Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

આઝાદી અને લોકતંત્ર પસંદ કરનારી દુનિયા માટે ચીન મોટા જોખમ સમાન : આપણે આપણા સહયોગીઓ સાથે મળીને ચીનનો સામનો કરીશું : અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓ

વોશિંગટન : અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ ફરી એક વખત ચીન ઉપર પ્રહાર કરતા જણાવ્યું છે કે આઝાદી અને લોકતંત્ર પસંદ કરનારી દુનિયા માટે ચીન મોટા જોખમ સમાન છે. ઘણા વર્ષ પહેલા આપણા નેતાઓને સમજાઈ ગયું હતું કે ચીન કેટલું મોટુ જોખમ છે

નિક્સન લાઈબ્રેરીમાં ભાષણ આપતી વખતે પોમ્પિયોએ કહ્યું કે, ચીન વિરુદ્ધ અમે અમારા સહયોગી દેશો સાથે મળીને લડવાના રસ્તા ખોળી રહ્યા છીએ. આ અમારા માટે સૌથી મોટો પડકાર અને મિશન છે. ચીન લોકોની ખુશી અને આઝાદી માટે જોખમકારક છે. 1970ની આસપાસ જ આપણા નેતાઓને ખબર પડી ગઈ હતી કે કોમ્યુનિસ્ટ શાસન ક્યાં જઈ રહ્યું છે.ચીનને પરિવર્તન લાવવા માટે મજબૂર કરવું પડશે  જો આવું નહીં થાય તો પછી ચીન દુનિયાને બદલી નાંખશે. થોડા દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોમ્યુનિસ્ટ શાસન વાળા ચીનને દુનિયા માટે જોખમ ગણાવી ચુક્યા છે. બન્ને દેશ એક નવા કોલ્ડ વોર તરફ આગળ વધી રહ્યા છે.

પોમ્પિયોએ કહ્યું કે, ચીનમાં માનવાધિકારો માટે કોઈ સ્થાન નથી. તે વેપાર વધારવા અને નફો કમાવવા માટે દરેક પ્રકારના કીમિયા અપનાવી રહ્યું છે. હવે તેના આ કાવતરા અમેરિકા માટે પણ ઘડી રહ્યું છે. પણ કદાચ ચીનને અમેરિકાની શક્તિનો અંદાજ નથી. ચીને તેની સૈન્ય શક્તિ વધારી છે અને તેને વધારવામાં લાગી ગયું છે. પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન ઘણી વખત કહેતા હતા કે, વિશ્વાસ જરૂર કરો, પણ પહેલા તેની તપાસ પણ કરો.

ઉલ્લેખનીય છે કે પોમ્પિયોએ થોડા દિવસ પહેલા લંડનમાં જે કહ્યું હતું તેને ભાષણમાં ફરી કહ્યું. પોમ્પિયોએ કહ્યું કે, એક જેવી વિચારધારા અને લોકતંત્ર સમર્થક દેશોએ સાથે આવવાની જરૂર છે. કારણ કે જો આપણે આજે કોમ્યુનિસ્ટ શાસન વાળા ચીનને ન બદલ્યું તો એ આપણને બદલી નાંખશે. અને આ જ હાલના સમયની સૌથી મોટી જરૂરીયાત અને માંગ છે. પોમ્પિયોએ કહ્યું કે, નાટોના ઘણા દેશ ચીન વિરુદ્ધ ઊભા રહેતા ખચકાઈ રહ્યા છે.

(12:02 pm IST)