Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વડોદરા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતનું ક્રાંતિકારી પગલું : પત્નીને તરછોડી જતા રહેલ 3 NRI પતિદેવોના પાસપોર્ટ રદ : 7 વિરુધ્ધ કાર્યવાહી ચાલુ

વડોદરા :  ભારતીય મહિલાઓ સાથે લગ્ન કર્યા બાદ એનઆરઆઈ પુરૂષો વિદેશમાં લઈ જવાને બદલે તેને તરછોડીને જતા રહેતા હોવાની ફરિયાદોને ધ્યાને લઇ વડોદરા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ક્રાંતિકારી પગલું ભર્યું છે.જે મુજબ ગોરવા, હરણી અને મહિલા પોલીસે ત્રણ NRIના પાસપોર્ટ રદ કરાવ્યા છે અને બીજા સાતની સામે કાર્યવાહી ચાલુ છે.

પોલીસ કમિશનર ગેહલોતે જણાવ્યું હતું કે, ભારતીય મહિલાઓ સાથે લગ્ન કર્યા બાદ એનઆરઆઈ પુરૂષો વિદેશમાં લઈ જઈને પોતાની મરજી પ્રમાણે રાખે છે અથવા તરછોડી દે છે. ઘણાં કિસ્સાઓમાં NRI પતિઓ પત્નીને અહીં એકલી અથવા બાળકો સાથે છોડી વિદેશ જતાં રહે છે. કેટલાક પતિઓ લાંબા સમય સુધી પત્ની કે બાળકોને મળવા પણ આવતા ન હોવાની અમને ફરિયાદો મળે છે. જેને લઈ પરણીતાઓ જેમતેમ કરીને દિવસો પસાર કરતી હોય છે. આવા કલરબાજ NRI પતિઓને શબક શીખવાડવા માટે તેમના પાસપોર્ટ જ રદ કરવાનું નક્કી કર્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે કોઈ પીડિતા પોલીસ પાસે મદદની આશાએ આવે છે, ત્યારે અમારો સૌથી પહેલો પ્રયાસ પતિ – પત્ની વચ્ચે સમાધાન કરાવાના હોય છે. જેથી તેમનો ઘર સંસાર ન તૂટે, પરંતુ NRI વિદેશમાં રહેતાં હોવાથી પોલીસની કાર્યવાહીને એવોઈડ કરતાં હોય છે. બંને પક્ષને સમાધાન માટેની પુરતી તક આપ્યા બાદ અમે તપાસના અંતે NRI પતિ વિરુદ્વ IPC ૪૯૮ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરીએ છે. ત્યારબાદ તેમના પાસપાર્ટ જ રદ કરાવાનું નક્કી કર્યું છે.

અમે પાસપોર્ટ કચેરીની મદદથી   દિલ્હી વિદેશ મંત્રાલયને આરોપી એનઆરઆઈની માહિતી મોકલીએે છે અને ત્યાંથી જ તેમના પાસપોર્ટ રદ થાય છે. અમે અત્યાર સુધીમાં ભારતીય પાસપોર્ટ ધરાવતાં ત્રણ NRIના પાસપોર્ટ રદ કર્યા છે અને સાત વિરુદ્વ કાર્યવાહી ચાલુ છે, તેમ અનુપમસિંહ ગેહલૌતે અંતે ઉમેર્યું હતું.

(12:46 pm IST)