Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

AAPI ગ્લોબલ હેલ્થકેર સમિટ 2021 : ભારતના આરોગ્ય મંત્રાલય સાથેના સંયુક્ત ઉપક્રમે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટમ મુકામે 30 એપ્રિલ થી 3 મે દરમિયાન કરાયેલું આયોજન : ભારતના પ્રજાજનોને અદ્યતન ,શ્રેષ્ઠ અને સસ્તી તબીબી સુવિધાઓ અપાવવાનો હેતુ : અમેરિકાના 200 ઉપરાંત તબીબો તથા વિશ્વભરમાંથી એક હજાર જેટલા પ્રતિનિધિઓ ઉમટી પડવાની ધારણા

ન્યુદિલ્હી : અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( AAPI ) તથા ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સહયોગ સાથે 30 એપ્રિલ થી 3 મે દરમિયાન યોજાનારી 14 મી ગ્લોબલ સમિટ માટેનું સ્થળ આંધ્ર પ્રદેશમાં આવેલું વિશાખાપટ્ટમ નક્કી કરાયું છે.

AAPI  પ્રેસિડન્ટ ડો સુધાકર જોનાલગડ્ડાના મંતવ્ય મુજબ વિશ્વ વ્યાપ્ત ભારતીય ડોકટરોની શક્તિ,તથા જ્ઞાનનો  ઉપયોગ કરીને,  ગ્લોબલ હેલ્થકેર સમિટ  ભારતીય તબીબી સંગઠનોના સમર્થનથી વિકસ્યું છે.જે માટે  "ફાર્માસ્યુટિકલ્સ,  અને તબીબી ઉપકરણોના ઉત્પાદકો તેમજ  તબીબી શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો અને મંત્રાલયો AAPI સાથે સહયોગ કરી રહ્યા છે. જેનો હેતુ ભારતના પ્રજાજનોને અદ્યતન ,શ્રેષ્ઠ તથા સસ્તી આરોગ્ય સુવિધાઓ આપવાનો છે.

AAPI  ચેર પર્સન  ડો.સજની  શાહએ જણાવ્યું હતું કે વિશાખાપટ્ટમ ખાતે યોજાનારી સમિટ ભારતના પ્રજાજનોની આરોગ્ય સારવાર માટે મહત્વની બની રહેશે.આ સમિટમાં હઠીલા રોગો જેવા કે ડાયાબિટીઝ, રક્તવાહિની, હાયપરટેન્શન, સીઓપીડી, ઓન્કોલોજી, માતૃત્વ અને શિશુ મૃત્યુ , આઘાત અને માથામાં ઇજા, ટ્રાન્સપ્લાન્ટ અને રોબોટિક સર્જરી સહિતના વિષયો    આવરી લેવામાં આવશે.

 

ગ્લોબલ હેલ્થકેર સમિટ ચેર ડો.પ્રસાદ ચલાસાનીએ જણાવ્યું હતું કે  “યુનાઇટેડ સ્ટેટ્સના 200 થી વધુ ચિકિત્સકો સાથે, સમિટમાં વિશ્વભરના લગભગ 1000 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાની સંભાવના છે. AAPI ગ્લોબલ હેલ્થકેર સમિટ (GHS) માં ઘણી નવી પહેલ કરવામાં આવશે અને તે AAPI ના ભૂતકાળના નેતાઓ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સ પણ આગળ વધારાશે .

સમિટ ચેર ડો.રવિ રાજુએ જણાવ્યું હતું કે  “આવક અને રોજગારની દ્રષ્ટિએ, ભારતમાં હેલ્થકેર એ સૌથી મોટા ક્ષેત્રોમાંનું એક છે. ભારત હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારણા કરી રહ્યું છે અને આધુનિક તબીબી સુવિધાઓ બનાવી રહ્યું છે. ભારતીય ડોકટરોએ 21 મી સદીમાં જબરદસ્ત પ્રગતિ કરી છે અને ભારતને હવે એક તબીબી પર્યટન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે.

AAPI ના અન્ય હોદેદારો ડો.અનુપમા ગોટીમુકુલા ,ડો.રવિ કોલ્લી,ડો.અમિત ચક્રવર્તી ,ડો.સથીસ કાથુલા ,સહિતનાઓએ માતૃભૂમિનું ઋણ ચૂકવવા આ સમિટનું આયોજન થઇ રહ્યું હોવાનું જણાવ્યું હતું.તેવું શ્રી અજય ઘોષની યાદી જણાવે છે.

(9:06 pm IST)