Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

શિકાગો નજીક નેપરવીલ ટાઉનમાં પટેલ બ્રધર્સનો વિશાળ સગવડતા ધરાવતા ગ્રોસરી સ્‍ટોરનું થયેલું ઉદ્‌ઘાટનઃ નેપરવીલ ટાઉનના મેયર સ્‍ટીવ ચિરિકોએ રીબીન કાપીને ઉદ્‌ઘાટન કર્યું: ચાર દિવસ માટે યોજવામાં આવેલ ગ્રોસરીના સેલમાં બે મીલીયન ડોલર જેટલી થયેલી જંગી આવક

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો): શિકાગો નજીક પヘમિના પરા વિસ્‍તાર નેપરવીલ ટાઉનમાં ગયા અઠવાડીયે મેસર્સ પટેલ બ્રધર્સના સંચાલકોએ એક વિશાળ ફેસીલીટી ધરાવતા ગ્રોસરી સ્‍ટોરનું ઉદ્‌ઘાટન કર્યુ હતું અને તે પ્રસંગે નેપરવીલ ટાઉનના મેયર સ્‍ટીવ ચિરિકો તેમજ નેપરવીલ ડેવલપમેન્‍ટ પાર્ટનરશીપના પ્રમુખ તથા સીઇઓ ક્રિસ્‍ટીન જેફરી તથા ભારતીય સમાજના અગ્રણીઓએ મોટી સંખ્‍યામાં હાજરી આપી હતી.

આ પ્રસંગે પટેલ બ્રધર્સના સ્‍થાપક અને પરિવારના અગ્રણી સભ્‍ય મફતભાઇ પટેલે સૌ હાજર રહેલા મહેમાનો તથા શૂભેચ્‍છકોને આવકાર આપ્‍યો હતો અને ઇલીનોઇ રાજ્‍યના નેપરવીલ ટાઉનમાં આ વિશાળ સગવડતા ધરાવતા ચોથા ગ્રસરી સ્‍ટોરને જનતાના ચરણોમાં મુકતા આનંદ અને ઉલ્લાસની લાગણી વ્‍યક્‍ત કરી હતી અને તેની સાથે સાથે ભારતીય સમાજના તથા અન્‍ય લોકોએ અમારા સ્‍ટોરોને આજ દિન સુધી જે સહકાર આપેલ છે તે બદલ સૌનો તેમણે આભાર માન્‍યો હતો. આ પ્રસંગે ગ્રોસરી સ્‍ટોરના ઓપનીંગમાં રીબીન કટીંગ સેરેમની પણ રાખવામાં આવી હતી અને તેમાં મેયર તેમજ મફતભાઇ પટેલ અને અન્‍યજનોએ ભાગ લીધો હતો.

પિસ્‍તાલીસ હજાર સ્‍કવેર ફુટ જેટલી વિશાળ જગ્‍યા ધરાવતા ગ્રોસરી સ્‍ટોરની ઉદ્‌ઘાટન વિધિ કર્યા બાદ મેયર ચિરિકોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે પટેલ બ્રધર્સના અગ્રણી અને સ્‍થાપક મફતભાઇ પટેલ અને તેમના પરિવારના સભ્‍યોએ નેપરવીલ ટાઉનમાં વિશાળ સગવડતાભર્યા ગ્રોસરી શરૂઆત કરી તે માટે અમો સૌ આનંદની લાગણી અનુભવીએ છીએ અને તેમના સાહસને અમો આવકાર આપીએ છીએ. આ સ્‍ટોર શરૂ કર્યો તે પહેલા આટલી મોટી જગ્‍યા લાંબા સમયથી ખાલી પડેલ હતી તે અંગે અમો શંકા સેવી રહ્યા હતાં પરંતુ હવે વિશાળ સ્‍ટોરની શરૂઆત થતા અતરે વસવાટ કરતા તમામ લોકો આ નવીન જગ્‍યાનો લાભ લેશે એમાં શંકાને સ્‍થાન નથી. આ જગ્‍યાએ અનેક સ્‍ટોરો પણ શરૂ થનાર છે અને તેથી આ સ્‍થળ એક પ્‍લાઝા તરીકે ઓળખાશે. આ સ્‍ટોર શરૂ થતા અમારા ટાઉનની ઇકોનોમીમાં પણ તે સહાયરૂપ થશે અને તેથી અમો આ સાહસકારોને મુક્‍ત મને આવકારીએ છીએ એવું તેમણે અંતમાં જણાવ્‍યું હતું.

નેપરવીલ ડેવલપમેન્‍ટ પાર્ટનરશીપના પ્રેસીડન્‍ટ તથા સીઇઓ ક્રીસ્‍ટીન જેફ્રીએ નેપરવીલ ટાઉનમાં આ સ્‍ટોર શરૂ થતા આનંદની લાગણી વ્‍યક્‍ત કરી હતી અને પટેલ બ્રધર્સના માલિકોને અભિનંદન આપીને આવકાર આપ્‍યો હતો.

સમગ્ર અમેરિકામાં પટેલ બ્રધર્સના ૫૨ જેટલા જુદા-જુદા શહેરોમાં ગ્રોસરી સ્‍ટોરો આવેલા છે અને તેમાંના ચાર સ્‍ટોરો ઇલીનોઇ રાજ્‍યમાં કાર્યવંત છે.

એપ્રીલ માસમાં પાંચમી તારીખથી આઠમી તારીખ સુધી એમ ચાર દિવસો દરમ્‍યાન ફક્‍ત આ સ્‍ટોરમાં ઓપનીંગ સેલ રાખવામાં આવતા આ દિવસો દરમ્‍યાન માનવ મહેરામણ ઉમટયો હતો અને સ્‍ટોરમાં ઉભા રહેવાની પણ જગ્‍યા મળતી ન હતી. આ ચાર દિવસો દરમ્‍યાન આશરે બે મીલીયન ડોલર જેટલી ગ્રોસરી અને શાકભાજીનું વેચાણ થયું હોવાનું સંચાલકો દ્વારા જાણવા મળેલ છે. આ નવીન સ્‍ટોરની જગ્‍યા રાજા ફૂડે ખરીદ કરેલી છે.

(10:37 am IST)