Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

આગામી નવેમ્‍બર માસમાં યોજાનારી મધ્‍યવર્તી ચુંટણીમાં મતદારોની નજર સમક્ષ હેલ્‍થકેરનો પ્રશ્ન પ્રથમ અને સૌથી આગત્‍યનો છેઃ અને ત્‍યારબાદ ઇકોનોમી અને ઇમીગ્રેશનનો પ્રશ્ન આવે છેઃ હાઉસના સ્‍પીકર પોલ રાયને અચાનક મધ્‍યવર્તી ચુંટણી ન લડવાની કરેલી જાહેરાતથી રીપબ્‍લીકન પાર્ટીમાં આંતરિક રીતે અનેક પ્રકારના વમળો બહાર આવી રહ્યા છેઃ સ્‍પીકર અધવચ્‍ચે પોતાની નાવનો ત્‍યાગ કરતાં સૌને આશ્‍ચર્ય

(કપિલા શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) આગામી નવેમ્‍બર મહિનામાં અમેરિકામાં મધ્‍યવર્તી ચુંટણી યોજાનાર છે અને તેને હજુ છ માસનો સમયગળો છે પરંતુ આ ચુંટણી અંગે મતદારોના વિચારો જાણવા માટે અનેક પ્રકારના પોલ યોજવામાં આવે છે અને તેમાં મતદારોના અભિપ્રાયો તથા તેઓની વિચારશરણીઓ જાણવા મળે છે આ અંગે બે પોલ યોજવામાં આવ્‍યા હતા તેના બહાર પડેલા પરિણામો અનુસાર લગભગ ૪૦ ટકા જેટલા મતદારો હાલમાં હેલ્‍થકેર સીસ્‍ટમના પ્રશ્નને અતિ મહત્‍વનું સ્‍થાન આપે છે અને ત્‍યાર બાઇ ઇકોનોમી તથા ઇમીગ્રેશનનો પ્રશ્ન બીજા ક્રમે આવે છેય

સને ૨૦૧૦ના વર્ષ દરમ્‍યાન એફોર્ડેબલ કેર એકટ અથવા ઓબામાકેર એકટ અસ્‍તિત્‍વમાં આવ્‍યો અને વિમા વિનાના લાખો લોકોને હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સનો લાભ મળ્‍યો પરંતુ રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓને આ હેલ્‍થકેર ઇન્‍સ્‍યોરન્‍સનો અમલ ગમતો ન હતો આથી હાઉસના પ્રતિનિધિઓ તેની સભે જંગે ચઢયા અને ગમે તેમ કરીને પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી હાઉસમાં બહુમતિ મેળવવા સફળ થયા અને ત્‍યારથી તેમણે આ કાયદાને રદ કરવા માટેના શ્રીગણેશ શરૂ કર્યા અને ગયા વર્ષના અગાઉના વર્ષો દરમ્‍યાન હાઉસના રીપબ્‍લીકન પાર્ટીના પ્રતિનિધ્‍ધિઓએ તેને રદ કરવા માટે ૬૦ વખત બીલો પસાર કર્યા હતા પરંતુ તે વખતે પ્રમુખ તરીકે બરાક ઓબામા હોવાથી તેમની મહેનત પર પાણી ફરી વળતુ હતુ પરંતુ ૨૦૧૭ના વર્ષ દરમ્‍યાન અમેરીકાના પ્રમુખ તરીકે પોતાનો હોદ્દોગ્રહણ કર્યા બાદ તેમણે પણ ચુંટણી દરમ્‍યાન પોતાના પ્રચારમાં અમેરીકન પ્રજાને જે વચનો આપ્‍યા હતા તેનો અમલ શરૂ કર્યો.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ૨૦મી જાન્‍યુઆરી ૨૦૧૭ના રોજ વાઇટ હાઉસમાં પ્રવેશ કર્યા બાદ હાઉસ અને સેનેટમાં રીપબ્‍લીકન પાર્ટીને અગાઉના સમયથી બહુમતિ પ્રાપ્ત થયેલ હોવાથી પ્રમુખ ટ્રમ્‍પને પોતાનો જે ચૂંટણી એજન્‍ડા હતો તેના કાર્યો હાથ ધરવા માંડયા અને સૌ પ્રથમ એફોર્ડેબલ કેર એકટ કે જે ઓબામાકેર એકટના નામે ઓળખાય છે તેને નાબુદ કરવા માટે એક વહીવટી હૂકમ બહાર પાડવામાં આવ્‍યો પરંતુ રિપબ્‍લીકન પાર્ટીના સભ્‍યોમાંજ આ બહાર પાડવામાં આવેલ વહીવટી હૂકમ સાખે વિરોધી સુર બહાર આવ્‍યો.

