Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

રાજકોટમાં છે ભારતનું ગ્રોથ એન્જીન બનવાની ક્ષમતા

ભવિષ્યમાં રાજકોટ અને તેની આસપાસના નગરોનો સમાવિષ્ટ કરી ગ્રેટર રાજકોટ રીજીયોનલ સીટી (જીઆરઆરસી) બનાવવું પડશેઃ રાજકોટ તો દોડશે પણ આસપાસના નગરો પણ સમૃધ્ધ થશે : રાજકોટનું ભવિષ્ય તેની પ્રાદેશીક બોર્ડરના વિકાસ સાથે સંકળાયેલું છેઃ રાજકોટ દેશ-વિદેશના ઉદ્યોગો માટે ખરીદીનું કેન્દ્ર પણ બની શકે તેમ છેઃ કેનેડાના વતની (મૂળ રાજકોટના) રજની પટેલ (આર્કિટેકચર)નો રસપ્રદ અભ્યાસ

રાજકોટ, તા., ૨૪:  આવતા ૨૦ વર્ષ પછીના રાજકોટની કલ્પના આપણે કેવી રીતે કરી શકીએ? ૨૦૦૦ની સાલમાં ૧૦ લાખની વસતિ ધરાવતા આ શહેરની વસતિ ૨૦૧૯માં ૧૮.૫ લાખને આંબી ગઇ છે. જો આ દરે વસતિ વધારો ચાલુ રહેશે તો ૨૦૪૦ની સાલમાં રાજકોટની વસતિ ૩૫ થી ૪૦ લાખ જેટલી થઇ ગઇ હશે. આજની તારીખમાં પણ ટ્રાફિકની ભીડભાડ, પ્રદુષણ તથા હવા ઉજાસ વાળા મકાનોની ઘટી રહેલી સંખ્યાની બાબતોને ધ્યાને લેતા ૨૦૪૦ની સાલની પરિસ્થિતિની તો કલ્પના જ કરવી મુશ્કેલ લાગે છે.

આગામી ૫ વર્ષમાં ભારતનું અર્થતંત્ર ૫ ટ્રિલિયનને પાર કરી જશે તેવી ધારણાં છે જે ૧૫ વર્ષ પછી ચીનના હાલની ૧૫ ટ્રિલિયન ઇકોનોમી સાથે બરાબરી કરી શકશે. આમાં રાજકોટનું સ્થાન કયાં છે?

સૌરાષ્ટ્રના અગ્રણી શહેર તરીકે અથવા તો આંતરરાષ્ટ્રીય નામના ધરાવતા, ભારતના આર્થિક વિકાસને વેગ આપતા તેમજ દેશના તમામ રાજયોના નાગરિકો માટે નોકરી ધંધાની તક આપતા આગવા શહેર તરીકેનું સ્થાન આપણે જાળવી શકશું ખરા?

રાજકોટ તથા મોરબીના ઘણાં ઉદ્યોગપતિઓ ચીનના ગ્વાન્ગઝોઉ તથા શેનઝેન શહેરમાંથી રિઅલ એસ્ટેટ પ્રોડકટ્સ ખરીદવા જાય છે. આ બંને શહેરો ભારતના મુંબઇ કરતાં પણ મોટા છે. શેનઝેન શહેર ૨.૩ કરોડની

વસતિ સાથે ૩૬૦ બિલીયન ડોલરનું અર્થતંત્ર ધરાવે છે. (જે ભારતના અર્થતંત્રના ૮ મા ભાગ જેટલો હિસ્સો ધરાવે છે) તથા ગ્વાન્ગઝોઉ ૨.૫ કરોડની વસતિ સાથે ૩૨૦ બિલીયન ડોલરનું અર્થતંત્ર ધરાવે છે.

(જે ભારતના કુલ અર્થતંત્રના ૯ મા ભાગ જેટલું છે)

હવે સવાલ એ થાય છે કે રાજકોટ સાથે ચીનના આ બે શહેરોની સરખામણી કરવાનો શું મતલબ છે? અર્બન ડિઝાઇનર (ટાઉન પ્લાનર) તરીકે મેં ચીન સહિત વિશ્વના દેશોના માસ્ટર પ્લાનિંગ ક્ષેત્રે અનુભવ લીધો છે. આ અનુભવે મને ભારતના શહેરોના વિકાસ માટેના રસ્તાઓ વિચારવાના પડકાર સાથે ઉશ્કેરવાનું કામ કર્યું છે. તેથી રાજકોટને ચીનના આ બંને શહેરો સાથેની ભૂતકાળની અમુક સમાનતા પછીની તેઓની આર્થિક વિકાસની છલાંગને ધ્યાને લેતા સરખામણી કરવાનું મન થાય છે.

