Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ મંદિર રેરીટન ન્યુજર્સી મુકામે પંચાબ્દી મહોત્સવઃ પૂ.દાદાગુરૂજીની પૂણ્ય સ્મૃતિમાં ૨૧ જુલાઇથી 'સદગુરૂ સમૃતિ મહોત્સવ'નો પ્રારંભ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ લોયાધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, રેરીટન ન્યૂજર્સીના આંગણે પીયૂડા ઘનશ્યામ મહારાજના પાંચમા પાટોત્સવ નિમિતે ''પંચાબ્દી મહોત્સવ'' તથા પ.પૂ.દાદાગુરૂજીની પુણ્ય સ્મૃતિમાં ''સદગુરૂ સ્મૃતિ મહોત્સવ''નો તા.૨૧ જુલાઇ થી ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો.

મહોત્સવના પ્રારંભે ભવ્ય પોથીયાત્રાનું આયોજન થયું હતું જેમાં ઠાકોરજી મહારાજ સહીત પોથીશ્રી તેમજ વકતાશ્રીના પૂજન બાદ ભવ્ય પોથીયાત્રામાં પાલખી અને વિવિધ ફલોટસમાં મહારાજ અને સંતોની સાથે ભારત, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકાના વિવિધ સ્ટેટથી પધારેલા ભકતો જોડાયા હતા.

પોથીયાત્રા કથા હોલ પર પહોંચતા મહોત્સવના ઉદ્ધાટન પ્રસંગે ખાસ મહોત્સવમાં દેશ-વિદેશથી પધારેલા સંતો તેમજ ભકતો દીપ પ્રાગટ્યમાં જોડાયા હતા. ધ્રાંગધ્રાથી પધારેલા પ.પૂ.સદગુરૂ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીએ મંગલ પ્રવચનથી આશિર્વાદ પાઠવ્યા હતા. કથા પારાયણના પ્રારંભે આ મહોત્સવના પ્રેરક એવં માર્ગદર્શક તથા વકતાશ્રી પ.પૂ. ગુરૂજીએ સદગુરૂ શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત ભકત ચિંતામણી ગ્રંથની મહાત્મ્ય કથા દ્વારા સૌ શ્રોતા ભકતોને રસ તરબોળ કર્યા હતા.

પીયૂડા મહારાજના પાટોત્સવમાં મહારાજના સાત દિવસના વાઘા અર્પણ વિધિનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોયાધામ પરિવારના ભકતો દ્વારા મહારાજને  વાઘા અને શણગાર અર્પણ કરવામાં આવ્યા હતા. ''પળે પળે પુરે પરચા'' નામના અંગ્રેજી પુસ્તકનું વિમોચન તેમજ મંત્ર યંત્ર, ગાડીમાં રાખવાની મૂર્તિ અને ટી-શર્ટનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

ઉત્સવના પ્રારંભેજ ભકતોમાં અનેરો ઉત્સાહ જણાઇ રહ્યો છે અને પ્રથમ દિવસથીજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખૂબ મોટો લાભ લીધો છે. આગામી સાત દિવસ ચાલનારા આ મહોત્સવમાં અનેક વિધ આયોજનો કરવામાં આવ્યા છે જેનો લાભ લેવા લોયાધામ પરિવાર સમગ્ર સત્સંગ સમાજને ભાવભર્યુ આમંત્રણ પાઠવે છે.  તેવું શ્રી વિજય સોલંકીની યાદી જણાવે છે.

(9:03 pm IST)