Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

મસ્કત રઘુવંશી પરિવાર તથા જલારામ ભકત મંડળના ઉપક્રમે શ્રી ચંદ્રકાંતભાઇ તથા શ્રીમતિ ચેતનાબેન ચોથાણીનું અભિવાદન કરાયું

મસ્કતઃ પરમકૃપાળુ પરમાત્માએ પ્રત્યેક વ્યકિતને કંઇકને કંઇ વિશિષ્ટતાઓ પ્રદાન કરેલી હોય છે. આવી કુદરતે બક્ષેલી ઉપલબ્ધીઓનો વિનિયોગ જનસેવા થકી પરમાર્થિક કાર્યોમાં કરવો તે ઉત્તમ માનવ ધર્મ લેખાય છે. છેલ્લા ચાર દાયકા ઉપરાંતના વધુ સમયથી કર્મભૂમિ મસ્કતમાં રહીને આ પ્રકારની કર્મશિલતા દ્વારા પ્રત્યેક વ્યકિતમાં આદરભર્યુ સ્થાન અંકિત કરનાર વ્યકિત એટલે ચંદ્રકાન્ત વલ્લભદાસ ચોથાણી.

મસ્કત ખાતે ખીમજી રામદાસ કાું. માં છેલ્લા ૪૫ વર્ષથી કર્તવ્ય બજાવી રહેલા ચંદ્રકાન્ત ચોથાણીનું સમાજ સેવા ક્ષેત્રે અનન્ય પ્રદાન રહેલું છે. 'સેવા એ જ ધર્મ'ને વરેલ તેઓ અજાગશત્રુ છે અને સર્વને સાથે રાખીને કાર્ય કરવાનો અભિગમ ધરાવે છે. સાચા અર્થમાં 'સબકા સાથ સબકા વિકાસ'ને સાર્થક કરીને સંપ-સહકાર-સમર્પણની ભાવનાઓને તેઓએ જીવનનું અભિન્ન અંગે બનાવેલ છે. ભગવદ્ ગીતામાં પ્રબોધેલ ઉકિત મુજબ પ્રત્યેક કર્મ ઠાકોરજીની દયાથી થાય છે તેવું માનનારા ચંદ્રકાન્તભાઇ અનેક પ્રકારની જવાબદારીઓ સાતત્યપૂર્ણ રીતે વહન કરતાં કરતાં પણ પ્રત્યેક પળે ભાર વગર જીવી રહ્યા છે અને પ્રત્યેક ક્ષણોને પણ જીવંત બનાવી રહ્યા છે. સમયપાલન, વચનપાલન, કામ પ્રત્યેનો લગાવ, હાથમાં લીધેલ દરેક કાર્યને અંતિમ પરીણામ સુધી લઇ જવાની સતત ખેવના અને કટીબદ્ધના જેવા માનવીય ગુણો તેઓના વ્યકિતત્વની ઓળખ બની ગઇ છે.

સમગ્ર મસ્કતમાં સર્વ મિત્ર બનીને રહેતા ચંદ્રકાન્તભાઇ સ્વયં વાસ્તવવાદી અને કર્મ એજ ધર્મને માનનારા પારકી છઠ્ઠીના જાગતલ છે. તેઓ મૂળ માંડવી-કચ્છના વતની છે. સચ્ચાઇ અને નિષ્ઠા તેઓના પારિવારીક ગુણો છે. માતા સાવિત્રિબેન વલ્લભદાસ ચોથાણીના સંસ્કાર સિંચન થકી તેઓનું ઘડતર થયું છે અને તે જ સંસ્કારો તેઓને જીવનના પ્રત્યેક તબકકે પ્રેરણા આપી રહ્યા છે. તેઓ મસ્કતમાં તો ગુજરાતી સમાજના સંસ્થાપક તથા ઉપપ્રમુખ તરીકેની સેવાઓ આપી રહ્યા છે, તો વિશ્વ ગુજરાતી સમાજના ઉપ પ્રમુખ તરીકે, મસ્કત રઘુવંશી પરિવારના સંગઠનમાં અગ્રીમ યોગદાન આપનાર તરીકે તેઓને સૌ કોઇ જાણે જ છે. તેની સાથોસાથ માદર વતન કચ્છ-માંડવીમાં વિભિન્ન સેવાકીય સંસ્થાઓમાં સંકળાઇને માદરે વતન અને કર્મભૂમિ વચ્ચે સેવાસુત બની રહ્યા છે. માંડવી-કચ્છની સંસ્થાના પુરૂષોતમ કાનજી કન્યા છાત્રાલય, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, જનકલ્યાણ મેડીકલ સોસાયટી વિગેરેમાં તેઓનું મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે. સોથાસાથ મસ્કતમાં BAPS માં પણ કાર્યકર તરીકે સેવાઓ બજાવી રહ્યા છે. તેઓ સેવા સાથે સત્સંગને પોતાના જીવન સાથે વણીને કાર્ય કરી રહ્યા છે. પોતાની કલ્યાણકારી જીવન યાત્રામાં ધર્મપત્નિ ચેતનાબેન,પુત્ર કપિલ,દિકરી નિષિતા અને પુત્ર વધુ ડો.કૃપા તેમજ જમાઇ કિલફોર્ડનો પારિવારીક સહયોગ હંમેશા મળતો રહ્યો હોવાનું મહેસુસ કરી રહ્યા છે, તો જાહેર જીવનમાં પોતાની પ્રગતિના પાયામાં ખીમજી રામદાસ કુ.ના ડાયરેકટર્સ તેમજ મસ્કત ગુજરાતી સમાજના તમામ સમિતિના સભ્યોનો અવિરત સહયોગ રહ્યો હોવાનું સાદર સ્વીકારે છે. સાથોસાથ ડો.મધુકર રાણા અને શ્રીમતી સરોજબેન રાણાની રાહબરી અને સાતત્યપૂર્ણ માર્ગદર્શન જીવનમાં ઉપયોગી થયું હોવાનો તેઓ ગર્વ અનુભવે છે.

માનવ સમુદાયને ધર્મ અને સેવાનો સુંદર સંદેશ આપીને પ્રત્યેકના જીવનમાં અજવાળા પાથરનાર સંત શિરોમણી પૂ.જલારામબાપાની અસિમ કૃપાથી તેમજ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના અવિરત આર્શીવાદથી સેવા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક ક્ષેત્રએ કંઇક કર્યાનો આત્મસંતોષ લઇ રહેલા ચંદ્રકાન્તભાઇ ચોથાણી હવે જયારે મસ્કતમાંથી સેવાનિવૃતિ લઇ રહ્યા છે ત્યારે ભવિષ્યમાં તેઓ વધુ વિસ્તૃત ફલકમાં સમાજને ઉપયોગી થતા રહે અને ઉત્કૃષ્ટ માનવજીનમાં શ્રેયકર માર્ગના પ્રવાસી બનીને અન્યોને પણ પ્રેરતા રહે તેવી શુભકામનાઓ તેવું શ્રી ચંદ્રકાંત વલ્લભદાસ ચોથાણીના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)