Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

અમેરિકાના ન્‍યુયોર્કમાં આવેલા સ્‍મશાન ગૃહનો છબરડોઃ મૃતક શશિ શર્માના અસ્‍થિ સરૂપ શર્માના વારસદારોને આપી દીધાઃ ભારતની ગંગા નદીમાં અસ્‍થિ વિસર્જન કરાયા બાદ વારસદારોને જાણ થતાં બેદરકારી અને ધાર્મિક લાગણી દુભાવવાના આરોપસર કોર્ટ કેસ દાખલ

ન્‍યુયોર્કઃ અમેરિકામાં લોંગ આઇલેંડ ન્‍યુયોર્કમાં આવેલા સ્‍મશાન ગૃહએ એક મૃતકના અસ્‍થિ, બીજા મૃતકના વારસદારોને સોંપી દેતા બેદરકારી બદલ ફયુનરલ હોમ ઉપર દાવો દાખલ કરાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ ઇન્‍ડિયન અમેરિકન મૃતક વ્‍યક્‍તિ સરૂપ શર્માના અસ્‍થિ ભારતની પવિત્ર ગંગા નદીમાં પધરાવવા માટે તેના પુખ્‍ત વયના સંતાનો સુસાન તથા સુનિલે સ્‍મશાન ગૃહની મુલાકાત લીધી હતી. જયાંથી તેમને ભળતા નામવાળા કે જેની પાછળ શર્મા લાગે છે તેના અસ્‍થિ ભુલથી આપી દેવાયા હતા. આ સંતાનોએ તેમના માતુશ્રી પણ પિતાના અવસાનના સાત માસ બાદ સપ્‍ટેં.૨૦૧૭માં મૃત્‍યુ પામ્‍યા હોવાથી બંનેના અસ્‍થિ ભારત જઇ ગંગા નદીમાં પધરાવી ધાર્મિક વિધિ કરી હતી.

પરંતુ સ્‍મશાન ગૃહના સંચાલકોએ નવેં. માસમાં પોતાની ભૂલ થઇ હોવાનું જણાવી તેમણે સરૂપ શર્માને બદલે શશિ શર્માના અસ્‍થિ આપી દીધા હોવાનું જણાવ્‍યુ હતું. તેથી પોતાની ધાર્મિક લાગણી દુભાવવા બદલ સરૂપ શર્માના સંતાનોએ ૧૩ ઓગ.૨૦૧૮ના રોજ સ્‍મશાનગૃહના સંચાલકોની બેદરકારી બદલ તથા ધાર્મિક લાગણી દુભાવવા બદલ દાવો દાખલ કરતાં સંચાલકોએ માફી માંગી વિધિ માટેનો તમામ ખર્ચ ચૂકવવાની તૈયારી બતાવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:58 pm IST)