ ચેરમેન હેમંત શાહે સૌ સભ્‍યોને આવકાર આપીને આ મિલન સમારંભનો હેતુ સમજાવ્‍યો હતો.

જૈન જિનાલયના રજત જયંતિ મહોત્‍સવને સફળ બનાવવા બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઓ તેમજ કાર્યવાહક સમિતિના સભ્‍યો તથા   ૧૯૦ જેટલા વોલેન્‍ટીયર ભાઇ બહેનોએ જે અથાગ પરિશ્રમ કર્યો હતો તેમજ તેને સફળ બનાવ્‍યો તેથી તેઓના કાર્યોની સરાહના કરવા માટે સર્વેશ્રી (૧) પ્રબોધભાઇ અને લતાબેન વૈધ તથા (ર) જયેન્‍દ્રભાઇ અને બીનાબેન  શાહ રોકફોર્ડવાળાએ આ મીલન સમારંભનું આયોજન કર્યુ હતું અને તેના પણ તેઓ સ્‍પોન્‍સર હતા.

મીલન સમારંભના  સ્‍પોન્‍સર પ્રબોધભાઇ વૈધે સર્વે ભાઇ બહેનોએ જિનાલયના રજત જયંતિ મહોત્‍સવ પ્રસંગે અથાગ પરિશ્રમ કરી તેને  વિના  વિધ્ને  સફળ બનાવ્‍યો તે બદલ આનંદ અને આભારની લાગણીઓ વ્‍યકત કરી હતી. આ પ્રસંગે તેમણે  જૈન પાઠશાળાનું  સંચાલન કરતા  (૧) ડો. પ્રદિપભાઇ શાહ તથા તેમના પત્‍ની  દર્શનાબેન  શાહને સ્‍ટેજ પર બોલાવી તેઓની સરાહના કર્યા બાદ અભિનંદન આપ્‍યા હતા. આ પ્રસંગે પાઠશાળાના પ્રેણતા ડો. મુકેશભાઇ દોશીને પણ યાદ કર્યા હતા પરંતુ તેઓ  હાજર રહી શકયા ન હતા. તેમનો આ જૈન પાઠશાળામાં અમૂલ્‍ય ફાળો રહેલ છે અને આજે પણ સૌ સભ્‍યો તેમના આ કાર્યને બિરદાવે છે જે અતિ મહત્‍વની બીના છે.

આ મિલન સમારંભના  બીજા સ્‍પોન્‍સર જયેન્‍દ્રભાઇ શાહે જિનાલયના મહોત્‍સવ અંગે સૌ સભ્‍યોએ ખંભેખભા મેળવીને જે કાર્ય કર્યુ હતુ તેને  તેમણે મુકત કંઠે વખાણ્‍યું હતું.  જૈન સોસાયટીના ટ્રસ્‍ટી તથા કારોબારી સમિતિના સભ્‍યો તેમજ ૧૯૦ જેટલા વોલેન્‍ટીયર ભાઇ બહેનોએ દસ દિવસ અને તે અગાઉના સમય દરમ્‍યાન જે કાર્ય કરેલ તે બદલ સૌને અભિનંદન આપી વોલેન્‍ટીયર ગૃપ તથા  વહીવટકર્તાઓને અલગ અલગ  એવોર્ડ તેમણે અર્પણ કર્યા હતા અને આ સરાહનાના એવોર્ડો સોસાયટીની ઓફિસમાં એક સ્‍મૃતિ તરીકે સાચવવામાં આવશે એવી એક  જાહેરાત પણ કરવામાં આવી હતી.

મિલન સમારંભની  પૂર્ણાહુતિ બાદ કવિ સંમેલનનું આયોજન કરવામાં  આવ્‍યું હતુ તેમાં ભારતના જાણીતા કવિઓ (૧) શોભિત દેસાઇ અને (ર) ચંદ્રકાંત શાહે પોતાની ગુજરાતી કવિતાઓ રજુ કરી હતી અને  સોસાયટીના સભ્‍યોએ  તેનો આનંદ માણ્‍યો હતો.

ટ્રસ્‍ટી બોર્ડના ચેરમેન અતુલ શાહ તથા પ્રમુખ વિપુલભાઇ શાહે અમારી મુલાકાતમાં જણાવ્‍યું હતું કે શિકાગોના જૈન  જિનાલયનો જે દસ દિવસનો રજત જયંતિ મહોત્‍સવ ઉજવાયો તે સોસાયટીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત  થશે.  આ પ્રસંગે તીર્થાધિરાજ શંત્રુજય પર્વતની જે પ્રતિકૃતિ સોસાયટીના પટાંગણમાં તૈયાર કરવામાં આવેલ તે અદભૂત હતી અને લગભગ તમામ સભ્‍યોએ આ કાર્યને અંતરથી બિરદાવ્‍યું હતુ.  આ પ્રસંગે ભારતથી મહાનુભાવો શિકાગોના આંગણે પધાર્યા હતા અને  તેઓની વાણીનો જે લાભ તમામ લોકોને મળ્‍યો હતો તે  સૌથી આનંદદાયક બીના છે.

જેૈન સોસાયટીના સભ્‍યોએ આ દિવસો દરમ્‍યાન જે સહકાર આપેલ તે બદલ તેઓની સરાહના કરતા કરતા ભાવ વિભોર બની ગયા હતા. આ પ્રસંગે ગુરૂદેવ ચિત્રભાનુજીનું જીવંત સ્‍મારક રચાતા અને તેમની અર્ધ આરસની  પ્રતિમાનું ઉદઘાટન થતાં  તમામ સભ્‍યોમાં આનંદની લાગણીઓ પ્રસરી જવા પામેલ છે અને તે પ્રતિમાના સ્‍પોન્‍સર તરીકે સતીષભાઇ  અને કિન્નાબેન શાહ તથા રવિન્‍દ્રભાઇ અને પલ્લવીબેન કોબાવાલા છે તે બદલ  તેમના પ્રત્‍યે  પણ તેમણે આભારની લાગણી વ્‍યકત કરી હતી અને અંતમાં રજત જયંતિ મહોત્‍સવના સંઘપતિ તરીકે (૧) કિશોરભાઇ અને રશ્‍મિબેન શાહ (ર)  પ્રબોધ  અને લતાબેન  વૈધ (૩) જયેન્‍દ્ર અને લીનાબેન શાહ (૪) ડો. શૈલેષ અને મયુરીબેન ઝવેરી  તેમજ (પ) સંજય અને હેમાલી શાહ બન્‍યા હતા તે બદલ તેઓનો પણ તેમણે આભાર માન્‍યો હતો.
 

(11:23 pm IST)