Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

યુ.એસ.ના ન્‍યુજર્સીમાં પ્રેમિકા સાથે મળી પૂર્વ પત્‍નીનું કાસળ કાઢી નાખવાના આરોપસર ઇન્‍ડિયન અમેરિકન નરસન લિંગાલા તથા સંધ્‍યા રેડ્ડીની ધરપકડ

ન્‍યુજર્સીઃ યુ.એસ.ના ન્‍યુજર્સીમાં પૂર્વ પત્‍નીનું કાસળ કાઢી નાખવાના આરોપસર ઇન્‍ડિયન અમેરિકન ૫૪ વર્ષીય નરસન લિંગાલા તથા તેને સાથ આપનાર તેની પ્રેમિકા ૫૧ વર્ષીય સંધ્‍યા રેડ્ડીની ૧૮ ઓગ.૨૦૧૮ના રોજ ધરપકડ થઇ છે.

વુડબ્રિજ ન્‍યુજર્સી મુકામે પ્રેમિકાના સહકાર સાથે કાવતરૂ કરી લિંગાલાએ ભાડુતી હત્‍યારા મારફત પોતાની પૂર્વ પત્‍નીની હત્‍યા કરાવી નાખવાનો આરોપ છે. જે બદલ આ બંનેને પૂર્વયોજીત કાવતરા સાથે હત્‍યા કરવાના આરોપસર બિનજામીન લાયક ગૂનો ગણી કેસનો નિકાલ ન આવે ત્‍યાં સુધી જેલમાં ધકેલી દેવાયા છે.

ઉલ્લેખનીય છે કે ૧૯૯૫ની સાલમાં લિંગાલાના લગ્ન થયા હતા. તેની પત્‍નીનું નામ જાહેર કરાયુ નથી. આ દંપતિને ૨ સંતાનો છે જે પૈકી પુત્ર હાલમાં ૨૧ વર્ષનો તથા પુત્રી ૧૫ વર્ષની થઇ ચૂકી છે. દંપતિ વચ્‍ચે ૨૦૧૨ની સાલથી છૂટાછેડા માટેનો તથા ભરણ પોષણનો કેસ ચાલતો હતો. જેમાં નામદાર કોર્ટએ બંને સંતાનો માટે ભરણપોષણ માટે સપ્તાહ દીઠ ૩૫૮ ડોલર ચૂકવવાનો ૨૦૧૭ની સાલમાં હુકમ કર્યો હતો. પરંતુ આ રકમ હિંગાલાએ તેની આવકના પ્રવાણમાં વધુ પડતા ચૂકવણા સમાન ગણાવતી દાદ માંગી હતી.

દરમિયાન દંપતિ વચ્‍ચેના ખટરાગ અને પ્રેમિકા સાથેના સંબંધે હિંગાલાને કાવતરૂ કરી પૂર્વ પત્‍નીને સ્‍પધામ પહોંચાડી દેવાનો નિર્ણય કર્યો હોવાનું અનુમાન છે.

(8:59 pm IST)