Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

આઇના દ્વારા ન્યુજર્સીમાં 'ચલો ઇન્ડિયા' આયોજનઃ વૈવિધ્યપુર્ણ કાર્યક્રમો

શુક્રવારથી ત્રણ દિવસ અમેરિકામાં ભારત ધમધમશે!

પ્રવેશદ્વારે 'ઇન્ડિયા ગેઇટ'નું નિર્માણ મહાત્મા ગાંધીજીનું વિશેષ પેવેલીયન ૩૦૦ થી વધારે કલાકારો કલારસ વરસાવશે

(દિપ્‍તીબેન જાની દ્વાર) ન્‍યુજર્સીઃ  આગામી તા.૩૧ના શુક્રવારથી અમેરિકાની ધરતી પર ભારતીય ધરતીની મહેક પ્રસરશે. AIANA દ્વારા ' ચલો ઇન્ડિયા' આયોજનનો મંગલ પ્રારંભ થશે. ત્રણ દિવસના મસ્ત, આયોજનમાં વિશ્વભરમાં પથરાયેલા ભારતીયો ઉમટનાર છે.

આયોજન અંગે AIANA ના સુનિલભાઇ નાયક કહે છે કે, ''ચલો ગુજરાત''ના સતત સફળ આયોજનો બાદ ભારતીયોની લાગણીને સ્વીકારીને ''ચલો ઇન્ડિયા'' આયોજન કર્યું છે. ૫૦૦૦ વર્ષનો ઇતિહાસ ધરાવતા ભારતની વિશેષતા અન્ય દેશો કરતા વિશેષ છે. કેન્દ્રમાં નવી સરકાર રચાયા બાદ એકાત્મતાની ભાવના પ્રબળ બની છે. પ્રબળ ભાવનાને બળ આપવાના હેતુથી આયોજન કરાયું છે.

''ચલો ઇન્ડિયા'' હેઠળ વૈવિધ્યપુર્ણ કાર્યક્રમોનું આયોજન થયું છે, જેમાં ધ્રુવ ભટ્ટ લિખિત 'અદુપાર' નો હિન્દી-પ્રયોગ, સિંગર પાપોન જમાવટ કરશે, કુમાર વિશ્વાસ, સુરેન શર્મા તથા ગુજરાતી કલાકારો ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી વગેરેના કાર્યક્રમોનું આયોજન થયું છે.

બીજી બાજુ હિંદી કવિ સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં આપણી ભાષાના જાણીતા ગુજરાતી કવિ હર્ષ બ્રહ્મભટ્ટ-તુષાર શુકલ-ઉદયન ઠકકર-ડો. રઇસ મનીયાર-સોૈમ્ય જોશી હિંદી રચના રજૂ કરશે. વળી, આ બધા સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે જો બધુ સમુંસુતરું પાર ઊતરશે તો બાબા રામદેવ ચલો ઇન્ડિયાના ધ્વજ હેઠળ સ્થાનિક ધોળા રાજકારણીઓને સંસદગૃહમાં યોગાસન કરાવડાવશે.

હવે ન્યુજર્સીથી ફલાયબેંક થઇને જઇએ અમદાવાદ, જયાં આ મેગા ઇવેન્ટનો કન્ટ્રોલ રૂમ અથવા કહો કે એક સેક્રેટરિયેટ વિવિધ પ્રવૃતિથી ધમધમી રહયું છે. આયના સંસ્થાના ભારતીય સુકાની પ્રફુલ્લ નાયક કહે છે, 'ચલો ગુજરાતે પોતાની ક્ષિતિજ વિસ્તારવાનું નક્કી કયું એ ક્ષણથી જ શરૂ થઇ ભારતનાં વિવિધ રાજયને સહભાગી કરવાની કવાયત. મહિનાઓની મહેનત બાદ આજે તામિલનાડુ-આસામ-મધ્યપ્રદેશ-આંધ્ર પ્રદેશ-ઉત્તરપ્રદેશ-ગોવા-ગુજરાત વગેરે જેવા રાજયો ચલો ઇન્ડિયા સાથે જોડાયાં છે. આ તમામ રાજયોનાં પેવેલિયન્સ મહોત્સ સ્થળે હશે અને આ તમામ રાજયો પોતપોતાનાં ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સનો પ્રચાર તો કરશે જ સાથે સાથે અમેરિકન ઇન્વેસ્ટર્સને પણ આકર્ષશે, જેમ કે તામિલનાડુ આજે ઓટોમોબાઇલનું કેન્દ્ર બની ગયું છે તો આસામ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં હરણફાળ ભરી રહયું છે. એકસાથે આટલા મોટા વિદેશી જનસમુહ આગળ પોતાનાં રાજયની આગવી ઓળખ આપવાની એમના માટે આ સોનેરી તક હશે.'

