Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

એક યાદગાર સવાર...કવિતાની કેફિયતનો કાર્યક્રમ : ગુજરાતી સાહિત્ય અકાદમી યુકે દ્વારા આયોજિત કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ-નયના જાનીનો કાવ્યપાઠ અને કેફિયતનો અનોખો કાર્યક્રમ

૫મી ડીસેમ્બરને શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય અકાદમી યુકે દ્વારા આયોજિત કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ-નયના જાનીનો કાવ્યપાઠ અને કેફિયતનો અનોખો કાર્યક્રમ મન ભરીને માણ્યો. કોઈ પ્રસન્નતાના અગાધ સાગર કિનારે સમાધિસ્થ થઈને શાંત બની બહાર આવ્યા હોઈએ તેવી જબરદસ્ત અનુભૂતિ થઈ.
સંચાલન કર્તા શ્રી મહેન્દ્રસિંહ પરમારે કહ્યું તેમ જેઓ સ્વયં સંચરણ કરે અને પ્રદીપ્ત કરે એવી જેમની ઉર્જા છે તે શ્રીમતી નયનાબહેન જાનીએ ‘ગુજરાતી ભાષા’ની કવિતાથી માંડીને માની મીઠી બોલી ગુર્જરીની કવિતા શબ્દે શબ્દે ભાવ જગવતી વહેતી કરી. શસ્ય શ્યામલા માટીની સોડમ તેમના અક્ષરે અક્ષરના ઉચ્ચારણમાંથી મહેંકતી હતી. તે પછી તેમની પ્રથમતમ ગઝલની પૂર્વભૂમિકા અને સર્જન-પ્રક્રિયાની વાતો સંભારતા સંભારતા ‘પ્રતીક્ષા’ગઝલ સંભળાવીઃ “મારગ અને મુકામ પ્રતીક્ષા જ છે હવે. પ્રત્યેક પળની પ્રતીક્ષા જ છે હવે.’અને બીજી પણ એક મઝાની ગઝલ  કે ‘દૄશ્યો બધાં પ્રવાહી’-કોની છે વાહવાહી, કોની શહેનશાહી? ક્યાંથી ઉતરતા શબ્દો, નીરખ્યા કરે છે સ્યાહી! પણ એક અનોખા પ્રશ્નાર્યસૂચક અંદાઝમાં રજૂ કરી.

તે પછી પોતાની બ્રહ્મવાદિની સખીઓ અરુંધતી, મૈત્રેયી, ગાર્ગી વગેરેની કલ્પના કરી એક  ખૂબ ઊંચા mystic experience ની પ્રતિતીની, ઊગતા અને આથમતા સૂર્યના રહસ્યમય અનુભવની અછાંદસ કવિતા  તો વળી ’આ ઊંચી માટીના ઘડૂલિયાને તમે કોરો નહિ’કહી  પરમ આદ્યાશક્તિને વિનવતો ગરબો પણ ગાઈને સંભળાવ્યો. છેલ્લે તેમણે  નરસિંહ મહેતાના ઝુલણા છંદમાં સૌને પરિતૃપ્ત કરતી રચના ‘આ અણુમાં અણુ થઈ સમાઈ જવું’ પણ શાંત, સ્વસ્થ, પ્રસન્ન મુખભાવો સાથે રજૂ કરી. આમ, નયનાબહેનની એક પછી એક આવતી જતી કવિતાઓ વાતાવરણમાં દીવા જેવું અજવાળું અજવાળું કરાવતી રહી.

તે પછી ઋષિકવિ શ્રી રાજેન્દ્રભાઈ શુક્લ થકી ભારતીય પરંપરાના તેજસ્વી સ્ફુલિંગોની ઝાંખી કરાવતી એક પછી એક કવિતાઓનો રસથાળ ભરાતો ગયો.
કવિતા આંદોલનો રચે છે,વાતાવરણ સર્જે છે. કવિતા પામવાનો પદારથ છે.એનું લાવણ્ય છંદમાં છે,પઠનમાં છે એવી પ્રસ્તાવના સાથે પોતાના પ્રથમ કાવ્યસંગ્રહના પરિપાક રૂપે રચાયેલી એક સઘન કવિતા ‘અવાજ’ અદભૂત જાદૂઈ, મોહક અંદાઝમાં રજૂ કરી.વસંતતિલકા છંદમાં રચાયાની પ્રક્રિયા અને પ્રથમ અક્ષરના લઘુનાદની વાત સાથે ‘અવાજનું નગર ચણતો રહ્યો’સાંભળવાનો અનુપમ રસ માણ્યો. તે પછી તો અવાજના શબ્દને અતિક્રમીને આવતું  મૌન, પરિપ્રશ્નોની ગઝલ “શ્વાસ જ્યાં  જઈને ઉચ્છવાસને મળે છે, સળ જેવું એ નથી તો ઝળહળ પડાવ શું છે? કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે? સંભળાવી.

