Gujarati News

Gujarati News

News of Saturday, 13th May 2023

કેનેડામાં અભ્‍યાસ કરતો ભાવનગર પંથકના સીદસર ગામના આયુષ રમેશભાઇનું ટોરેન્‍ટોમાં મોત નિપજતા પરિવારમાં શોક

એપ્રિલમાં અમદાવાદના એક વિદ્યાર્થીનું કેનેડામાં મોત નિપજ્‍યુ હતુ

ભાવનગરઃ છેલ્લા કેટલાત સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજે વધુ એક ગુજરાતી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સતત વધી રહેલા મોતના સિલસિલાથી કહી શકાય કે વિદેશની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી રહી. કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૂળ ભાવનગરના સિદસર ગામનાં એક પટેલ પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી છે. સીદસર ગામનો આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવાન કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. ત્યારે પુત્રના નિધનના સમાચાર મળતા પરિવારમાં ગમગીની છવાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના DySPના પુત્રની કેનેડા માથી લાશ મળી આવી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીની સિક્યોરિટીમાં રહી ચૂકેલા પોલીસ અધિકારીના દીકરાનું ટોરોન્ટોમાં ગુમ થવા બાદ મોત નિપજ્યુ છે. DySP રમેશભાઈ ડાંખરાનો પુત્ર સાત દિવસ પહેલાં કેનેડાના ટોરન્ટોથી ગુમ થયો હતો. કેનેડાની ફેમસ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આયુષ ડાંખરા સાત દિવસ પહેલા ગુમ થયો હતો અને ત્યાર બાદ તેની લાશ મળી આવી છે. કેનેડામાં વસતા ગુજરાતીઓમાં આ બનાવને લઈને ભયનું વાતાવરણ ઊભું થયું છે.

આયુષ ડાંખરા મૂળ ભાવનગર પાસેના સિદસર ગામના વતની રમેશભાઈ ડાંખરાનો પુત્ર છે. રમેશભાઈ ડાંખરા હાલ પાલનપુર ખાતે DYSP તરીકે ફરજ બજાવે છે. આયુષ ડાંખરા ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે સાડાચાર વર્ષ પહેલાં કેનેડા ગયો હતો. આયુષ ગત તારીખ 5 મેના રોજ ગુમ થઈ ગયો હતો. આ અંગે મિત્રોએ પરિવારને આયુષ ગુમ થયો હોવાની જાણ કરી હતી. તેમ જ તેના મિત્રો એ આયુષ ગુમ થવાની ત્યાંની પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

એક જ યુનિવર્સિટીમાં બીજુ ગુજરાતી યુવકનું મોત

ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં પણ આ જ યોર્ક યુનિવર્સિટીમાં ભણતા ગુજરાત યુવકનો મૃતદેહ મળ્યો હતો. કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલો મૂળ અમદાવાદનો ગુજરાતી યુવક હર્ષ પટેલ ગુમ થયો ગયો હતો. આ બાદ ગુમ થયો હોવાની ટોરેન્ટો પોલીસને ફરિયાદ કરતા તપાસ દરમિયાન હર્ષ પટેલનો મૃતદેહ 19 એપ્રિલના રોજ મળી આવ્યો હતો. મૂળ અમદાવાદનો 26 વર્ષીય હર્ષ પટેલ છેલ્લા બે દિવસથી ગુમ થયો હતો અને લાંબી શોધખોળ બાદ ટોરેન્ટોમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે હર્ષન પટેલના મોતનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. હર્ષનો પાસપોર્ટ, ક્રેડીટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ ગુમ હતા. આ ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો શું યોર્ક યુનિવર્સિટીમાં ગુમ થતા ગુજરાતી યુવકોનુ શું રહસ્ય છે.

(4:53 pm IST)