Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

યુ.એસ.માં મહાત્મા ગાંધી મેમોરીયલ પ્લાઝા,ઇરવિંગ ટેકસાસ મુકામે ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયોઃ MGMNT ચેરમેન,ભારતના વાઇસ કોન્સ્યુલ જનરલ, સીટી મેયર, કાઉન્સીલ મેમ્બર, સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિઃ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્ધાંજલી આપીઃ વિદેશની ધરતી પર સંગઠિત થઇ રહેવા અપીલ કરી.

ટેકસાસ ઃ યુ.એસ.માં મહાત્મા ગાંધી  મેમોરીયલ પ્લાઝા ઇરવિંગ ટેકસાસ મુકામે ૧પ ઓગ. ર૦૧૮ ના રોજ ભારતનો ૭ર મો સ્વાતંત્ર્ય દિન ઉજવાઇ ગયો જેમાં સાતસો ઉપરાંત ઇન્ડિયન અમેરિકન ભેગા થઇ ગયા હતા. જે પ્રસંગે MGMNT ચેરમેન ડો. પ્રસાદ થોટાકુરાએ ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો.

આ તકે  ભારતની કોન્સ્યુલ  જનરલ ઓફ ઇન્ડિયા  હયુસ્ટન ઓફિસના વાઇસ કોન્સ્યુલ શ્રી અશોક કુમાર, ઇરવિંગ સીટી મેયર રિક સ્ટોફર, સન્નીવલે સીટી મેયર સાજી જર્યોજ, કોપ્પેલ સીટી કાઉન્સીલ મેમ્બર શ્રી બીજુ મેરયુ, તથા ઇરવિંગ સીટી પાર્કસના પૂર્વ ડિરેકટર રે સીર્ડા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

ડો. પ્રસાદએ આ પ્રસંગે ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્ધાંજલી આપી હતી. તથા અન્ય લોકો પ્રત્યેનો તિરસ્કાર, ધર્માંધતા સહિતની બાબતોને તિલાંજલી આપી ધીરજ, સહનશીલતા જેવી બાબતોને અપનાવી  સંગઠિત થવા અપીલ કરી હતી.

MGMNT સેક્રેટરી શ્રી  રાવ કલવાલાએ આઝાદીના ૭૦ વર્ષ પછી ભારતે ખૂબ વિકાસ કર્યો હોવાનું જણાવી વિદેશોમાં વસતા ભારતીયોએ સંગઠિત થવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત ઇરવિંગ સીટી મેયર સ્ટોફર, સન્નીવલે સીટી મેયર જયોર્જ સહિતનાઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. તથા ભારત દેશએ અહિંસા દ્વારા આઝાદી પ્રાપ્ત કરી હોવાનું જણાવ્યું હતુ.

MGMNT કો.ચેર શ્રી કમલ કૌશલએ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પ્રજાજનોને  જોઇ આનંદ વ્યકત કર્યાે હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)