Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

‘‘ગુજરાતનો ટહુકો'': યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ હયુસ્‍ટન તથા કલાકુંજના ઉપક્રમે ઉજવાઇ ગયેલો ‘‘ગુજરાત ડે'': ગરવી ગુજરાત વીડિયો નિદર્શન, ગીત,સંગીત,નૃત્‍ય,નાટક,મોનો એકટીંગ,રાસ-ગરબા, તથા હાસ્‍યપ્રધાન સ્‍ક્રીપ્‍ટ સહિતની ભરમારઃ ૯૦૦ જેટલા ગુજરાતીઓ ખુશખુશાલ

હ્યુસ્‍ટન : ગુજરાતીપણાનો અહેસાસ કરાવતી સર્જનાત્મક સંસ્થાકલાકુંજના સાહિત્યપ્રેમી શ્રી. રસેશ દલાલ અને ગુજરાતી સમાજના નાટ્ય અભિનેતા શ્રી ગિરીશ નાયકે, વર્ષે, ૧૨ મી મે ને શનિવારે સાંજે હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં લગભગ ૯૦૦ જેટલા પ્રેક્ષકો સમક્ષ, ‘ગુજરાતનો ટહુકોનામે એક અતિસુંદર કાર્યક્રમ રજુ કર્યો.

ગીત, સંગીત, નૃત્ય, નાટકથી ઓપતા કાર્યક્રમની શરૂઆત દીપ-પ્રાગટ્ય અને ગરવી ગુજરાત અંગેના એક ઓડીયો-વીડિયો બાદ, સંગીતના એક અદભુત કાર્યક્રમથી. શ્રીમતિ અલ્પાબેન શાહ, શ્રી. દિલીપ નાયક, ડોક્ટર ઓમકાર દવે, જિજ્ઞાબેન દોશી અને ઉદયન શાહે પોતાના ભાવવાહી કંઠે સુંદર ગુજરાતી રચનાઓ પ્રસ્તુત કરી હતી. સંગીતના કાર્યક્રમનું સંચાલન શ્રી. રસેશ દલાલે પોતાની લાક્ષણિક શૈલિમાં કર્યું હતું. ઇલેક્ટ્ર્રક ઓર્ગન અને તબલા પર કાકા-ભત્રીજા એવા શ્રી. દિલીપ નાયક અને ડોક્ટર રિષભ નાયકે સાથ આપ્યો હતો.

હ્યુસ્ટનની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના બ્રાન્ડ એમ્બેસેડર એવા પીઢ નાટ્યકલાકાર શ્રીમતિ ઉમા નગરશેઠ  અને નાટ્યકલાકાર યક્ષાબેન ભટ્ટના દિગ્દર્શન હેઠળ એક હેતુલક્ષી નાટકશુકન-અપશુકનભજવવામાં આવ્યું. જેમાં,શ્રી. અક્ષય શાહ, અલ્પાબેન શાહ, ડોક્ટર રિષભ નાયક, અને શિવાની પટેલ જેવા કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા હતા. અપશુકન અંગેની વહેમી માન્યતાઓ પર ચાબખા મારીને, અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરતા નાટકને પ્રેક્ષકોએ નાટકને ઉમળકાભેર વધાવ્યું હતું.

કાર્યક્રમની બીજી શિરમોર રજુઆત તે ઉમા નગરશેઠે રજુ કરેલ , કસ્તુરબાની મોનો એક્ટીંગ. કસ્તુરબાના જીવનની કેટલીક ઘટનાઓને પોતાના અભિનયથી સ્ટેજ પર એકલપંડે પ્રસ્તુત કરીને , ઉમાબેન છવાઇ ગયા હતા.છેલ્લા દ્રષ્યમાં તો ઘણાં સહ્રદયી પ્રેક્ષકોની આંખો ભીની થઈ ગઈ હતી. સલામ ઉમાબેન !

ગુજરાતની સંસ્કૃતિની વાત હોય એટલે રાસ-ગરબા તો આવે . આરાધના ગ્રુપ, ખુશ્બુ ગ્રુપ, શક્તિ ગ્રુપ, ગુજરાતી સમાજ ગ્રુપ તથા અન્ય નૃત્યસંસ્થાઓની કલાકાર બહેનોએ સુંદર ગરબા રજુ કર્યા હતા. બધી કલાકાર બહેનોનો નામોલ્લેખ કરવો અશક્ય છે. નમિતા-યોગિનાના દિગ્દર્શન હેઠળ રજુ થયેલ સિનિયર બહેનોનો ગરબો અને ખુશ્બુ ગ્રુપના ગરબા તથા નૃત્ય-ઉપાસના દ્વારા રજુ થયેલા ફોક ડાન્સે સારૂ એવું આકર્ષણ જમાવ્યું હતું. યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનના તરવરિયા યુવાન-યુવતિઓએ ઇલેક્ટ્રીફાઈડ રાસ-ગરબાએ સારો રંગ જમાવી દીધો હતો

હ્યુસ્ટનના નાટ્યાચાર્ય અને કલાકુંજ તથા હ્યુસ્ટન નાટ્યકલા વૃંદ જેવી સંસ્થાઓના ભીષ્મ પિતામહ તરીકે આદરણિય સ્થાન ધરાવતા શ્રી. મુકુંદ ગાંધી સાહેબે હવે પછી કલાકુંજ દ્વારા હિન્દી ભાષામાં રજુ થનાર ઐતિહાસિક પ્રેમકથાઓના કાર્યક્રમપ્રેમ રતન ધન પાયોઅંગે માહિતી આપી હતી.

