Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોનારા લોકો માટે ગુડ ન્યુઝ : H-1B-L-1 વીઝા હોલ્ડરોને થશે ફાયદો

હવે જલ્દી નંબર આવશે : કોરોનાએ 'કયુ' ઘટાડી

વોશીંગ્ટન : અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવું એ અમેરિકામાં કામ કરતા દરેક વિદેશીનું સપનું હોય છે. તેમાંય, ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા ભારતીયોની યાદી તો દ્યણી લાંબી છે. જોકે, હવે અમેરિકામાં રહેતા ભારતીયો માટે થોડી રાહત આપતા અહેવાલ મળી રહ્યા છે. અમેરિકાની સરકારે H-૧B અને L-૧ વીઝા ધરાવનારાને ગ્રીન કાર્ડ આપવાની ઝડપ વધારી છે. હવે, જે કર્મચારીએ ૧ જાન્યુઆરી, ૨૦૧૫ પહેલા ગ્રીન કાર્ડ માટે અરજી કરી હશે તેઓ તેમનું ગ્રીન કાર્ડ મેળવવા ફાઈનલ પ્રોસેસ શરૂ કરી શકશે. અત્યાર સુધી આ તારીખ ૧ ફેબ્રુઆરી, ૨૦૧૦ હતી. આમ, અમેરિકાની સરકારે ગ્રીન કાર્ડ માટે અરજીની પ્રોસેસ હાથમાં લેવામાં પાંચ વર્ષનો ફેરફાર કર્યો છે.

પાંચ વર્ષનો આ ફેરફાર ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહેલા હજારો ભારતીયોને ફાયદો કરાવશે. તેનું મહત્વ સમજવા માટે અમેરિકામાં હાલના ગ્રીન કાર્ડ લેન્ડસ્કેપને સમજવું જરૂરી છે.

અમેરિકાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને અપાતા ગ્રીન કાર્ડની લિમિટ વાર્ષિક ૧,૪૦,૦૦૦ની છે. જેમાં EB-૧, EB-૨, EB-૩, EB-૪ અને EB-૫ એ પાંચ કેટેગરીમાં આપવામાં આવે છે. દરેક દેશના વધુમાં વધુ ૭ ટકા કર્મચારીને આ વીઝા આપવામાં આવે છે. તેમાંથી ભારતીયો EB-૨ અને EB-૩ વધુ લાગુ પડે છે, જેમાં મોટાભાગના H-૧B અને L-૧ વીઝા હોલ્ડર બંધ બેસે છે.

H-૧ગ્ અને L-૧ વીઝા મેળવનારાઓમાં ભારતીયો સૌથી વધુ છે અને EB-૨ (એડવાન્સ્ડ ડિગ્રી હોલ્ડર્સ) અને EB-૩ કેટેગરીમાં અમેરિકાના ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓમાં પણ ભારતીયોની સંખ્યા સૌથી વધુ હોય છે. અમેરિકાની ઈમિગ્રેશન થિંક ટેન્ક CATOના અંદાજ મુજબ, આ કેટેગરીમાં ૨૦૧૯  અરજી કરનારા ભારતીયોની સંખ્યા ૭ લાખની આસપાસ હતી. એનો અર્થ એ છે કે, દર વર્ષે દ્યણા ઓછા ભારતીયોને ગ્રીન કાર્ડ મળે છે. રિપોર્ટ મુજબ, એ રીતે જોઈએ તો ભારતીયોને તેમના ગ્રીન કાર્ડ માટે ૧૯૫ વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.

ઓકટોબરના વીઝા બુલેટિને EB-૩ માટે લાગેલી લાઈનને લઈને બે બાબતોમાં ફેરફાર કર્યો છે. એક, EB-૩ અંતર્ગત ૧ જાન્યુઆરી, ૨૦૧૫ પહેલા જે એલિજેબલ H-૧ગ્ અને L-૧ વીઝા ધારકોની ગ્રીન કાર્ડ માટેની અરજી (I-૧૪૦) સ્વીકારી લેવાઈ હશે તે I-૪૮૫ માટે અરજી કરી શકશે. I-૪૮૫ માટે અરજી એ ગ્રીન કાર્ડના પ્રોસેસ માટેનું ફાઈનલ સ્ટેપ છે. એક વખત I-૪૮૫ મંજૂર થઈ જાય, પછી એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોકયુમેન્ટ (EAD) આપવામાં આવે છે.

