Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

" બાર બાર દિન એ આયે " : યુ.એસ.માં ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા બર્થ ડે અને મનોરંજન કાર્યક્રમ ની ઝૂમ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ભવ્ય ઉજવણી

  
 શિકાગો :  ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો નો બર્થ ડે કાર્યક્રમ  તા. 12 સપ્ટેમ્બર,2020 ને શનિવારના રોજ ઝૂમ વિડીયો કોન્ફરન્સસીંગના માધ્યમથી સવારે 11:00 થી બપોરે 1:30 વાગ્યા સુધી યોજવામાં આવ્યો હતો. જેમાં 140 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. ઝૂમ વિડીયો કોન્ફરન્સસીંગના માધ્યમથી આ બર્થ ડે કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.આજના બર્થ ડે કાર્યક્રમનું સંચાલન શ્રી  દિલીપ પટેલે સફળતાપૂર્વક કર્યું હતું.
   સર્વ પ્રથમ પ્રેસિડન્ટ ડૉ. નરસિંહભાઈ પટેલે ઝૂમ વિડીયો કોન્ફરન્સસીંગ દ્વારા આયોજન કરવામાં આવેલ બર્થ ડે કાર્યક્રમની  માહિતી આપી હતી. તે પછી બર્થ ડે કાર્યક્રમની શરૂઆત  શ્રીમતી હેમાબેન શાસ્ત્રીએ સર્વધર્મ પ્રાર્થનાથી અને ત્યારબાદ શ્રી ભુપેન્દ્ર સુથારે શ્રી હનુમાન ચાલીસાનુ સુંદર ગાન કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.
  વિશેષ વ્યક્તિઓમાં પ્રો. શરદભાઈ શાહે જૈન ધર્મના મહાપર્વ પર્યુષણ પર્વ વિષે અને ભગવાન શ્રી મહાવીર સ્વામી વિષે મનનય
પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ચૈત્ર મહિનાની સુદ 13 મહાવીરની જન્મતિથિ મહાવીર કલ્યાનક તરીકે ઉજવવામાં આવે છે. આશરે 2600 વર્ષ પહેલાં બિહાર વૈશાલી નગરમાં રાજવી કુટુંબમાં જન્મેલા મહાવીરને વર્ધમાન તરીકે પણ સંબોધવામાં આવે છે. ર8 વર્ષની ઉંમરે ગૃહત્યાગ અને વસ્ત્રોનો ત્યાગ કર્યા બાદ 12 વર્ષ મહાતપ કર્યું અને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. જૈન ધર્મના 24 મા તીર્થંકર ગણાતા શ્રી મહાવીર ભગવાન ના પાંચ પાયાના ઉપદેશ હતા. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ દ્વારા આધ્યાત્મિક શાંતિ અને મોક્ષ પ્રાપ્તિ કરી મહાવીર સ્વામી 72 વર્ષની વયે બિહારના પાવાપુરી માં નિર્વાણ પામ્યા હતા. જે જૈનો માટે ધાર્મિક સ્થળ ગણાય છે.
      કારોબારી કમિટીના સભ્ય શ્રી બિપીનભાઈ શાહે મહર્ષિ અરવિંદ ઘોષ વિષે સુંદર વક્તવ્ય આપ્યું હતું. 15 ઓગષ્ટ, 1872 માં જન્મેલા શ્રી અરવિંદ ઘોષ દાર્જિલિંગ અને કેમ્બ્રિજ કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. માત્ર 18 વર્ષની ઉંમરે આઈસીએસ (ICS) પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ વડોદરાની શ્રી મહારાજા  સયાજીરાવ યુનિવર્સીટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. સંપૂર્ણ સ્વરાજ, સ્વદેશી માલ, રાષ્ટ્રીય શિક્ષણ તેમના મુખ્ય આદર્શો હતા. ત્યારબાદ તેઓ પાંડીચેરી ગયા હતા. જયાં મીરા અલ્ફાસા તેમની શિષ્યા બની હતી. આશ્રમમાં તેઓએ સાધના કરી 1943 માં તેઓને સાહિત્ય પરિષદનો પુરસ્કાર મળ્યો અને નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ કરવામાં આવ્યા. 5 ડિસેમ્બર, 1950 ના રોજ 78 વર્ષની ઉંમરે તેઓનું અવસાન થયું હતું. ગીતા, વેદો, યોગ અને સાવિત્રી જેવા પુસ્તકો દ્વારા તેઓએ આત્મજ્ઞાન પર ભાર મુક્યો હતો.
