Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

" ઓ ખુદા જ્યાં જાઉં છું , ત્યાં બંધ દ્વારો જોઉં છું " : અમેરિકાના હ્યુસ્ટનમાં ' ઝૂમ 'બેઠકનો પહેલો પ્રયોગ : ગુજરાતી સાહિત્ય સરિતાના ઉપક્રમે 16 મે ના રોજ યોજાયેલ પ્રથમ 'ઝૂમ' બેઠકને અભૂતપૂર્વ આવકાર

હ્યુસ્ટન : ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઈતિહાસમાં ‘ઝૂમ’ બેઠકનો આ પહેલો પ્રયોગ હતો. આમ તો એપ્રિલ મહિનાની બેઠક પણ ‘ઝૂમ’ જ હતી પણ તે એક વિશેષ કારણસર અન્ય દ્વારા સંચાલિત હતી. આ બેઠક સાહિત્યના વિવિધ વિષયોની પ્રસ્તુતિ માટે હતી અને સંસ્થાના જ, ટેકનીકલી નિષ્ણાત સભ્ય શ્રી વિશાલ મોણપરાની દોરવણી હેઠળ ૧૬મી મેના રોજ આયોજિત કરવામાં આવી હતી.

નિર્ધારિત સમયે,સવારે ૧૦ વાગે સૌ  રસિક સભ્યો પોતપોતાના નિવાસમાં, કોમ્પ્યુટર,લેપટોપ,આઈપેડ કે ફોન પર સાનુકૂળ રીતે ગોઠવાઈ ગયા હતા. સમય અને સંજોગો કેટલું બધું શીખવાડતા રહે છે!

પ્રણાલિકા મુજબ પ્રાર્થનાથી ( ભારતીબહેન મજમુદારના સૂરમાં) સભાનો આરંભ થયો. સંસ્થાના પ્રમુખ શ્રીમતી શૈલાબહેન મુન્શાએ સ્વાગતની સાથે સાથે જરૂરી સૂચનાઓ આપી. ગયા મહિને  સદગતિ પામેલા લેખિકા કુંદનિકાબહેન કાપડિયા અને શ્રી ધીરુભાઈ શાહને સંભારી, ગુજરાતી સાહિત્યના મે મહિનામાં જન્મેલ સ્વ.સર્જકોને યાદ કર્યા. આ ઉપરાંત શ્રી દિનેશભાઈ શાહનો આભારપત્ર વાંચી સંભળાવ્યો. તે પછી સ્વરચિત બે રચનાઓ રજૂ કરી. ૧) ઝુરતી આંખો આજે પણ ને, નીતરતા આંસુ આજે પણ! રહેતી જે છબી દિલના ખૂણે, હર પળ તુજને શ્વસુ આજે પણ.. અને ૨) ઉઘાડી આંખે સપના જોવાય કેટલા?

પ્રથમ વક્તા ડો. કમલેશભાઈ લુલ્લાએ માતા અને શિક્ષકની જેમના જીવન ઉપર ઘેરી અસર પડી છે તેવા ડો.અબ્દુલ કલામની આત્મકથા “Wings on fire’ના બે પ્રસંગો રજૂ કર્યા. ત્યારબાદ ડો.ઈન્દુબહેન શાહે ૧૮મી સદીની હાલરડા ગાતી માતા જીજીબાઈથી માંડીને આજની સર્વ રીતે વિકાસ કરી રહેલી આધુનિક નારીના ઉદાહરણો આપી માતાની મહત્તા વર્ણવી. તે ઉપરાંત એક સ્વરચના પણ પ્રસ્તૂત કરીઃ”માતા તારો સ્નેહ અમૂલ્ય,વરસે અમૃત ધાર અવિરત…

શ્રી ફતેહ અલીભાઈએ થોડા ગમતા શેર રજૂ કરી મા “ મા મને કેમ ખબર પડી મોડી” કવિતા રજૂ કરી. તે પછી આ અહેવાલ–લેખ લખનાર દેવિકાબહેન ધ્રુવના વક્તવ્યમાં, શ્રી ઉમાશંકર જોશી, સુંદરમ, મેઘાણી, રમેશ પારેખ,સુ.દ.,મનોજ ખંડેરિયા,બેફામ,આદિલ મનસુરી વગેરેની કાવ્ય–પંક્તિઓની  અસ્ખલિત ધારાની જેમ રજૂઆત થઈ અને પછી એક સ્વરચિત કવિતા પણ સંભળાવી જેના શબ્દો હતા “ આવી આવીને કોઈ કાનમાં પૂછે છે, કોઈના શું એકસરખા દિવસો કંઈ રહે છે?” તે પછી શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રીએ  “સુખોના કરી ગુણાકાર, દુઃખોની કરી બાદબાકી” એવી એક સુંદર મા વિશેની રચના સંભળાવી.

શ્રી મનોજભાઈ મહેતાએ “છણકો’નામે એક હઝલ રજૂ કરી સૌના મુખ પર સ્મિત ફરકાવ્યું. સમય સરતો જતો હતો. પહેલો પ્રયોગ હોવાથી વચ્ચે વચ્ચે સૂચનાઓ મળતી જતી હતી અને પોતપોતાના આવાસમાંથી આરામથી  બેસી રજૂઆત કરનારાઓની સંખ્યા અને ઉત્સાહ પણ વધારે હતો. દર વખતની જેમ જ ચાળીસેક સભ્યો સાંભળી રહ્યા હતા અને સૌ એકમેકને જોઈ શક્તા હતા. હા, કેટલાંક પોતાના વીડિયો બંધ રાખીને પણ સાંભળતા હતા. આ એક જુદો રંગ હતો. ફરીથી એ જ વિચાર…જીંદગી કેટલું અવનવું બતાવે છે?!! શીખવાડે છે?

