Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

ઇસ્ટ આફ્રિકાના સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૬૭ મો પ્રતિષ્ઠોત્સવ ઉલ્લાસભેર ઊજવાયો

કેન્યા રાષ્ટ્રની રાજધાની નાઈરોબીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના વાર્ષિક પાટોત્સવ પર્વે દેશ વિદેશના મહાનુભાવો તથા અનેક ભક્તો હાજર રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં જે રાષ્ટ્ર સતત વિકાસ તરફ હરણફાળ માંડી રહ્યું છું તે કેન્યા દેશના પાટનગર નાઈરોબીમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના હજ્જારો હરિભક્તો વસે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિદેશની ધરા પર સૌ પ્રથમ પધારનાર હતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ પરંપરાના ચતુર્થ વારસદાર શ્રી મુક્તજીવન સ્વામીબાપા. ઈ.સ. ૧૯૪૮માં  યુગદ્રષ્ટા સ્વામીબાપા  પૂર્વ આફ્રિકા પધાર્યા તેને આ વર્ષે ૭૧ વર્ષ પૂર્ણ થયાં. ઈસ્ટ આફ્રિકાના દ્વિતીય વિચરણ વખતે જ ઈ.સ. ૧૯૫૨ માં સ્વામીબાપાએ માત્ર છ મહીનામાં જ શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવ્યું હતું. એ પછી તો સ્વામીબાપાને આફ્રિકા વધુ વખત પધારવાનું થયું હતું.

  આ વરસે શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન થયે ૬૭ વર્ષ પૂર્ણ થતાં  શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવનકારી સાન્નિધ્યમાં પાટોત્સવ પર્વ પરમ ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો. સંતો-ભક્તોએ વિવિધ પકવાન, ફરસાણ, લીલા મેવા – ફ્રુટ – ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોસ્યનો સુંદર કલાત્મક, મનોરમ્ય ગોઠવણીથી અન્નકૂટની સજાવટ કરવામાં આવી હતી. ત્યારબાદ નિરાજન, સંતો ભક્તોના પ્રાસંગિક પ્રવચન, સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ, વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અનેકવિધ આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા.

   પાટોત્સવ પર્વે કાનજીભાઈ કે પટેલ (કે સોલ્ટ - નાઈરોબી), ગોપાલભાઈ માવજીભાઈ ગોરસીઆ - અધ્યક્ષ શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ - ભૂજ, પ્રવીણભાઈ પિન્ડોરીઆ અગ્રણી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ, વસંતભાઈ પટેલ - તંત્રી શ્રી કચ્છી લેવા પટેલ સમાજ મેગેઝીન - કચ્છમિત્ર પત્રકાર વગેરે મહાનુભાવો  ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રીનું યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું.  

  આ અવસરને માણવા કેન્યા, યુગાન્ડા, રવાન્ડા, ટાન્ઝાનિયા આદી, પૂર્વ આફ્રિકાના તેમજ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, યુ.કે., ભારત વગેરે દેશોમાંથી હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને અંતમાં સૌએ સાથે મળી શ્રી ઠાકોરજીનો મહાપ્રસાદ આરોગ્યો હતો.

(9:01 pm IST)