    ત્યારબાદ શ્રી ભુપેન્દ્રભાઈ સુથારે સપ્ટેમ્બર મહિનામાં જે સભ્યોના જન્મદિન આવે છે તેઓનાં નામ જાહેર કર્યા. તે પછી શ્રી અરવિંદભાઈ કોટકે  "બારબાર  એ દિન આયે, તુમ જિયો હજારો સાલ, હેપી બર્થ ડે  ટુ  યુ" ગીત ગાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી અરવિંદભાઈ કોટકે કેટલાક રમુજી ટુચકાઓ  દ્વારા સભ્યોને મનોરંજન પૂરું પાડયું હતું. શ્રી ભુપેન્દ્રભાઈ સુથાર અને શ્રીમતી ગીતા સુથારે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 'હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ' સુંદર રાગમાં ગાયું હતું.
શ્રી નરેશભાઈ દેખતાવાળાએ મનોરંજન કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અને કલાકાર સભ્યોને જણાવેલ ક્રમ મુજબ ગીતો રજૂ કરવા જણાવ્યું હતું. પ્રથમ શ્રીમતી  હેમાબેન રાણાએ ' સબસે પહલે તુજે પૂજે, લેતે હૈ સબ નામ તેરા, બાપા મોરિયા', શ્રી રણજીત ભરૂચાએ ' વ્રુંદાવનકા કૃષ્ણ કનૈયા, તેરી ઓંખોકા તારા', શ્રી શાંતિલાલ ટોપીવાલાએ ' દુનિયા બનાનેવાલે ક્યા તેરે મનમેં સમાઈ, કાહેકો દુનિયા બનાઈ', શ્રીમતી પન્ના શાહે ,' જ્યોત સે જ્યોત જગાતે ચલો , પ્રેમકી ગંગા બહાતે ચલો', શ્રીમતી નલિની શાહે,' તમે મન મૂકીને વરસ્યા અને જન્મ જન્મના તરસ્યા', શ્રીમતી જયશ્રી શેઠે 'શ્રીજી બાવા મારા નાથ, રાખો તમ ચરણો સાથ,' શ્રીમતી રોહિણી દેખતાવાળાએ, 'તુ હી મેરે મંદિર,'શ્રી નરેશ દેખતાવાળા, 'સુખમે સબ સાથી દુ:ખમેં  ના કોઈ,’ વગેરે ભક્તિભાવનાં ગીતો સુંદર સ્વરોમાં ગાયાં હતા. શ્રી નરેશભાઈ દેખાતાવાળાએ બધા કલાકારોનો આભાર માન્યો હતો.   ટ્રેઝરર શ્રી સી.વી. દેસાઈએ ભારતના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા સાથે સિનિયર્સ ગ્રુપ ના હોદ્દેદારો સાથે થયેલ મુલાકાતની વિગતો આપી હતી. અને ચર્ચા દરમિયાન પુછાયેલા પ્રશ્નોની માહિતી આપી હતી. ત્યારબાદ ફાર્માસીસ્ટ અને લાઈફ એન્ડ વેલનેસ કન્સલ્ટન્ટ શ્રી રાજેશભાઈ ચોટલીયા નું 'લાફ્ટર યોગ' વિષે પ્રવચન હતું જેમાં તેઓએ સિનિયર ભાઈબહેનોને હાસ્ય દ્વારા યોગની સદ્દુષ્ટાંત માહિતી આપી હતી. તેઓએ હાસ્યના યોગથી તથા શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી ક્યાં અંગોને અસર થઇ શકે તે અંગે સુંદર રજુઆત કરી હતી.
       અંતમાં ડૉ. નરસિંહભાઈ પટેલે શ્રી રાજેશભાઈ ચોટલીયા અને સર્વે સભ્યોનો આભાર માની ઝૂમ મિટિંગની પુર્ણાહુતી જાહેર કરી હતી.તેવું શ્રી જયંતીભાઈ ઓઝાની યાદી દ્વારા જાણવા મળે છે.

(7:28 pm IST)