જો કે આ બધુ સાંભળવામાં જેટલું મજાનું લાગે છે એટલું જ કપરું ને અટપટું છે એનું એકિઝકયુશન અથવા અમલીકરણ જાણીને નવાઇ લાગે કે અમદાવાદમાં પ્રફુલ્લભાઇ અને એમની આશરે સોએક જેટલા સીએ, પાઇલટને એન્જિનિયર્સ જેવા પ્રોફેશનલ્સની ટીમ દિવસ-રાત જોયા વગર ખડે પગે કામ કરી રહી છે. વિવિધ પ્રોફેશનલ્સની બનેલી આ ટીમમાં આર્ટિસ્ટોને અમેરિકા મોકલવા જરૂરી એવા વિઝા-ટિકિટિંગથી લઇને સોશિયલ મીડિયા, માર્કેટીંગ નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ટનબંધ રો-મટીરિયલ્સમાંથી બનેલી સુશોભનની કળાત્મક ચીજવસ્તુ તથા અન્ય ચીજના મેન્યુફેકચરિંગથી લઇને જંગી કન્ટેનરમાં એને ભરી અમેરિકા રવાના કરવાની વ્યવસ્થા જેવી વિવિધ કામગીરી માટે અલગ ટીમ છે. પ્રફુલ્લ નાયક ઉમેરે છે કે આ તમામ કામગીરી માટે કોઇ ધંધાદારી સેવા લેવામાં આવી નથી. સોૈ પ્રોફેશનલ્સ સ્વેચ્છાઓ આ કાર્યમાં જોડાયા છે.

તો બીજી બાજુ, એવી એક ટીમનું કામ આગામી દિવસોમાં અમેરિકામાં શરૂ થશે ભારતથી અમેરિકા પહોંચેલાં કન્ટેનરની સામગ્રી માંથી ઇવેન્ટના સ્થળે આપણો મલક ભારત ખડો કરવાનું આ માટે એમને મળશે માત્ર ચોવીસ કલાક, કેમકે મહોત્સવ જયાં યોજાશે અને આશરે પચાસ હજાર ભારતપ્રેમીઓ જેની મુલાકાત લેશે એ ન્યુ જર્સીના એડિસન ગામના પ્રખ્યાત એનજે એકસપો સેન્ટરનો કબજો શુભારંભતિથિ (૩૧ ઓગષ્ટ)ના ચોવીસ કલાક પહેલાં જ આયોજકોને મળશે. આ ચોવીસ કલાકમાં વિવિધ રાજયનાં પેવેલિયન્સથી લઇને બીજા નાના-મોટા સ્ટોલ, અન્ય સાજસજાવટ આદિ કાર્ય આટોપાઇ જવાં જોઇએ!

સુનીલ નાયક કહે છે કે અમેરિકામાં આ અગાઉ આ સ્તરનો કમ્યુનિટી ઇવેન્ટ યોજાયો નથી એતો બરાબર, પણ એની સફળતા ત્યારે ગણાય જયારે અત્યારે જે લાગણી ભારત પર છે એના કરતાં એ બમણી-તમણી થાય ને સાથે આ સ્તરનો એક મેગા ઇવેન્ટ જોયાની ગોૈરવની લાગણી થાય

જસ્ટ જાણી લો...

* ન્યુ જર્સીના બે લાખ ચોરસફુટના એનજે એકસપો સેન્ટરમાં ખડું થશે ઇન્ડિયા

* મુખ્ય પ્રવેશદ્વાર પાસ ેવિરાટ ઇન્ડિયા ગેટની પ્રતિકૃતિ

* સત્તાવનથી સુભાષ તથા એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા મલ્ટિમીડિયા શો

* મહાત્મા ગાંધીનાં ૧૫૦ વર્ષનું ખાસ પેવેલિયન

* ઓગમેન્ટેડ રિયાલીટી દ્વારા બાપુને તાદ્દશ કરવામાં આવશે

* ત્રણસોથી વધુ કલાકારો રજુ કરશે ભારતની ભાતીગળ સંસ્કૃતિ-પોશાક-ગીત-સંગીત-નૃત્ય

(10:14 pm IST)