Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

શિકાગોના જલારામ મંદિરના સંચાલકો દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી પ્રસંગે રાસ અને ગરબાનુ કરેલુ ભવ્ય આયોજન : આવતીકાલ ૨૯મી સપ્ટેમ્બરને શનિવારે બાર્ટલેટ કોમ્યુનીટી સેન્ટરમાં ભવ્ય ગરબા યોજાશેઃ ગુજરાતના કલાકારો સુંદર સંગીતનો કાર્યક્રમ રજુ કરશેઃ જલારામ બાપાના ભકતો તથા શુભેચ્છકોને પધારવા સંચાલકોનું આમંત્રણ

(નિધિ કપિલા શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો): શિકાગો નજીક હોફમેન એસ્ટેટ ટાઉનમાં જલારામ બાપાનું એક સુંદર કલાત્મક મંદિર આવેલ છે અને તેના સંચાલકોએ હરિભકતોની લાગણીને ધ્યાનમાં રાખીને નવરાત્રી મહોત્સવનું આયોજન કરેલ હોવાથી સર્વે હરિભકતોમાં આનંદની લાગણીઓ પ્રસરી જવા પામેલ છે.

આ અંગેની માહિતી આપતા જલારામ મંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટી ચેરમેન ચિરાયુ પરીખ તેમજ ટ્રસ્ટી સભ્ય યોગેશભાઇ ઠકકરે જણાવ્યુ હતુ કે બાર્ટલેટ ટાઉનમાં આવેલ બાર્ટલેટ કોમ્યુનીટી સેન્ટરમાં સપ્ટેમ્બર માસની ૨૯મી તારીખને શનિવારે રાત્રે સાડા સાત વાગે નવરાત્રીની ઉજવણી પ્રસંગે રાસ ગરબાનુ એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને તેમાં પ્રવેશ મેળવવા માટે દરેક વ્યકતીએ પંદર ડોલર આપવાના રહેશે અને સ્થળ પર ટીકીટ લેનાર દરેક વ્યકિતઓએ વીસડોલર પ્રવેશ ફ્રી તરીકે ભરપાઇ કરવાના રહેશે. દસ વર્ષ અને તેનાથી નીચેની વયના બાળકોને આ ગરબા મહોત્સવમાં વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવશે.

નવરાત્રી મહોત્સવ પ્રસંગે રાસ અને ગરબાની રમઝટ જમાવવા માટે ગુજરાતના કલાકારો ભાવિકા પરિહર, મિકેશ સોલંકી, રાહુલ સંગાથીયા અને મંજુલા દેશાપાન્ડે ખાસ શિકાગો પધારનાર છે માટે સર્વે લોકોએ તેનો લાભ લેવા સંચાલક મંડળના સભ્યો દ્વારા વિનંતી કરવામાં આવેલ છે.

(11:10 pm IST)