Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

માતૃભૂમિનું ઋણ અદા કરતા અમેરિકાના જોય ઓફ હેલ્પીંગ ફાઉન્ડેશનના દાતાઓ : રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલને 35 લાખ રૂપિયાની કિંમતના ઈ.એન.ટી. ઓપરેશનના અદ્યતન સાધનો મોકલ્યા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : તાજેતરમાં રાજકોટ અને વડોદરા  સિવિલ હોસ્પિટલને ઈ.એન.ટી. ઓપરેશનના અદ્યતન સાધનો આશરે 35 લાખના આપવામાં આવ્યા છે.દાતાઓ શ્રી વસંતભાઈ તથા સુશ્રી પ્રભાબેન રાઠી , શ્રી રમેશભાઈ અને સુશ્રી પ્રફુલ્લાબેન શાહ , તથા બીજા મિત્રોએ મળી દાન આપેલું છે.

આ સાધનોથી અનેક દર્દીઓને ઓપરેશનમાં લાભ થશે.ઝડપથી ઓપરેશન થઇ શકશે.અને ઓપરેશન સ્ક્રીન પર જોઈ શકાશે.આ ઉપરાંત આ સાધનોથી ઈ.એન.ટી. સ્પેશિયાલિસ્ટનો અભ્યાસ કરતા ડોક્ટર્સ ઓપરેશન સરળતાથી શીખી શકશે.

જોય ઓફ હેલ્પીંગ ફાઉન્ડેશનની સ્થાપના દાતા શ્રી રમેશભાઈ તથા સુશ્રી પ્રફુલાબેન શાહ , ફ્રેન્ડ્સ અને ફેમિલી દ્વારા અમેરિકાના કેલિફોર્નિયામાં કરવામાં આવી છે.આ સંસ્થાનું ધ્યેય જરૂરિયાતમંદ લોકોને તેમના સ્વમાન સાથે  અને  નાતજાતના ભેદભાવ વગર મદદ કરવાનું છે.આ સંસ્થાના ડાયરેક્ટર ડો.પ્રદીપ કણસાગરાએ  જણવ્યું હતું કે આ સંસ્થા ભારત તેમજ જુદા જુદા દેશમાં સહાય આપી રહી છે.આફ્રિકાના કેન્યા તથા ભારતમાં બિહારમાં અંધાપો દૂર કરવા માટે બીજી સંસ્થાઓની મદદથી પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

આ સાધનોનું લોકાર્પણ તાજેતરમાં પૂર્વ આરોગ્ય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયા અને  રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.આર.એસ.ત્રિવેદી ,ઈ.એન.ટી.વિભાગના  વડા ડો.સેજલ ભટ્ટ ,ખ્યાતનામ ઈ.એન.ટી.સર્જન ડો.ભરતભાઈ કાકડિયા ,ડો.કીર્તિભાઇ પટેલ ,ડો.અતુલ પંડ્યા ,ડો.પ્રફુલ કમાણી ,ડો.ભાવિન કોઠારી ,ડો.ઉપાધ્યાય ,ડો.કરમટા , ડો.દર્શન ભટ્ટ ,ડો.ખવાડુ ,ડો.ભાલાણી ,ડો.વાછાણી ,ડો.દુષ્યંત ,ડો.અરવિંદ સોલંકી ,તેમજ શહેરના ઘણા મહાનુભાવો ,અગ્રણી ડોક્ટર્સ હાજર રહ્યા હતા.અને રાજકોટ જિલ્લા કલેકટરશ્રીએ દાતાઓને અભિનંદન આપ્યા હતા.તેમજ ડોક્ટર્સની સેવાઓ બિરદાવી હતી.આ સમગ્ર પ્રોજેક્ટમાં ડો.પ્રદીપ કણસાગરા ,ડો.વલ્લભભાઈ કથીરિયા ,અને ડો.ભરતભાઈ કાકડીયાએ કોઓર્ડીનેટ કર્યું હતું.  

અમેરિકાથી ડો.પ્રદીપ કણસાગરાએ ઝૂમ મિટિંગ યોજી જોય ઓફ હેલ્પીંગના ફાઉન્ડર પ્રમુખ રમેશભાઈ દાતાઓ ,રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો ,ડો.વલ્લભભાઈ કથીરિયા ,અને ડો.ભરતભાઈ કાકડિયા સાથે વિગતવાર ચર્ચા કરી જરૂરિયાત મુજબ તાત્કાલિક સાધનો ઉપલબ્ધ થાય તેવું આયોજન કરેલ હતું.
આ સિવાય ઓક્સિજન કોન્સન્ટ્રેટર તથા અન્ય સહાયમાં પણ દાતાઓ તતપર રહી માતૃભૂમિનું ઋણ અમેરિકાથી પણ અદા કરતા રહ્યા છે.જે આપણા માટે ગૌરવની વાત છે.

 

(6:32 pm IST)