Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

સ્‍વામી વિવેકાનંદના શિકાગો ખાતેના ઉદ્‌બોધનનું ૧૨૫ મું વર્ષ અમેરિકાના ૧૦૦ શહેરોમાં ઉજવાશેઃ વિવેકાનંદજીના ઉપદેશનો વ્‍યાપ વધારવા મંદિરોનો સહયોગ લેવાશેઃ ગ્રેટર શિકાગોમાં આવેલા હિન્‍દુ ટેમ્‍પલ ખાતે ‘યુનાઇટેડ સ્‍ટેટસ હિન્‍દુ એલાયન્‍સ' (USHA)એ ૧૨ સપ્‍ટે.ના રોજ કરેલી ઘોષણા

 

શિકાગોઃ અમેરિકામાં ગ્રેટર શિકાગોના સૌપ્રથમ હિન્‍દુ ટેમ્‍પલ ખાતે ૧૧ સપ્‍ટે. ૨૦૧૮ના રોજ હિન્‍દુ ઓર્ગેનાઇઝેશન યુનાઇટેડ સ્‍ટેટસ હિન્‍દુ એલાયન્‍સ' (USHA) દ્વારા સ્‍વામી વિવેકાનંદએ ૧૮૯૩ની સાલમાં શિકાગો મુકામે મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કરેલા ઉદ્‌બોધનના ૧૨પમા વર્ષની ઉજવણી ૧૦૦ શહેરોમાં કરાશે તેવી ઘોષણા કરી છે.

આ તકે ઉપસ્‍થિત હિન્‍દુ અગ્રણી આગેવાનોએ પ્રાસંથિક ઉદ્‌બોધનો કર્યા હતા. જેમાં હિન્‍દુ ધર્મ આચાર્ય સભાના જન. સેક્રેટરી સ્‍વામી પરમાત્‍માનંદજી, પૂજ્‍ય સ્‍વામી વિશ્વેશ્વરાનંદ ગિરિજી મહારાજ, પૂજ્‍ય માધવપ્રિયદાસ સ્‍વામી તથા પૂજ્‍ય આચાર્યશ્રી ક્રિશ્‍નામણીજી મહારાજનો સમાવેશ થતો હતો તેમજ શિકાગો ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સુશ્રી નિતા ભૂષણ તથા ઇન્‍ફીનીટી ફાઉન્‍ડેશનના શ્રી રાજીવ મલ્‍હોત્રા, ચિન્‍મય મિશનના પૂજ્‍ય સ્‍વામી શરણાંદજી તેમજ USHAના પ્રેસિડન્‍ટ શ્રી ગોકુલ કુન્‍નાથએ પણ પ્રાસંગિક ઉદ્‌બોધનો કર્યા હતા.

સ્‍વામી વિવેકાનંદજીના ઉપદેશનો વ્‍યાપ વધારવા નક્કી કરાયેલ ઉપરોક્‍ત યોજના મુજબ ૧૦૦ શહેરોમાં સ્‍વામીજીના ઉદ્‌બોધનની ૧૨પમા વર્ષની ઉજવણી કરવામાં સાથ આપવા દેશના હિન્‍દુ મંદિરોનો સહયોગ મેળવાશે. તથા સ્‍વામી વિવેકાનંદના ઉપદેશના મુખ્‍ય પાંચ તત્ત્વો ઇનર પિસ લીડસ ટુ વર્ડ પિસ', ‘ડાયલોગ લીડસ ટુ રિકન્‍સીલેશન', ‘મ્‍યુચ્‍યુઅલ રિસ્‍પેક્‍ટ લીડસ ટુ રિલીજીઅસ હાર્મની', ‘યુનાઇટેડ એકશન લીડસ ટુ પ્રિઝર્વેશન ઓફ ધ પ્‍લાનેટ' તથા ફ્રિડમ લીડસ ટુ ડાઇવર્સીટી'નો સંદેશ ફેલાવાશે.

અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં હિન્‍દુઓના હક્કો તથા હિતોની રક્ષા માટે કાર્યરત USHA અંગે વિશેષ જાણકારી www.ushaonline.org દ્વારા મેળવી શકાશે. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલા દ્વારા જાણવા મળે છે.

(12:07 am IST)