શ્રીમતી ભારતી બહેન મજમુદારે શ્રી ઈશ્વર પેટલીકરની વાર્તા ‘લોહીની સગાઈ’ ખૂબ જ ભાવથી કહી. એક મૂંગી,પાગલ દિકરી અને વલવલતી માની વેદનાની કથની  ખૂબ જ અસરકારક રીતે રજૂ કરી. તેમની સરસ અભિવ્યક્તિ સૌને સ્પર્શી ગઈ. તે પછી શ્રી ભાવનાબહેન દેસાઈએ ગુજરાતની સ્થાપના અંગે, મે મહિનાને અનુરૂપ માહિતી આપી. ત્રણ ગુજરાતી કવિઓની કેટલીક પંક્તિઓને મધુર અવાજમાં ગાઈ સંભળાવી. શ્રી નર્મદની ‘જય જય ગરવી ગુજરાત, શ્રી ઉ.જોશીની ‘સદા સૌમ્ય–શી વૈભવે ઉભરાતી, મને માતૃભાષા મળી ગુજરાતી’ અને શ્રી ભાગ્યેશ જહાની ‘ગુર્જર–જન અભિનંદન’ સાંભળવાની મઝા આવી.

શ્રી મનસુખભાઈ વાઘેલાએ, બેફામની એક ગઝલ કે જે ભારતથી શ્રી સતીશભાઈ પરીખે મોકલાવેલ, તે વાંચી સંભળાવી જેનો એક શેર આજની ‘કોરોના’ની કપરી સ્થિતિને સંબંધિત લાગી કે “ઓ ખુદા જ્યાં જાઉં છું ત્યાં બંધ દ્વારો જોઉં છું. આ જગતમાં કોઈ ઘર ન હોત તો સારું હતું.”. શ્રીમતી રક્ષાબહેન પટેલે શ્રી બોટાદકરની અતિ જાણીતી કવિતા ‘જનનીની જોડ સખી નહિ મળે રે લોલ” ગાઈ સંભળાવી. તો શ્રી પ્રકાશભાઈ મજમુદારે કવિ શ્રી તુષાર શુકલની રચના ‘’મને યાદ આવતી તારી ગમતી વાતો” ગાઈને રજૂ કરી.

વિષયનો વળાંક આપતા શ્રીમતી નયનાબહેન શાહે સુ.દ.ની મૈત્રી વિષયક કવિતા પ્રસ્તૂત કરી કે, ‘તુ વૃક્ષનો છાંયો છે,નદીનું જળ છે,તું ઉઘડતા આકાશનો ઉજાસ છે”. ફરી પાછા બાકીના બધા વક્તાઓએ માતા વિશેની વાતો કરી આજના વિષયને ન્યાય આપ્યો. શ્રી નિખિલભાઈએ પોતાના દાદી,નાની અને માતા વિષેના સંસ્મરણો યાદ કર્યાં, શ્રી પ્રફુલભાઈ ગાંધીએ સર્વ માતાઓને સમર્પિત હિન્દી અને ગુજરાતીની પંક્તિઓ રજૂ કરી. શ્રીમતી ચારુબહેન વ્યાસે  હોસ્પીટલમાં  મરણપથારીએ પડેલા જુવાનજોધ દીકરાને  કાયમ માટે મુક્ત કરવા કહેતી નર્સના શબ્દો  “એના સુખ માટે બીજો કોઈ ઉપાય નથી, કાગળ પર સહી કરી આપો’ ખૂબ હ્રદય દ્રવી જતી  માતાની સાવ અલગ વાર્તા પ્રસ્તુત કરી.

સભાના અંતિમ દોરમાં શ્રી નિતીનભાઇ વ્યાસે , લેખક શ્રી ધ્રુવ ભટ્ટના પુસ્તકોની જાણકારી આપી. શ્રી મનોજભાઈ મહેતાએ બીજી એક કવિતા રજૂ કરી અને શ્રીમતી રક્ષાબહેન દેસાઈએ પણ માતા વિષયક  કૃતિ સંભળાવી. મહેમાન મુલાકાતી  અને જાણીતા લેખિકા શ્રીમતી રાજુલબહેન કૌશિકના આગમનની નોંધ લઈ, પ્રતિભાવરૂપે બે શબ્દો માટે આમંત્રણ આપતા, તેમણે આજના કાર્યક્રમને બિરદાવી ફરી મળવાની તૈયારી ઉત્સાહપૂર્વક વ્યક્ત કરી.

પ્રમુખ શ્રીમતી શૈલાબેન મુન્શાએ સૌનો આભાર માન્યો.  આજની બેઠકમાં મુખ્યત્વે ગુજરાત, માતૃપ્રેમ, સ્વરચના  અને સ્વ પસંદગીની  કૃતિઓ રજૂ થઈ. તાળીઓ અને વાહ…વાહ..નો અભાવ ‘ચેટમાં આવતા જતા પ્રતિભાવોથી પૂરાયો. ધીરે ધીરે દેશ અને વિદેશમાં ચાલુ થયેલ આ પ્રકારની બેઠકો, સંવેદનાઓને કેટકેટલા નવા રૂપોમાં ઢાળશે એ તો સમય જ કહી શકશે પણ એક વાત તો નક્કી છે કે માનવી કોઈને કોઈ રીતે રસ્તા શોધી, પોતાને ગમતું માણી લેશે. ઝૂમનો આ પ્રથમ પ્રયોગ એકંદરે સફળ રહ્યો.તેવું સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવના અહેવાલ લેખ દ્વારા જાણવા મળે છે.

(1:24 pm IST)