Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

યુએઇમાં ૧૨ વર્ષીય ભારતીય કિશોરે એક મિનિટમાં મોટા ભાગના એરોપ્લેન ટેઇલ્સને ઓળખીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

દુબઇ,તા. ૨૫: યુએઇમાં ૧૨ વર્ષીય ભારતીય કિશોરે એક મિનિટમાં મોટા ભાગના એરોપ્લેન ટેઇલ્સને ઓળખીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું.

અબુધાબીની હોમસ્કૂલમાં ભણતા સિદ્ઘાંત ગુંબરે ૬૦ સેકધડમાં ૩૯ એરોપ્લેન ટેઇલ્સની ઓળખ કરી હતી. આ સિવાય ટોચની ૧૦૦ સૌથી ઊંચી ઇમારતની ઓળખ કરનાર સિદ્ઘાંત સૌથી નાનો ભારતીય બન્યો છે.

હરિયાણાના સિદ્ઘાંતની અગાઉ 'ઈન્ડિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'દ્વારા નોંધ લેવાઇ હતી. તેણે ગયા મહિને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યો હતો, એમ ગલ્ફ ન્યૂઝના અહેવાલમાં જણાવાયું હતું.

વિશ્વની ૧૦૦ સૌથી ઊંચી ઇમારતોને તેની ઊંચાઇ તથા સ્થળ સાથે ઓળખી કાઢવા માટે સૌથી નાના ભારતીય તરીકે 'ઈન્ડિયા બુક'માં તેનું નામ નોંધવામાં આવ્યું હતું. 'મને બાળપણથી જ વસ્તુઓ યાદ રાખવાનો શોખ છે. મારા પિતા અને હું રોકેટ, વિમાન, ઇમારતો અને વાહનોના મોડલ બનાવવામાં વધુ સમય પસાર કરીએ છીએ. હું સૌથી વધુ એરોપ્લેન ટેઇલ્સ ઓળખી કાઢવામાં સફળ થયો છું જે માટે મારી માતાએ મને મદદ કરી હતી', એમ સિદ્ઘાંતે જણાવ્યું હતું.

સિદ્ઘાંતની માતાએ જણાવ્યું હતું કે તેના પુત્રને ચિહ્રનો, સિમ્બોલ્સ અને લોગોમાં બહુ રસ છે. એક વાર તે કોઇ વસ્તુ જોઇ લે તો કયારેય ભૂલતો નથી. તેને કોઇ પણ વસ્તુની વિસ્તૃત માહિતી મેળવવામાં રસ છે જેમ કે વિમાનો, દેશોના ધ્વજ વગેરે.

સિદ્ઘાંતે એક એરોપ્લેન ટેઇલ ઓળખવામાં ૧.૫ સેકન્ડનો સમય લીધો હતો.

(10:12 am IST)