Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

"ગણપતિ દાદા મોરિયા,અગલે બરસ જલ્દી આના" નારાઓ સાથે યુ.એસ.ના ડલાસ,ટેક્સાસ મુકામે ગણપતિ વિસર્જન : લેઉઆ પાટીદાર સમાજના ઉપક્રમે ભક્તિમય વાતાવરણ સાથે એકતા મંદિરે મૂર્તિનું વિસર્જન કરાયું

ડલાસ :યુ.એસ.માં ડલાસ ટેક્સાસ મુકામે લેઉઆ પાટીદાર સમાજના ઉપક્રમે ભારે ઉમંગપૂર્વક ગણપતિ મહોત્સવ ઉજવાઈ ગયો.બાદમાં ગણપતિ વિસર્જન કરાયું હતું.જેમાં 2000 જેટલા લોકો ગુજરાતના નકશા વાળી ટીશર્ટ સાથે જોડાયા હતા. ડીજે, ગુલાલની છળો તેમજ ગગનભેદી નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

અમેરિકાના ડલાસ ખાતે લેઉવા સમાજના 1000  જેટલા પરિવારો  રહે છે. જેઓ સંગઠીત થઈને તમામ તહેવારો આનંદ ઉત્સાહથી ઉજવતા હોય છે. જેમના દ્વારા  ભારતીય સંસ્કૃતિને અને પરંપરાને જાળવી રાખવા તેમજ આવનારી પેઢીને સંસ્કૃતિથી અવગત કરવા માટે ભારતીય તહેવારોની ભારે ઉત્સાહ, ઉમંગ અને આધ્યાત્મિકતાથી ઉજવણી કરવામાં આવે છે. ગત દિવસોમાં ગણેશ મહોત્સવની સમાજ દ્વારા ભારે ઉત્સાહ ઉમંગ સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી.

દસ  દિવસ દરમિયાન ભક્તિભાવ પૂર્ણ આરાધના કરી હતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરેલ હતું. વિસર્જનના દિવસે શ્રીજીની યાત્રામાં 2000 જેટલા ગુજરાતીઓ જોડાયા હતાં. જે વિસર્જન યાત્રા ડીજે સાથે અને ગુલાલની છોળો તેમજ અગલે બરસ જલ્દી આના,ગણપતિ દાદા મોરિયા સહિતના  ગગનભેદી નારા  સાથે નીકળી હતી. સ્થાપના સ્થળેથી 1 કિમી જેટલા દૂર આવેલા એકતા મંદિરે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:30 pm IST)