ગુજરાતી સમાજના પ્રેસિડેન્ટ શ્રી. ગિરીશ નાયકે, ગુજરાતી ગબ્બરસીંગની એક હાસ્યપ્રધાન સ્કીટ રજુ કરી હતી. અલબત્ત, ગબ્બરસીંગનું પાત્ર ગિરીશભાઈએ ભજવેલું. શ્રી. વિનય વોરાસાંભા’, શ્રી. નવીન બેન્કરકાલિયાના રોલમાં અને અન્ય સાથીદારો તરીકે શ્રી. અક્ષય શાહ અને શૈલેશ દેસાઈ હતા.

વખતના સોવેનિયરની વાત કર્યા વગર અહેવાલ અધુરો ગણાય. સામન્ય રીતે આવા કાર્યક્રમો વખતે વહેંચવામાં આવતા સોવેનિયરોમાં, કલાકારોના ફોટા અને જાહેરખબરોનું પ્રાધાન્ય હોય છે. પણના, સોવેનિયરને  શ્રી. રસેશ દલાલ અને દેવિકાબેન ધ્રુવ જેવા સાહિત્ય અને કલાના પ્રેમીઓનો સ્પર્શ મળ્યો હતો એટલે એમાં, ગુજરાતના દિવંગત નેતાઓની વાતો હતી. નરેન્દ્ર મોદી માત્ર વડાપ્રધાન નથી પણ સારા સાહિત્ય્કાર અને કવિ પણ છે એટલે એમની તસ્વીર પ્રથમ પાને મુકાઇ હતીગુજરાતી સાહિત્ય પરિષદના વરાયેલા પ્રેસિડેન્ટ અને કવિ, લેખક, વિચારક, નાટ્યલેખક તથા શિક્ષણશાસ્ત્રી એવા શ્રી. સિતાંશુ યશચંદ્રનો ફોટા સાથે પરિચય અને તેમની બે કવિતાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. બીજા એક જાણિતા નાટ્યકલાકાર, નાટ્યલેખક  અને દિગ્દર્શક શ્રી. વિહંગ મહેતા અને તેમના નાટકો અંગેનો અભ્યાસુલેખ, પત્રકાર, ચિંતક અને કોલમીસ્ટ શ્રી. કૃષ્ણકાંત ઉનડકટ , તેજાબી લેખક શ્રી. ચંદ્રકાંત બક્ષી અને કવિશ્રી. અનિલ ચાવડા તથા હ્યુસ્ટનની તેજસ્વી લેખિકા,  કવયિત્રી અને કલમના કસબી એવા દેવિકા રાહુલ ધ્રુવનો પણ ફોટા સાથે પરિચય, શ્રી. રસેશ દલાલ દ્વારા રજુ કરાયો છે. હ્યુસ્ટનની સાહિત્ય સરિતાની પ્રવૃત્તિઓ અંગેનો લેખ પણ દેવિકાબેનની કલમે લખાયેલો છે. સોવેનિયરને પાને પાને દેવિકાબેનની કલમના ચમકારા દેખાઈ આવે છે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ( માસ્ટર ઓફ સેરિમની ) ખુબસુરત ઉદઘોષક એવા ઇનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.મંચ-વ્યવસ્થા શ્રી. ફતેહ અલી ચતુર અને વિનય વોરા દ્વારા કરવામાં આવી હતી. પ્રકાશ આયોજન શ્રી. અનિલ સિહરે કુશળતાપુર્વક સંભાળ્યું હતું.

ગુજરાતી કોમ્યુનિટીના મોવડીઓ શ્રી. મુકુંદ ગાંધી સાહેબ, શ્રી. ગિરીશ નાયક કલાકુંજના શ્રી. રસેશ દલાલ અને વિનય વોરા સાહેબ, યોગિનાબેન પટેલ અને નામી-અનામી ઘણાં કાર્યકર્તાઓએ બબ્બે મહિનાના અથાગ પરિશ્રમથી કાર્યક્રમને સંપન્ન કર્યો હતો.

અહેવાલમાં જે કોઇ નામોલ્લેખ રહી ગયા હોય તો મારી ક્ષતિ છે. એમ સમજીને દરગુજર કરશો.

નવીન બેન્કર ( લખ્યા તારીખ- ૨૩ મે ૨૦૧૮ ) તેવું નવીન બેન્‍કરની યાદી જણાવે છે

(1:00 am IST)