Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

‘ઊંચા સદા રહે તિરંગા હમારા’ : યુનો ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ શ્રી સૈયદ અકબરુદ્દીને ટ્વિટર પર ‘ઊંચા સદા રહે તિરંગા હમારા’ લખી પ્રજાસત્તાક દિનને વધાવ્યો : અમેરિકાના વિવિધ શહેરોમાં ભારતના પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી : ધ્વજ વંદન ,દેશભક્તિ સભર ગીતો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર સાથે 71 મો પ્રજાસત્તાક દિન ઉજવાયો

વોશિંગટન : અમેરિકામાં 26 જાન્યુઆરીના રોજ  જુદા જુદા શહેરોમાં ભારે ઉમંગપૂર્વક ભારતનો 71 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો હતો.

સ્થાનિક ભારતીયોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને, રાષ્ટ્રગીત ગાઇને અને દેશભક્તિના ગીતો ગાઇને રવિવારે ઉત્સાહભેર ભારતના ૭૧મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી.

વૉશિંગ્ટન ડિસીમાં ભારતીય દૂતાવાસ સામે સેંકડો ભારતીય ધ્વજવંદન કરવા માટે ભેગાં થયાં હતાં. નાયબ ભારતીય રાજદૂત અમિતકુમારે પરંપરાગત રીતે ધ્વજ ફરકાવ્યો હતો.

ધ્વજ ફરકાવ્યા અગાઉ કુમારે ત્યાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા અને રિચમંડ ખાતેની ગંધર્વ સ્કૂલ ઑફ મ્યુઝીકના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા. એમણે ત્યાં હાજર ભારતીય સમુદાય સમક્ષ ભાષણ કર્યું હતું અને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગે ભારતના નાગરિકોને આપેલા સંદેશ વાંચી સંભળાવ્યો હતો.

આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતીય અમેરિકનો અને દૂતાવાસના કર્મચારીઓના કુટુંબીઓ દ્વારા રજૂ કરાયેલા કાર્યક્રમે ત્યાં હાજર સૌના મન જીત્યા હતા.

ન્યૂ યોર્ક, સાન ફ્રાન્સિસ્કો, ચિકાગો, હ્યુસ્ટન અને અટલાન્ટા સહિત અન્ય રાજ્યોના દૂતાવાસ સમક્ષ પણ આ રીતે સેંકડો ભારતીય અમેરિકનોએ એકઠાં થઇને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.

ભારતીય અમેરિકનોએ ભેગા થઇને જ્યાં ભારતના વિદ્યાર્થીઓની સંસ્થાઓ છે, એવી યુનિવર્સિટીઓમાં અને ભારતીય સમુદાયના વધુ હાજરીવાળા શહેરો કે કસ્બાઓમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરી હતી.

ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના કાયમી મિશનમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવતા પોતાના ફોટા સાથે ભારતના યુનોના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ટ્વિટર પર ‘ઊંચા સદા રહે તિરંગા હમારા’ લખ્યું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:46 am IST)