Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

વિદેશોમાં ઉચ્ચ અભ્યાસ માટે જઇ રહેલા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં થઇ રહેલો સતત વધારો

ન્યુદિલ્હી : એક બાજુ વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ માટે લાવવાની હોડ અને બીજી બાજુ ખુદ ભારતના વિદ્યાર્થીઓની વિદેશમાં અભ્યાસ માટેની દોટ વચ્ચે ઘણી અસમાનતા જોવા મળે છે.વિદેશોમાં અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓના ખર્ચમાં ખુબ વધારો થયો હોવા છતાં આ દોટ અટકતી નથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના આંકડા અનુસાર ભારતીય વિદ્યાર્થીઓનો વિદેશમાં ભણવાનો ખર્ચ વધ્યો છે જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા ભારતમાં થતો ખર્ચ ઘટયો છે. ૨૦૧૩-૧૪માં વિદેશમાં ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓએ તેમની ટયૂશન અને હોસ્ટેલ ફી પાછળ ૧.૯ બિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ કર્યો હતો. આ આંકડો ૨૦૧૭-૧૮માં વધીને ૨.૮ બિલિયન ડોલર થયો છે. બીજી તરફ વિદેશથી ભારતમાં ભણવા આવેલા વિદેશી વિદ્યાર્થીઓએ ૨૦૧૫-૧૬માં ૫૫૭ મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો, જે ૨૦૧૭-૧૮માં ઘટીને ૪૭૯ મિલિયન ડોલર થયો છે.

ભારતીય વિદ્યાર્થી દ્વારા વિદેશમાં થતા શિક્ષણખર્ચ પરથી સમજાય છે કે વધુને વધુ ભારતીય વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે વિદેશમાં જઈ રહ્યા છે. અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં શિક્ષણ મેળવવા માટે જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે ૨૦૧૪-૧૫માં અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૩૨,૮૮૮ હતી જે ૨૦૧૬-૧૭માં વધીને ૧,૮૬,૨૬૭ થઈ છે. કમાલની વાત તો એ છે કે ડોલરનો ભાવ વધવા સાથે શિક્ષણખર્ચમાં વધારો થયો છે અને ટ્રમ્પનાં આગમન બાદ માહોલ બગડયો હોવા છતાં ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા જવાનું વધારે પસંદ કરે છે એ હકીકત છે. એ જ રીતે ઓસ્ટ્રેલિયામાં પણ હાલ ૬૮,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે.

આ આંકડા દર્શાવે છે કે ભારતે હજી ઉચ્ચ શિક્ષણના મામલે લાંબી મજલ કાપવાની બાકી છે.

 

(12:39 pm IST)