મોટા ભાગના રીપબ્‍લીકન પાર્ટીઓના નેતાઓની એવી રજુઆતો હતી કે આપણો હેલ્‍થકેરનો કાયદો રદ કરવા માંગીએ છીએ તે તેની સામે અવેજીમાં કેવા પ્રકારનો કાયદો લાવવા માંગીએ છીએ તેની પ્રજા સમક્ષ રજુઆત કરવી જોઇએ અને ઘણી લમણાગીકના અંતે કાયદાને રદ કરવાની સાથે સાથે તેની જાણ પ્રજાને કરાશે  એવુ નક્કી કરાતા તે અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હાઉસમાં આ અંગેનું બીલ પસાર કરવામાં આવ્‍યું પરંતુ સેનેટમાં આ બીલ પસાર ન થઇ શકયુ અને તમામ પ્રકારની કાર્યવાહી ખોરંભે પડી.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રના અધીકારીઓએ આ કાયદામાં અનેક પ્રકારના નાના પ્રકારના છીદ્રો પાડીને તેને લુલો કરવાની પ્રક્રિયા હાથ ધરી પરંતુ તેમાં તેઓ ફાવી શકયા ન હતા અને આજે પણ અનેક પ્રકારના ધમપછાડા મારવા છતા આ ઓબામાકેરનો કાયદો અડીખમ ઉભો છે અને પ્રજામાં પણ તે લોકપ્રિય બની રહેવા પામેલ છે હાલમાં સમગ્ર અમેરીકામાં વસવાટ કરતા લોકોમાં આ કાયદો અતિપ્રિય છે અને તેની અસર આવતા નવેમ્‍બરમાં યોજાનારી મધ્‍યવર્તી ચૂંટણીમાં થાયતો નવાઇની વાત નથી.

ઓબામાકેર એકટની સાથે સાથે બીજા નંબરે ઇકોનોમી અને ઇમીગ્રેશનનો પ્રશ્ન મતદારો માટે અતિ મહત્‍વનો છે હાલમાં ઇમીગ્રેશનમાં ડીફર્ડએકસન ફોર ચાઇલ્‍ડહૂડ એરાયલ્‍સ કે જે સમગ્ર અમેરીકામાં ડાકાના પ્રોગ્રામના નામે ઓળખાય છે તે અંગે રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓએ જે પગલા ભરવા જોઇએ તે ભર્યા નથી. આ સમગ્ર પ્રશ્ન અદાલતના અંગણે પડેલો છે અને પ્રમુખ ટ્રમ્‍પના વહીવટી તંત્રના અધીકારીઓએ આ સમગ્ર પ્રશ્ન અંગે ઝડપી હાથ ધરવા રીવીઝન અરજી પણ કરેલ પરંતુ સુપ્રીમ કોર્ટમાં નામદાર ન્‍યાયાધીશોએ નીચલી અદાલતનો ચુકાદો આ સમગ્ર પ્રશ્ન અંગે ન આવે ત્‍યાં સુધી રીવીઝન અરજી અંગે કોઇ પણ પ્રકારની કાર્યવાહી હાથ ન ધરવાનો નિર્ણય જાહેર કરેલ છે આથી આ અંગેની સંપૂર્ણ કાર્યવાહી હાલ તુરંતમાં ધીમી પડેલ છે.

તાજેતરમાં ફલોરીડા રાજયના પાર્કલેન્‍ડ હાઉસમાં આવેલ હાઇસ્‍કુલમાં થયેલ ગોળીબારમાં ૧૭ વ્‍યક્‍તિઓના મોત થતા સમગ્ર અમેરીકામાં ગનના વપરાશ અંગે અનેક પ્રકારના પ્રત્‍યાધાતો પડયા હતા અને શાળાઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી ભાઇ બહેનો શાળાના કલાસનો બહિષ્‍કાર કરીને જાહેરમાં ગન ઉપર અંકુશ મુકવા રેલીઓનું આયોજન કર્યુ હતું અને આવા પ્રકારની રેલીઓ પાટનગર વોશીંગટન ડીસી તથા અમેરીકાના અન્‍ય મોટા મોટા શહેરોમાં પણ યોજવામાં આવી હતી. આવા નવા યુવાન લોહી ધારણ કરનારાઓ જો મધ્‍યવર્તી ચુંટણીમાં મતદાન કરે તો અનેક પ્રકારના અવનવા પરિણામો આવે તો નવાઇની વાત નથી.

સામાન્‍ય રીતે અમેરીકાના પ્રમુખો મધ્‍યવર્તી ચુંટણીના પ્રચારમાં ભાગ લે તો તેની અસર મતદારો પર સારી એવી થાય હજુતો આ ચુંટણીને છ મહીનાનો સમય બાકી છે ત્‍યાં તો હાઉસના સ્‍પીકર પોલ રાયને પોતે ચુંટણી ન લડવાની જાહેરાત કરી છે અને પોતાની પાર્ટીને છોડીને આવતા જાન્‍યુઆરી ૨૦૧૯ના વર્ષમાં નિવૃતિ લેનાર છે અને તેમના આવા અચાનક ગમનથી પાર્ટીની પરિસ્‍થિતિ કેવી હશે. તે કહેવુ અતિ મુશ્‍કેલ છે છ મહિનાના સમયગાળા દરમ્‍યાન અનેક પ્રકારના અવનવા પરિબળો આપણી સમક્ષ આવીને ઉભા રહેશે તો તેનો સામનો કઇ રીતે થઇ શકે તે માટે રાજકીય નેતાઓ પોતાના સોગટાઓ ગોઠવી રહ્યા છે અને તેમાં તેઓ કેટલી સફળતા મેળવશે તે તો આવનારો સમયજ કહેશે.

(10:26 pm IST)