EAD હોવાથી ઘણો બધો ફરક પડે છે. તે મળી જાય પછી કર્મચારી કંપની બદલી શકે છે અને અમેરિકા તેમજ અમેરિકાની બહાર કોઈ રોકટોક વિના ફરી શકે છે. ઉપરાંત, ડિપેન્ડન્ટ્સને પણ તેમના EAD મળે છે. H-૧B અને H-૪ વીઝા હોલ્ડર્સ માટે મોટું ગ્રુપ ચલાવતા નેત્રા ચૌહાણે જણાવ્યું કે, આ ફેરફાર બાદ ગ્રીન કાર્ડ મેળવવામાં (ગ્રીન કાર્ડ માટેની અરજી સ્વીકારી લેવાઈ હોય તેવા કિસ્સામાં) પ્રાયોરિટીના આધાર પર એકથી બે વર્ષ જ લાગશે.

અમેરિકાની મુર્તી લો ફર્મના ઈમિગ્રેશન એટર્ની જોએલ યોનોવિચે કહ્યું કે, 'આ બાબત ઘણા ભારતીયોને, ખાસ કરીને જેમની EB૩ કેટેગરીમાં I-૧૪૦ની અરજી મંજૂર થઈ ગઈ છે તેમના માટે રાહત આપનારી છે.' અન્ય એક ઈમિગ્રેશન એટર્ની કેનલ પોવેલે કહ્યું કે, 'આ નિર્ણયથી ભારતીયોને ઓછી રાહ જોવી પડશે, તેમાંથી કેટલાક તો દાયકાઓથી રાહ જોઈ રહ્યા છે. જો તમે લાઈન તરફ જુઓ તો તે ૫ થી  ૧૫ દિવસ આગળ વધતી હતી. કેટલાક મહિનાનો ફેરફાર પણ લાઈન ઓછી કરવામાં મદદરૂપ થશે.'

બીજી બાબત, EB-૨ અને EB-૩ કેટેગરીમાં ભારતીયો માટે ઝડપી આગળ વધવાનો સંકેત આપી રહી છે. તેનો અર્થ એ છે કે, આવતા થોડા મહિના માટે ગ્રીન કાર્ડ માટેની લાઈન ઝડપી આગળ વધશે.

૨ ઓકટોબરથી નવી વિઝા ફી લાગુ પડી રહી છે, ત્યારે નવી ફી લાગુ પડે તે પહેલા H-૧B અને L-૧ વીઝા હોલ્ડર્સ પાસે અરજી કરવાનો સમય ઓછો બચ્યો છે. આ ફી ૭૫૦ ડોલર (લગભગ ૫૫ હજાર રૂપિયા)થી ૧,૧૩૦ (લગભગ ૮૩ હજાર રૂપિયા) ડોલર થવાની છે. ઈમિગ્રેશન એકસપર્ટસનું કહેવું છે કે, આ એક રીતે સારા સમાચાર છે. તેમનું કહેવું હતું કે, કર્મચારીઓના ગ્રીન કાર્ડ સ્પોન્સર કરતી આઈટી કંપનીઓ નવી ફી લાગુ થવાનો સમય ઓછો બચ્યો હોવાથી તેમની કંપનીના H-૧B એપ્લિકન્ટ્સ માટે પ્રોસેસ ઝડપી કરશે.

(10:10 am IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અશ્લીલ ગીત ગાઈ રહેલા બતાવતો " ફેક " વિડિઓ વાઇરલ : 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વિજેતા થતા અશ્લીલ ગીત ગાતા બતાવ્યા : દિલ્હી કોર્ટમાં દાવો દાખલ : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પશ્ચિમ વિહાર પોલીસને એફ.આઈ .આર.દાખલ કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો access_time 7:45 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ :એક્ટીવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 88,691 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,90,513 થઇ : 9,56,491 એક્ટીવ કેસ : વધુ 92,312 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 49,38,641 રિકવર થયા : વધુ 1123 લોકોના મોત સાથે મૃત્યુઆંક 94,533 થયો access_time 1:03 am IST

  • ભાજપની રાષ્ટ્રીય ટીમમાં ૪૫% નવા ચહેરાઓ : નવી ટીમની જાહેરાત કરી રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા રાષ્ટ્રીય ભાજપની નવી ટીમની અત્યારે બપોરે ૩:૧૫ પછી જાહેરાત કરી રહ્યા છે જેમાં ૪૫ ટકા નવા ચહેરાઓ છે : જે.પી. નડ્ડાએ સમગ્ર ટીમમાં આમુલ ફેરફારો કર્યા છે : વિગતો જાહેર થઈ રહી છે (ન્યુઝફર્સ્ટ) access_time 3:11 pm IST