Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

પસેઇક કાઉન્‍ટી સિનિયર સીટીઝન એસોસીએસનના સંચાલકોએ સંગીત સંધ્‍યાનું કરેલું આયોજનઃ ૩૫૦ જેટલા સીનીયર ભાઇ બહેનોએ સંગીતના કાર્યક્રમનો માણેલો આનંદઃ ફ્રી સાનાના પ્રમુખ પોપટભાઇ પટેલ, તેમજ વુડબ્રીજ સીનીયર એસોસીએસનના પ્રમુખ જી.કે.પટેલ તેમજ બર્ગન કાઉન્‍ટી સીનીયર સંસ્‍થાના પ્રમુખ સુરેશભાઇ શાહ, સલાહકાર કાઉન્‍સીલના સભ્‍ય સુર્યકાંત શુકલ,સેયરવીલ સીનીયરના પ્રમુખ સુભાષભાઇ દોશી તેમજ ફી સાનાના ભૂતપૂર્વ પ્રમુખ નવીનભાઇ અમીન તેમજ સામાજીક કાર્યકર ગોવિંદભાઇ શાહે આપેલી હાજરી

 (કપિલા શાહ) શિકાગોઃ ન્‍યુજર્સી રાજયમાં પસેઇક કાઉન્‍ટી સિનિયર સિટિઝન એસોસીએસન નામની સંસ્‍થા સિનિયરોને હિતાર્થે ઘણાં વર્ષોથી કાર્ય કરે છે અને તેના સંચાલકોએ સીનીયરોની લાગણી અને માંગણીને ધ્‍યાનમાં લઇને જૂનમાસની ૨૩મી તારીખે પસેઇક હાઇસ્‍કુલના ઓડીટરીયમમાં એક સંગીત સંધ્‍યાનું આયોજન કર્યુ હતું અને તેમાં ૩૫૦ જેટલા સીનીયર ભાઇ બહેનો તેમજ વિવિધ સીનીયર એસોસીએસનના પ્રમુખો તેમજ ફીસાનાના પ્રમુખ પોપટભાઇ પટેલે હાજરી આપી હતી. આ સંસ્‍થા તેના દસ વર્ષ જેટલો સમય પૂર્ણ કરતી હોવાથી સંચાલકોએ દશાબ્‍દી મહોત્‍સવ પ્રસંગે વાર્ષિક કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

દશાબ્‍દી વર્ષના વાર્ષિક પ્રોગ્રામની શરૂઆતમાં સંસ્‍થાના સેક્રેટરી મુકેશભાઇ પંડયાએ હાજર રહેલા સીનીયર ભાઇ બહેનો તેમજ આમંત્રીતોને આવકાર આપી સીનીયરોના હિતાર્થે આ સંસ્‍થા દ્વારા જે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે તેની આછેરી રૂપરેખાઓ આપી હતી. તેમજ સંસ્‍થાના પ્રમુખ અમ્રતલાલ ગાંધીએ સીનીયર એસોસીએસનની સભ્‍ય સંખ્‍યામાં સતત પ્રમાણમાં વધારો થતો હોવાથી આનંદની લાગણીઓ વ્‍યક્‍ત કરી તેઓને આવકાર આપ્‍યો હતો તથા જે કોઇપણ ભાઇ બહેનને સભ્‍ય બનવું હોયતો તે બની શકે છે અને આ સંસ્‍થા તેઓ સર્વેના હિતાર્થે કાર્ય કરતી રહેશે એવી ઘોષણા વ્‍યક્‍ત કરી હતી. આ સંસ્‍થાના અગ્રણી યાકુબભાઇ પટેલે પોતાના વકતવ્‍યમાં બીજવોટર સીનીયટના પ્રમુખ બાબુભાઇ પટેલ, ફી સાનાના હાલના પ્રમુખ પોપટલાલ પટેલ, વુડરાજસીનીયરના પ્રેસીડન્‍ટ સી.કે.પટેલ, બર્ગન કાઉન્‍ટી સીનીયરના પ્રમુખ સુરેશભાઇ શાહ, તેમજ આ સંસ્‍થાના સલાહકાર સુર્યકાંત શુકલા, તેમજ સેયરવીલ સીનીયરના પ્રમુખ સુભાષ દોશી તથા સામાજીક કાર્યકર ગોવિંદભાઇ આમંત્રણને માન આપીને હાજર રહ્યા હતા તે સર્વેનું તેમણે સ્‍વાગત કર્યુ હતુ. કાર્યવાહક સમિતિના ભૂતપૂર્વ કાર્યકર શંકરલાલ રાણાનું અચાનક નિધન થતાં તેમના આત્‍માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્‍યું હતું.

 સંગીતના કાર્યક્રમની શરૂઆત ગણેશવંદનાથી થઇ હતી. ત્‍યારબાદ સ્‍વ.અવિનાશ વ્‍યાસ રચીત પ્રખ્‍યાત ગુજરાતી ગીત કંકુ ખર્યુ ને સુરજ ઉગ્‍યો રજુ કરવામાં આવ્‍યું હતું. અને ત્‍યાર બાદ સંગીતના કલાકારો જેમાં રાજ અને સ્‍મૃતિ પંડયા તેમજ તેમની પૂત્રી એશ તને પૂત્ર અમીતે બોલીવુડ ફીલ્‍મના અનેક ગીતો રજુ કરીને સીનીયરોના મન જીતી લીધા હતા. અને સમય મર્યાદાને ધ્‍યાનમાં લઇને કલાકારોએ ભૈરવી રાગમાં રજુ કરવામાં આવેલ ગીત લાગા ચુનરીમેંદાગ છીપાવું કૈસે રજુ કરીને કાર્યક્રમની સમાપ્‍તી કરી હતી.

આ સંગીત સંધ્‍યાનો કાર્યક્રમ આશરે ચાર કલાક સુધી ચાલ્‍યો હતો અને સર્વેએ તેનો આનંદ માણ્‍યો હતો. સંગીતના કાર્યક્રમ પહેલાં સ્‍વાદિષ્‍ટ ભોજનને સૌએ ન્‍યાય આપ્‍યો હતો અને સંસ્‍થા દ્વારા યોજવામાં આવનારા કાર્યક્રમો પિકનીક તેમજ મંદિર પ્રવાસના કાર્યક્રમનું સ્‍મંરણ કરતા વિખુટા પડયા હતા.

(9:06 am IST)