Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

મહંત સ્વામી મહારાજે શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન સાથે મસ્જિદની લીધી મુલાકાત : શાહી મજલિસમાં સ્વાગત

બીએપીએસ હિન્દુ અબુધાબી મંદિરની સંકલ્પના માટે ઉદારતા અને કૃતજ્ઞતા વ્યકત : સ્વયં શેખ નાહ્યાને વાહન હંકારી પૂ. મહંત સ્વામીને શેર કરાવી : વિશ્વ બંધુત્વની ભાવના ઉજાગર

અબુ ધાબી (યુએઇ) : યુએઇના કેબીનેટ મંત્રી તથા મિનિસ્ટ્રી ઓફ ટોલરન્સના પ્રધાન શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાને તેમના દ્વારા યોજાયેલ શાહી મજલિસમાં બીએપીએસ સ્વાનિારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામી મહારાજનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ. તેમણે આંતરધર્મીય સંવાદિતા અને સાંસ્કૃીતક સમાવેશકતા પર ભાર મુકયો હતો. બીએપીએ હિન્દુ અબુધાબી મંદિરની સંકલપના અને નિર્માણમાં મુખ્ય જવાબદારી નિભાવી રહેલા પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ બન્ને ધાર્મિક સ્થળોદ્વારા સ્ફુરીત થતી પ્રેમ અને હુંફની ભાવનાને ઉજાગર કરી હતી. પૂ. મહંત સ્વામી મહારાજે શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન દ્વારા આ મંદિર માટે દર્શાવવામાં આવેલ ઉદારતા બદલ આભાર અને કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી હતી. તેમજ પ્રેમ અને સારપના પ્રતિકરૂપે અમૃત કળશ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ૫૦ સંતોને અલ નાહ્યાને વ્યકિતગત રીતે આવકારી સ્વાગત કર્યુ હતુ. આ મુલાકાત બાદ શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાને સ્વયં વાહન હંકારી પૂ. મહંત સ્વામી મહારાજનું શેખ ઝાયેદ ગ્રાન્ડ મોસ્કોમાં સ્વાગત કરેલ. મસ્જિદના દ્વાર પર ડીરેકટર જનરલ એવા ડો. યુસિફ અલોબાઇડલીએ પૂ. મહંત સ્વામી મહારાજને આવકાર્યા હતા. બન્ને મહાનુભાવોએ સંતોને મસ્જિદના વિવિધ પાસાઓથી માહીતગાર કર્યા હતા. કિબ્લા દિવાલ પર કુફિક લિપિમાં કોતરાયેલા અલ્લાહના ૯૯ નામો પર પૂ. મહંત સ્વામી મહારાજે પ્રાર્થના વ્યકત કરી હતી. ભવ્ય પરિક્રમા કે જે ૧૦૯૬ થાંભલાઓ ધરાવે છે ત્યાં શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન અને પૂ. મહંત સ્વામી મહારાજે ફોટો લેવડાવી ખુશી વ્યકત કરી હતી. આ બન્ને મહાનુભાવો મસ્જિદ બહારના પ્રાંગણમાં પધાર્યા ત્યારે સૌ ભકતો, શુભેચ્છકો, મુલાકાતીઓએ આદર વ્યકત કર્યો હતો. પૂ. મહંત સ્વામી મહારાજે ગેસ્ટ બુકમાં સ્વ ઉદ્દગારો વર્ણવી સહી કરી યુએઇની સરકાર અને લોકોના વિશ્વ બંધુત્વની ભાવનાને ઉજાગર કરતા પ્રયત્નોને બિરદાવ્યા હતા. શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાને પૂ. મહંત સ્વામીને આ મસ્જિદ વિષયક એક પૂસ્તક ભેટ અર્પણ કર્યુ હતુ. શેખ પોતે ગોલ્ફ કાર્ટ હંકારીને પૂ. મહંત સ્વામી મહારાજને શહીદ સ્મારકની મુલાકાતે પણ લઇ ગયા હતા. ત્યાંથી હેલીપેડ સુધી દોરી ગયેલ. અહીંથી પૂ. મહંત સ્વામી મહારાજ માટે દુબઇ પ્રતિ પ્રયાણ માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(1:11 pm IST)