ભૂતકાળની કઇ સમાનતા ધ્યાનાકર્ષક છે તે જોઈએ તો ૧૯૮૦ની સાલમાં રાજકોટ શહેરની વસતિ ૪.૪૦ લાખ હતી. જે ચીનના શેનઝેનની વસતિ તથા અર્થતંત્ર કરતા ૮ ગણો વધારો દર્શાવતું શહેર હતું. તે સમયે શેનઝેનની વસતિ પપ હજાર હતી. જયારે ગ્વાન્ગઝોઉની વસતિ તે સમયે પ લાખની હતી.

હવે સવાલ એ થાય છે કે ૧૯૮૦ની સાલમાં રાજકોટ કરતા ૮ મા ભાગનું અર્થતંત્ર અને વસતિ ધરાવતું શેનઝેન છેલ્લા ૪૦ વર્ષમાં રાજકોટથી પર ગણું અર્થતંત્ર ધરાવતું શહેર બની શકતુ હોય તો શા માટે આપણે પણ આગામી ૨૦ વર્ષમાં તેની સમકક્ષ ન થઈ શકીએ? કે તેના કરતા પણ આગળ કેમ ન નીકળી શકીએ? રાજકોટના અર્થતંત્રને પણ ધમધમતુ કરી સમૃધ્ધ શહેર બનાવવાના લક્ષ્યાકને આંબવા માટે આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીની હદના આંતરિક વિસ્તાર તથા બાહ્ય વિસ્તાર એમ વિશાળ તસ્વીર ને એક સાથે ધ્યાનમાં લેવું પડશે. દક્ષિણ દિશામાં ગોંડલ, ઉતરમાં મોરબી, પશ્ચિમ દિશામાં કાલાવડ અને પૂર્વમાં ચોટીલા સાથે કેન્દ્રમાં એટલે કે મધ્યમાં રહેલ રાજકોટ શહેરનું પ્લાનિંગ પ્રાદેશિક રીતે કરવું પડશે. આ માટે રાજકોટ તથા મોરબીને ટ્વિન સીટી ગણી આજુબાજુમાં આવેલા ગોંડલ, કાલાવડ, આટકોટ, ચોટીલા, વાંકાનેર તથા ટંકારાને રાજકોટનો જ એક ભાગ ગણી આગળ વધવું પડશે.

ટાઇલ્સ ઉત્પાદન ક્ષેત્રે મોરબી ભારતમાં પ્રથમ સ્થાન ધરાવતું શહેર છે. જયારે રાજકોટ તો શરૂઆતથી જ રાજય તેમજ દેશના અર્થતંત્રને વેગ આપનાર આપબળે આગળ નીકળી ગયેલું શહેર છે. જેની સાથે ઉપરોકત શહેરો તથા ગામોને જોડી દેવાથી ગ્રેટર રાજકોટ રીજીયોનલ સીટી (GRRC)તરીકે દેશના આર્થિક વિકાસ માટેના ગ્રોથ એન્જીન તરીકે ઊભરી આવશે. જયાં દેશ વિદેશોના ઉદ્યોગપતિઓ પોતાના ઉત્પાદનો માટેની જરૂરી પ્રોડકટ્સ ખરીદવા રાજકોટના આંટાફેરા કરતા થઇ જશે. અલબત હાલમાં રાજકોટને મળેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટથી આ દિશામાં ગતિ વધુ વેગવંતી બનશે.