વેદથી માંડીને ચાલ્યા આવતા કવિ-જનોના પ્રવાહનો ઉલ્લેખ કરીને તે વિષે કેટલીક કવિતાઓ વહાવી. કબીરના પદના અનુસંધાનમાંથી આવતી ગઝલમાં મનુષ્યના કુતૂહલને શબ્દસ્થ કર્યું. ‘एकाकी न रमते आत्मा  એટલે ‘ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી’કહી ત્યારબાદ બિંદુથી ઉભી થતી સૃષ્ટિની વાત દ્વારા સ્વયંના સર્જાવાની ખૂબ ગહન કવિતા ‘કૂંપળ થઈને કોળ્યો’ પ્રસ્તૂત કરી. તે પછી નગરકવિતાની અછાંદસ અપેક્ષા સામે પોતે કેવી રીતે ગઝલ લખી તેની રસપ્રદ વાત કરીને ‘નગરની સરાહીનો મુકામ’સંભળાવી. ”ઘોર ઘોંઘાટે સમય ગાતો મળ્યો. મૌનમાં હું મુજને મલકાતો મળ્યો.”

પ્રકૃતિ અને પુરુષના સંબંધ વિશેની ગઝલ રજૂ કરતા પહેલાં એક મઝાની વાત એ કહી કે, માયાના સ્વીકાર સાથે એનાથી પર થવું એ કવિનું કર્મ છે. કેવી મનનીય વાત! “હું વરસું  છું, તું વરસે છે, વચમાં આખું નભ વરસે છે. અમથું અમથું  પૂર ન આવે, નક્કી કો’ક છાનું વરસે છે.” બીજી એક ધૂળેટીના રંગની ગઝલ ક્યારે અને કેવા સંજોગોમાં લખી તે પ્રસંગની યાદ સાથે દ્વૈતથી અદ્વૈતમાં શમતી ગઝલના શબ્દેશબ્દ  અધ્યાત્મિક ભાવથી રંગતા હતા. “કેસર ઘૂંટ્યા અજવાસથી રંગુ તને, મહેંકતા મધુમાસથી રંગુ તને. કોણ રંગે, કોણ રંગાતું રહે? આ રંગે રચાતા રાસથી રંગુ તને...આહાહાહા... પંચેન્દ્રિયોને જાણે પરિતૃપ્તિનો આનંદ મળતો જતો હતો. ત્યાંતો એક ‘ગોઠડી’ની ગઝલ ઉતરી આવી.  કવિવરે કહ્યું કે,ગઝલની પરિભાષા ગૂફ્તેગુ હોય છે પણ તેમાં આમ તો એકોક્તિ હોય છે. પણ આ ‘ગોઠડી’માં તેમણે સંવાદ રચ્યો છે. કેવો મઝાનો છે એ!

એ કશું ગણગણે ને કહે; ગા હવે.
હું કશું યે કહું તો કહે; જા, હવે.
રેશમી રમતની આ શેષ રસાકસી
જા, તને કોણ કીધા કરે; ના હવે!
ઋષિકવિના અંદાઝમાં  આ  ‘ગોઠડી’નો સંવાદ સાંભળતા તો જાણે કાન ધન્ય ધન્ય..

