Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

અમેરિકાના ઓહિયોમાં ૪ જુલાઇથી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન AAPI નું વાર્ષિક અધિવેશનઃ ૫ જુલાઇના રોજ આર્ટ ઓફ લીવીંગના ફાઉન્‍ડર શ્રી શ્રી રવિશંકર હાજરી આપશેઃ યોગા તથા મેડીટેશન દ્વારા તનાવ દૂર કરવા અંગે માર્ગદર્શન આપશેઃ પાંચ દિવસિય અધિવેશન દરમિયાન મેડીકલ તથા સાયન્‍સ ક્ષેત્રે અદ્યતન સંશોધનો અંગે માહિતી સાથે સાંસ્‍કૃતિક કાર્યક્રમો, ટેલન્‍ટ શો, સહિતના કાર્યક્રમોમાં બે હજાર ઉપરાંત પ્રતિનિધિઓ ઉમટી પડશે

ઓહિયોઃ યુ.એસ.માં ૪ જુલાઇથી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન કોલંબસ, ઓહિયો, મુકામે ‘‘અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્‍શ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (AAPI)''નું વાર્ષિક અધિવેશન તથા સાયન્‍ટીફિક એસેમ્‍બલીનું ભવ્‍ય આયોજન કરાયું છે. તેવું AAPI પ્રેસિડન્‍ટ ડો.ગૌતમ સમદરએ સમાચાર સૂત્રોને જણાવ્‍યું છે.

બે હજાર ઉપરાંત AAPI પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિમાં યોજનારા આ પાંચ દિવસિય અધિવેશનમાં પાંચ જુલાઇના રોજ વિશ્વ વિખ્‍યાત શ્રી શ્રી રવિશંકરના યોગ એન્‍ડ મેડીટેશનનો પ્રોગ્રામ રાખવામાં આવ્‍યો છે. તેવું.

આ પાંચ દિવસિય અધિવેશનમાં વિદ્વાન વકતાઓના ઉદબોધનો, મેડીકલ તથા સાયન્‍સ ક્ષેત્રે સંશોધનો, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, યોગા, તથા નામાંકિત કલાકારોના મનોરંજન પ્રોગ્રામના આયોજનો કરાયા છે. આ ઉપરાંત મહિલાઓના સશક્‍તિકરણ સાથે તેમનામાં આત્‍મવિશ્વાસ વધારવા, નેતૃત્‍વનું પ્રદાન કરવા, સહિતના હેતુઓ સાથે, તથા તમામ મેમ્‍બર્સ માટે ટેલન્‍ટ શોનું આયોજન કરાયું છે તેવું કન્‍વેન્‍શન ઓર્ગેનાઝીંગ કમિટીના ચેર ડો.જોન જોન્‍સને જણાવ્‍યું હતું.

અધિવેશન અંગે AAPI ઇલે.પ્રેસિડન્‍ટ ડો.નરેશ પરીખએ જણાવ્‍યું હતું કે વર્તમાન સમયના હેલ્‍થ પ્રોબ્‍લેમને ધ્‍યાને લઇ આયુર્વેદ, યોગા, તથા મેડીટેશનના પ્રદાન અંગે શ્રી શ્રી રવિશંકરની હાજરીથી મેમ્‍બર્સને પ્રોત્‍સાહન મળશે. AAPIના BOTચેર ડો. અશોક જૈનએ લોકોના આરોગ્‍ય તથા તનાવમુક્‍ત જીવન માટે ભારતની પ્રાચીન યોગા પધ્‍ધતિના વિશ્વને પ્રદાન અંગે અધિવેશનમાં શ્રી શ્રી રવિશંકરની હાજરીથી ઉપસ્‍થિતોને જાણકારી મળશે તેમ જણાવ્‍યું હતું.

અધિવેશનમાં વિશ્વસ્‍તરીય સંશોધકો તથા તબીબો સાથે આદાનપ્રદાન, તેમજ અદ્યતન સંશોધનો વિષે AAPIના યંગ ફીઝીશીયન ગૃપ, સ્‍ટુડન્‍ટસ, સહિતના પ્રતિનિધિઓને સેવાદ સાધવાની તક મળશે તેમજ છેલ્લામાં છેલ્લા મેડીકલ સાધનો, દવાઓ, ફાર્માસ્‍યુટીકલ ઉત્‍પાદનો સહિતની જાણકારી મળશે.

ઉલ્લેખનીય છે કે યુ.એસ.માં ૧ લાખ ઇન્‍ડિયન ફીઝીશીયન્‍શની મેમ્‍બરશીપ ધરાવતું AAPI સૌથી મોટુ મેડીકલ ઓર્ગેનાઇઝેશન છે. જેના ઉપક્રમે ૪ જુલાઇથી ૮ જુલાઇ દરમિયાન મળનારા અધિવેશનમાં વિશ્વ વ્‍યાપ્‍ત ભારતીય મૂળના ફીઝીશીઅન્‍શ, હેલ્‍થ પ્રોફેશ્‍નલ્‍સ, એકેડેમિશીઅન, સાયન્‍ટીસ્‍ટસ, સહિતના બે હજાર પ્રતિનિધિઓ હાજરી આપશે. અધિવેશન અંગે વિશેષ જાણકારી માટે www.aapiusa.org દ્વારા સંપર્ક સાધવા શ્રી અજય ઘોષ (૨૦૩)૫૮૩-૬૭૫૦ની યાદીમાં જણાવાયું છે.

(9:54 pm IST)