Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

અમેરિકાના ડલાસમાં બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા દિવાળી ઉત્સવ ઉજવાયો : અન્નકૂટ ,દીપ પ્રાગટ્ય ,રંગોળી ,તથા ફટાકડાની આતશબાજી સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી નવા વર્ષનો નવો પ્રારંભ

દિવાળી દરમ્યાન દીપ પ્રાગટ્યની પ્રાચીન પરંપરા અંધકારમાંથી પ્રકાશમાં જવાનું એક રૂપક છે. આ પ્રતિક દ્વારા વ્યક્તિગત રીતે ક્રોધ, ઈર્ષ્યા, લોભ, અહંકાર અને પ્રમાદ જેવા અંધકાર પર વિજય મેળવી જ્ઞાનના પ્રકાશનો દીપ પ્રગટાવવાની દરેકે શીખ લેવાની છે. દિવાળીની પ્રગલ્ભ ઉજવણીમાં ખોવાઈ ના જતા, દરેકે વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક કાર્યો અંગે મંથન કરવાની દિશામાં ડગ માંડવાના છે!

હિંદુઓને દિવાળીનું વિશેષ મહત્વ હોય છે. વળી, દિવાળીની પાંચ દિવસની ઉજવણીમાં અન્નકૂટની પણ ઉજવણી હોય છે. અન્નકૂટમાં અનેક શાકાહારી વાનગીઓ અને મીઠાઈઓને અનોખી ભાતમાં ગોઠવી પ્રભુને અર્પણ કરવામાં આવે છે. ડેલ્લાસ ટેક્સાસના બીએપીએસ સ્વામી નારાયણ મંદિરમાં સમુદાયના સભ્યો અને અનેક હિંદુઓએ ભેગાં મળી દિવાળી અને હિન્દૂ નવા વર્ષની ઉજવણી અન્નકૂટ સહીત ઓક્ટોબર 28, 2019ના દિવસે કરી.

દિવાળીના પાંચ દિવસની ઉજવણી એક નવા પ્રારંભ અને કુટુંબ તેમજ સમાજ પ્રત્યેના નવા કર્તવ્યનું આવાહન હોય છે. આ જ એની પરંપરાગત હર્ષોલ્લાસભરી ઉજવણીનું પ્રતીક છે. આપણે દરેકે  આધ્યાત્મિક ઉન્નતિ અને કૌટુંબિક સુમેળ માટે પ્રયત્નશીલ રહેવાનું છે. દિવાળીની ઉજવણીથી હિન્દુ ધર્મમાં માનનારને પોતાની પરંપરા સાથે આનંદ અને ઉલ્લાસથી જોડાવાની તક મળે છે.

આ નવા વર્ષે બીએપીએસ સ્વામી નારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે હરિભક્તો માટે ભગવાન સ્વામી નારાયણ પાસે પ્રાર્થના કરી તેમની આધ્યાત્મિક, વ્યક્તિગત અને વ્યાવસાયિક પ્રગતિ માંગી હતી. આ દિવાળીમાં મહંત સ્વામી મહારાજે દરેક વ્યક્તિ અને કુટુંબોને આધ્યાત્મિકતા કેન્દ્રિત જીવન, ઉચ્ચ ગુણો અને ભગવાન અંગે ગાઢ પ્રીતિ કેળવવા પર ભાર મુક્યો હતો.

સમગ્ર ઉત્તર અમેરિકા ખંડમાં 100થી વધુ મંદિરોમાં દિવાળીની આવી ઉજવણી થઇ હતી. દિવાળી પાંચ દિવસોમાં અન્નકૂટ, દીપ પ્રાગટ્ય, રંગોળી અને ફટાકડાંઓથી રંગેચંગે ઉજવાઈ હતી. વળી, બાળકો માટે વિશેષ રૂપે  દિવાળીની ઉજવણી અલગથી રાખવામાં આવી હતી.

એક યુવતી અને માતા નિશા પટેલે  જણાવ્યું હતું કે, "બાળકોને દિવાળીની ઉજવણી દ્વારા સાંસ્કૃતિક કેળવણી આપવાનો બીએપીએસનો પ્રયાસ સાચે જ પ્રશંસનીય છે."

આ ઉજવણી સ્થાનિક સમાજના દરેક સભ્યો માટે હતી. ઇર્વિંગ શહેરના વ્યવસ્થાપક શ્રી ક્રિસ હિલમેન , અરવિંગના મેયર શ્રી રિક સ્ટોપફર, અને ન્યુક્રેસ્ટઈમેજના પ્રમુખ અને સીઈઓ શ્રી મેહુલ પટેલ અન્નકૂટ સહિતની આ ઉજવણીમાં હાજર હતાં અને તેમણે નવા પ્રારંભ અંગેની પ્રાર્થના પણ કરી હતી.તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

 

(12:11 pm IST)