કેનેડા તથા યુ.એસ.એ. માં લાર્જ સ્કેલ (વિશાળ કદના) હાઉસિંગ પ્રોજેકટ, ટાઉન/સિટી પ્લાનિંગ, રિસોર્ટ્સ, થીમ પાર્ક, ૫/૭ સ્ટાર હોટેલ્સ અને હોસ્પિટલ્સ માટે કામ કરવાના અનુભવના આધારે હું કહી શકું છું કે જે રીતે વિશ્વના દેશોના ઉદ્યોગપતિઓ પોતાના ઉત્પાદનો માટેની જરૂરી પ્રોડકટ્સ ખરીદવા શેનઝેન તથા ગ્વાન્ગઝોઉ જાય છે તે રીતે ગ્રેટર રાજકોટ રીજીયોનલ સીટી (GRRC) આવતા થશે. કારણકે ગ્રેટર રાજકોટ પણ ચીનના આ બન્ને  શહેરોનું સ્થાન લઇ શકે તેમ છે. રિઅલ એસ્ટેટ માટેની પ્રોડકટ્સ જેવી કે ટાઇલ્સ, સેનેટરીવેર્સ, બાથરૂમ ફિટિંગ્સ, કિચનવેર્સ, પાઇપ ફિટિંગ્સ, સનમાયકા અને પ્લાયવૂડ, વૂડન અને મેટલ એસેસરીઝ, સિમેન્ટ, TMT બાર્સ, પ્લાસ્ટિક પ્રોડકટ્સ, સિંગલ્સ, વિન્ડોઝ, ડોર્સ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પ્રોડકટ્સ, લાઈટ, ઇન્સ્યુલેશન પેનલ્સ જેવા વિશિષ્ટ ઉત્પાદનોના શોરૂમ્સ તથા ફેકટરીઓ સાથેનું આ શહેર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને મુલાકાત લેવા માટેનું મહત્વનું કેન્દ્ર બની શકે તેમ છે. માત્ર વિદેશના જ નહીં પણ દેશના ઉદ્યોગો માટેની ખરીદી પણ રાજકોટના ગ્રોથ રેટને ૧૫ થી ૨૦ ટકા ઉપરાંત બળ પુરૂ પાડી શકે તેમ છે.

ટુંકમાં રાજકોટનુ ભવિષ્ય તેની પ્રાદેશિક બોર્ડરના વિકાસ સાથે છુપાયેલુ છે. જે ગ્રેટર રાજકોટ રીજીયોનલ સીટી (GRRC)  બને તો દેશનું ટોપ ગ્રોથ એન્જીન બની શકવાની ક્ષમતા ધરાવે છે. જેનાથી રાજકોટમાં સમાવિષ્ટ થઇ શકતા તમામ નગરો પણ સમૃધ્ધ થઇ શકે છે તથા આગામી ૨૦ થી ૪૦ વર્ષમાં ગ્રેટર રાજકોટ તકો માટેની ક્ષિતિજને આંબી જાય તેમ છે.

મારી કંપની RPD STUDIO હાલમાં, રાજકોટ પ્રત્યેના મારા અદમ્ય લગાવને કારણે, રાજકોટ શહેરનું તેનાં આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તાર, ઔદ્યોગિક વિસ્તાર તથા નગરો સાથેના તેના જોડાણ અને રાજકોટમાં સ્થાયી થવાનો ધસારો તેમજ તેના કારણે ઉદભવી રહેલા પ્રશ્રો અને તેના નિરાકરણ સાથે પ્રાદેશિક એટલે કે ગ્રેટર રાજકોટ પ્લાન બનાવવાના આયોજન સાથે કાર્યરત છે. રાજકોટ તથા આજુબાજુના નગરોમાં આવેલી નદીઓ, તળાવો તથા ઐતિહાસિક અને પ્રાચીન વારસો તેમજ લોકોની બિઝનેસ કરવાની સુઝબૂઝને ધ્યાને લઇ ૨૦૪૦ થી ૨૦૫૦ની સાલ સુધીમાં શહેરનો વ્યાવસાયિક વિકાસ કેવી રીતે હરણફાળ ભરી આકાશને અથવા તો ચીનના બંને શહેરોને આંબી શકે તેના આયોજનમાં છે. જે અંગેનો અહેવાલ હું આપની સમક્ષ દર મહિને અથવા ર મહિને રજુ કરતો રહીશ.

આ આર્ટીકલના લેખક શ્રી રાજ પટેલ રાજકોટના વતની છે. તેમણે આર્કિટેકચર તરીકેની બેચલર ડિગ્રી મેળવ્યા પછી કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટીમાંથી અર્બન ડિઝાઇનની માસ્ટર ડિગ્રી મેળવેલી છે. કેનેડામાં વ્યાવસાયિક રીતે સ્થાયી થયા પહેલા તેમણે નોર્થ અમેરિકા, મિડલ ઇસ્ટ તથા ચાઇનામાં સીટી ડિઝાઇનર તરીકે અનુભવ લીધેલો છે. ત્યારબાદ તેમણે RPD STUDIO ની સ્થાપના કરી કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે લાર્જ સ્કેલ આર્કિટેકચરલ પ્રોજેકટ તથા માસ્ટર પ્લાનિંગ ક્ષેત્રે કાર્યરત છે અને કેનેડાની પ્રતિષ્ઠિત બ્રેમપ્ટન ડાઉન ટાઉન રિવાયટેલાયજેસન ડિઝાઇન કોમ્પિટિશન જીતી બેસ્ટ ડિઝાઇનર ફર્મ તરીકેનો એવોર્ડ પણ મેળવેલો છે.

(1:06 pm IST)