Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ ટેમ્પા ફલોરિડાના ઉપક્રમે સન્માન સમારોહ યોજાયોઃ ઇન્ડિયા ફેસ્ટીવલમાં સેવાઓ આપનાર સ્વયંસેવકોનું અભિવાદન કરાયું

ભાવિક મોદી દ્વારા, ટેમ્પા-ફલોરીડાઃ હાલમાં ૧૬-૧૧-૨૦૧૯ના રોજ ગુજરાતી સમાજ ઓફ ટેમ્પા, ફલોરીડા દ્વારા ઇન્ડિયન કલ્ચરલ સેંટર ખાતે સન્માન સમારોહ યોજાઇ ગયો જેમાં વર્ષ દરમ્યાન સંસ્થાના વિવિધ કાર્યક્રમો તથા ચાલુ માસની ૨ તારીખે યોજાયેલ ઇન્ડિયા ફેસ્ટિવલ જેમાં આશરે ૧૫૦૦૦ લોકોએ ભાગ લીધો હતો તેમાં આપેલ સેવા બદલ સૌ સ્વયંસેવકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રીઅરવિંદભાઇ પટેલ તથા અન્ય મહાનુભાવોએ પ્રાસંગિક સંબોધન કર્યુ હતું. પ્રમુખશ્રીએ સૌ સ્વયંસેવકોનો આભાર માન્યો હતો અને ટ્રોફી આપી સન્માન કર્યુ હતું તથા આગળના વર્ષોમાં પણ સંસ્થાને સૌનો સહકાર મળી રહેશે તેવી આશા વ્યકત કરી હતી. આ તકે પ્રમુખશ્રીએ કમિટી મેમ્બર્સનો આભાર માન્યો હતો અને સંસ્થાના હવે પછીના પ્રમુખ શ્રીકેવલભાઇ બ્રહ્મભટ્ટને આવનાર વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

અંતમાં ખાસિયત રેસ્ટોરન્ટ ઓર્લેન્ડો દ્વારા તૈયાર કરેલ સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણી સૌ છુટા પડયા હતા. સંસ્થાનો હવે પછીનો કાર્યક્રમ પતંગોત્સવ ૦૧-૧૨-૨૦૨૦ના રોજ ફલોરીડા સ્ટેટ ફેરગ્રાઉન્ડ ખાતે યોજાશે.

(9:54 pm IST)