આગળ વધતા સંતોના સાહચર્યની અસર જેવી કવિતાઓ કે જેમાં નરસિંહના ‘હજો હાથ કિરતાલ’, મીરાંની રાજસ્થાની બોલી, તુલસીદાસ, નાનક અરે મુસલસલ જેવા મનસુરીની છાયા જેવી કંઈ કેટલી અદભૂત પંક્તિઓ સાંભળી. કઈ લખું ને કઈ છોડું? એ જ સવાલ જાગે ત્યાં તો તરત જ ....
”વાણી ક્યાંકથી આવે, ક્યાંક જઈ સમાશે રે.
ચાખડીના ચિન્હોમાં ક્ષણ ગહન ગૂંથાશે  રે”માં  ‘રે’ના લહેકામાં પાનબાઈના ગીતના ‘રે’ને સ્મર્યો. તો વળી એની સુંદર છણાવટ કરતા કહ્યું કે આ રે, અરેરેના દુઃખદ ઉદગારવાળો રે નથી. પણ અવિનાભાવી ગતિ તરફ લઈ જતો પરમ આનંદદાયી  રે છે.
“પિંડ પૂરો જે ઘડીએ શબ્દનો પમાશે  રે.
એક એવું ઉછળશે,શિર નમી જવાશે  રે..
મહેંકના શ્વાસનો તરાપો આ,
ઉતરીને નાદના સમંદરમાં, વાગશું વગર સાઝે  રે..

કેટલું આહલાદક!
ત્યારબાદ મૌનના આકર્ષણની શોધમાં નકારાકાત્મક પ્રાપ્તિ પછી જે વિજયાત્મક મૌન લાધ્યું તેની સરસ વાત કરી. ”શમે મૌનમાં શબ્દ મારા પછી પણ કોઈ સોરઠે, કોઈ દોહરે હું મળીશ જ. શિલાલેખના અક્ષરે હું મળીશ જ..મને ગોતવામાં ખોવાયેલ છું હું, જૂનાગઢ, તને તો ખબર છે ઝાંખરે, કાંકરે હું મળીશ જ.’રચના સંભળાવી. શ્રી મહેન્દ્રસિંહના એક પ્રશ્નના જવાબમાં ઉદાહરણરૂપે  ‘નગારે ઘાવ પહેલો’માં ઘાવને બદલીને શા માટે ‘દાંડી’ શબ્દ બદલ્યો તેની કાવ્યાર્થ ભાવની નિયંત્રિત વ્યંજના વિશે સમજણ આપી. સમયનું ભાન ભૂલી સૌ સાંભળતા જતા હતાં. છેલ્લે જયદેવની અષ્ટપદી, કોઠાની બાનીથી માંડીને સચ્ચિદાનંદની બાનીના સ્તર સુધીની, વેદાંતી કવિ અખાની બાની, પ્રાકૃત, સંસ્કૃત અને જૈનદર્શન સુધીના ભાષાપ્રવાહની આરાધના અને ધ્યાન વગેરેની કવિની અસ્ખલિત ધારા વહેતી રહી અને સૌ શ્રોતાજનો ભીંજાતા રહ્યા. અંતે, ના કોઈ બારું,ના કોઈ બંદર, ચેત મછંદર.. અને ભોર ભઈ,ભૈરવસૂર ગાયા,ગોરખ આયા..એક ઘડીમાં રૂક્યો સાંસ ગોરખ આયા..અટક્યો ચરખો ગોરખ આયા..બિન માંગે મુક્તાફળ પાયા,ગોરખ આયા.. કહી શ્રી વિવેકાનંદ અને રામકૃષ્ણની અસરનો પણ ઉલ્લેખ કર્યો અને એ સાથે પૂર્ણતાનો અનુભવ કરાવતી ચતુષ્પદી ગાયત્રી છંદયુક્ત ‘સ્વાહા’ કવિતાથી વિરામ આપ્યો.

આમ ભાષાના, સંવેદનાના અને અનુભૂતિના જુદા જુદા સ્તરોના ત્રીવેણીસંગમ પર સ્નાન કરાવતી જતી આ ઝૂમ બેઠક અવિસ્મરણીય બની રહી. શ્રી વિપુલભાઈ, શ્રી પંચમભાઈ, શ્રી મહેન્દ્રસિંહજી અને કવિયુગલ (ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ અને નયનાબહેન જાની) ને તહેદિલથી વંદન.
તેવું સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવ હ્યુસ્ટન અમેરિકાની યાદી દ્વારા જાણવા મળે છે.

(6:10 pm IST)