Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

અમેરિકામાં ભારતીય મૂળના પહેલા શિખ પોલીસ અધિકારીની ગોળી મારી નિર્મમ હત્યા

આરોપીને ટ્રાફિક સિગ્નલ પર રોકતા તેણે અધિકારી પર અંધાધૂંધ ગોળીબાર કયો

ટેકસાસ,તા.૨૮: અમેરિકાના ટેકસાસમાં ભારતીય મૂળના પહેલા શિખ પોલીસ અધિકારીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આરોપીએ પોલીસ અધિકારી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં તેમનું મોત નિપજયું છે. સ્થાનીક પોલીસે મૃતક શિખ પોલીસ અધિકારીની ઓળખ સંદીપ સિંહ ધાલીવાલ તરીકે કરી છે.તેઓ છેલ્લા ૧૦ વર્ષથી અમેરિકા પોલીસમાં કાર્યરત હતા. આ ઘટના બાદ આરોપી એક શોપિંગ મોલ તરફ જતો જોવા મળ્યો હતો.

પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શેરિફ ઈડ ગોનઝાલેઝે જણાવ્યું કે પોલીસ હાલમાં સંદીપ ધાલીવાલ પાસે લાગેલા ડેશ કેમરાથી આરોપીને ઓળખવામાં સફળ રહ્યા છે. પોલીસ અધિકારી સંદિપે ટ્રાફિક સિગ્નલ પર આરોપીની કારને અટકાવી હતી અને તેને બહાર આવવા માટે કહ્યું હતું. આ ઘટના ઘટી ત્યારે આરોપી તેની એક મહિલા મિત્ર સાથે કારમાં બેઠો હતો.

પોલીસે ટ્રાફિક સિગ્નલ પર ઓરોપી સંદીપની અટકાયત કરવાથી તેને કારની નીચે ઉતરવું પડ્યું હતું. તેણે નીચે ઉતરીને સંદીપ પર પાછળથી ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કરીને તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોતાની જાતને બચાવવા માટે તે નજીકના એક શોપિંગ મોલમાં ઘુસી ગયો હતો. તેની ધરપકડ કરવા માટે પોલીસે નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સંદીપ ઘણા બધા લોકો માટે એક ઉદાહરણ સમાન હતા. તેમણે હરિકેન બાદ પાયમાલ થઈ ગયેલા વિસ્તારમાં લોકોની મદદ કરવા માટે ઘણું બધું કર્યું હતું. ૨૦૧૫માં સંદીપે અમેરિકામાં શિખ પોલીસ ઓફિસર તરીકે કામ કરવાનો એક રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેઓ હંમેશા પોતાની રહેણી-કરણી પર ગર્વ અનુભવતા હતા. તેમણે શિખ સમાજને એક સાથે લાવવા માટે પણ ઘણું બધું યોગદાન આપ્યું હતું.

(3:38 pm IST)