Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

બ્રાહ્મણ સમાજ ઓફ યુ.એસ.એ.ના પૂર્વ પ્રમુખ શ્રી નૈષધ ભાગવતભાઈ પંડ્યાનું અકાળે નિધન : 15 જૂન 2020 ના રોજ 58 વર્ષની વયે કૈલાસવાસી થયા : પરિવાર, મિત્રવર્તુળ,તથા વિશાળ ચાહક વર્ગમાં શોકનું મોજું

(દિપ્તીબેન જાની દ્વારા) , ન્યુજર્સી :  અમેરિકામાં ન્યુજર્સી ખાતેના સુપ્રતિષ્ઠિત બ્રાહ્મણ સમાજ ઓફ યુ.એસ.એ.ના પૂર્વ,પ્રતિભા સંપન્ન ,ગતિશીલ અને સૌજન્યશીલ પ્રમુખ શ્રી નૈષધભાઈ ભાગવતભાઈ પંડ્યાના લાંબી માંદગી બાદ 58 વર્ષની યુવા વયે સોમવાર 15 જૂન 2020 ના રોજ કૈલાસવાસ થયાના સમાચારથી સમગ્ર સમાજમાં દુઃખ અને શોકનું મોજું ફરી વળેલ છે.ખુબ જ સોહામણા, મિતભાષી ,સંસ્કારી શ્રી નૈષધભાઈ એક તેજસ્વી પ્રોફેશનલ બ્રાહ્મણત્વના પ્રખર પુરસ્કર્તા તથા શ્રી લક્ષ્મીકાંત પુરોહિત

( ગુરુજી ) ના સાનિધ્યમાં તેમના પિતા ભાગવતભાઇ પંડ્યા સાથેના આત્મીયતાના નાતા સાથે સમાજમાં આગવી પ્રતિષ્ઠા અને પ્રતિભા ધરાવતા હતા.બ્રાહ્મણ સમાજ ઓફ યુ.એસ.એ.ની સર્વતોમુખી પ્રગતિમાં તેમનું અનુકરણીય યોગદાન હતું

તેમના કંઠમાં ગીત સંગીત વિલસતા હતા.લોક સંગીત ,ફિલ્મ સંગીત ,અને ગરબામાં તેમની સાથે તેમના એટલાજ પ્રતિભાસંપન્ન કલાકાર અને પત્ની નિરહાબેન તથા તેમની બહેનોનો સાથ સમગ્ર ગ્રુપની લોકપ્રિયતા વર્ધક હતો.ન્યુયોર્ક ,ન્યુજર્સી ,ઉપરાંત દૂરસુદુરના રાજ્યોમાં તેમણે ગરબા /ગાયકો દ્વારા અનોખી સફળતા પ્રાપ્ત કરી હતી.ફોગાના અને એફ.આઇ એ.ડાન્સ સ્પર્ધામાં તેમના ગ્રુપે તથા ગુજરાતી સમાજ ન્યુયોર્કની નાટ્ય સ્પર્ધામાં નૈષધે અનેક પારિતોષિકો મેળવ્યા હતા.

નૈષધ પંડ્યાનો જન્મ વડોદરામાં 15 સપ્ટેમ્બર 1961 માં શ્રી ભાગવતભાઇ અને ઉષાબેન પંડ્યાના સુશિક્ષિત સંસ્કારી પરિવારમાં થયો હતો.1982 થી ન્યૂજર્સીમાં વસવાટ કરે છે.તથા ઇલેક્ટ્રોનીક્સમાં સ્નાતક થયા બાદ કોમ્યુટરની ઘનિષ્ઠ કેળવણી લઇ આઇ ટી.ક્ષેત્રે યશસ્વી કારકિર્દી  ધરાવતા હતાં .1985 માં નિરહાબેન સાથે લગ્ન કર્યા ,નિરહાબેન પણ આઇ ટી સ્પેશિયાલિસ્ટ છે.પુત્રી દેશાંકી ડોક્ટર થઇ છે.અને પુત્ર યશીલ હજુ કોલેજમાં અભ્યાસ કરે છે.બ્રાહ્મણ સમાજ ઓફ યુ.એસ.એ.ના સંનિષ્ઠ અગ્રણી તરીકે તેના અતિ લોકપ્રિય ' શુભ મિલન દિન ' અપરિણીત લગ્નોત્સુક યુવક /યુવતીઓના મેળાવડાંના આયોજનમાં આ દંપતીનો લાજવાબ ફાળો છે.પૂજ્યશ્રી લક્ષ્મીકાંત પુરોહિત ( ગુરુજી ) પ્રસ્થાપિત શ્રી વિદ્યા ફાઉન્ડેશન ટ્રસ્ટમાં તેઓનું બૌદ્ધિક પ્રદાન સુવિદિત છે.સાલસ ,નિખાલસ ,પ્રસન્ન વ્યક્તિત્વ સહુને સાથે રાખીને બ્રાહ્મણ સમાજના પ્રમુખ તરીકે ઉમદા કામ કરેલ છે.

તેમના પિતાશ્રી ભાગવતભાઈ પંડ્યા બ્રાહ્મણ સમાજના સ્થાપક પ્રમુખ અને ચેરમેન તરીકે સમાજના સર્વતોમુખી વિકાસમાં આજપર્યંત મહામૂલું યોગદાન આપે છે.ગુરુજીના હસ્તે દીક્ષિત શ્રી ભાગવતભાઈ -ઉષાબેન એક સન્માનનીય દંપતી ,સમર્થ ગણિતજ્ઞ તરીકે નામના ધરાવે છે.

નૈષધભાઈ માતા -પિતા સાથે 4 બહેનોના વિશાળ પરિવાર ,બહોળા મિત્રમંડળ ,અને સ્વજનોને અલ્પજીવનની મધુરી યાદી અર્પી અનંતની યાત્રાએ સિધાવેલ છે.
પ્રભુ સ્વર્ગસ્થના આત્માને ચિરંજીવ શાંતિ આપે એજ પ્રાર્થના

તેમના અંતિમ સંસ્કાર 18 જૂન 2020 ના રોજ ફ્રેન્કલીન મેમોરિયલ પાર્ક ,નોર્થ બ્રન્સવિક ,ન્યુજર્સી ખાતે કરાયા હતા.તેવું શ્રી ચંદ્રકાન્ત ત્રિવેદીની યાદી જણાવે છે.

(12:02 pm IST)