Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ન્‍યુજર્શી રાજયના ફેકલીન પાર્ક તેમજ એસેક્ષ ફેલ્‍સ ટાઉનમા આવેલ જૈન જિનાલયમાં ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવેલું આયોજનઃ આ દિવસો દરમ્‍યાન અઢાર અભિષેક, ભાવતીર્થ, વિશિષ્‍ટ પ્રકારની સંગીતના સુરોના સથવારે ભવ્‍ય આરતી, શ્રી શાંતિનાથ ભગવાન ભાવયાત્રા, સત્તરભેદી પૂજા, ધ્‍વજા આરોહણ, તેમજ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાવામાં આવશેઃ ઓગષ્‍ટ માસની ૧૨મી તારીખે એસેક્ષ ફેલ્‍સ ટાઉનમાં આવેલ શ્રી પાર્શ્વનાથ જીનાલયના જીર્ણોધ્‍ધારની સાલગીરીની થનારી ભવ્‍ય ઉજવણીઃ

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ ન્‍યુજર્શી રાજયના ફ્રેકલીન પાર્ક તેમજ એસેક્ષ ફેલ્‍સ ટાઉનમાં આવેલ જૈન જિનાલયમાં જુલાઇ માસની ૨૮,૨૯ તેમજ ૧લી ઓગષ્‍ટ અને ૧૨મી ઓગષ્‍ટની તારીખ દરમ્‍યાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને તેની ઉજવણી ચંગેચંગે થઇ શકે તે માટે આ બંન્‍ને જૈન સંઘોમાં તડામાર તૈયારીઓ થઇ રહેલ છે.

આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ ફેંક્રલીન પાર્ક ટાઉનમાં શ્રી મુનીસુવ્રત સ્‍વામીનું જૈન જિનાલય આવેલ છે અને તેની પ્રતિષ્‍ઠાની સાલગીરી નજીકમાંજ આવી રહી હોવાથી આ સંસ્‍થાના સંચાલકોએ ત્રણ દિવસો દરમ્‍યાન ભવ્‍ય પ્રતિષ્‍ઠાની સાલગીરીનો મહોત્‍સવ ઉજવવાનું નક્કી કરેલ છે અને તેની ઉજવણી જુલાઇ માસની ૨૮મી તારીખને શનીવારના રોજથી શરૂ થશે. આ દિવસે અઢાર અભિષેક મધ્‍યાન્‍હે ૧૨:૩૯ કલાકે શરૂ થશે અને ત્‍યાર બાદ સ્‍વામી વાત્‍સત્‍યનું આયોજન કરવામાં આવેલ છે આ દિવસે સાંજના ૭ વાગે ભવ્‍ય સંગીતના સથવારે વિશિષ્‍ટ પ્રકારની આરતીનું આયોજન કરવામાં આવેલ છે.

બીજા દિવસે ૨૯મી જુલાઇને રવીવારે શ્રી શાંતિનાથ ભગવાનની ભાવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તેમજ ત્રીજા દિવસે ઓગષ્‍ટ માસની ૧લી તારીખને બુધવારે સવારે ૧૦ વાગે સત્તરભેદી પૂજા ભણાવવામાં આવશે તેમજ મધ્‍યાન્‍હે ૧૨:૩૯ કલાકે જૈન જિનાલયના શિખરો પર ધ્‍વજા આરોહણનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે અને બપોરે સ્‍વામી વાત્‍સલ્‍ય બાદ આ મહોત્‍સવની પૂર્ણાહૂતિ થશે અને તે અંગેની તમામ ધાર્મિક વિધિઓ ફેંન્‍કલીન પાર્કના જૈન જિનાલયના પારિસરમાં કરવામાં આવશે.

વધારામાં ઓગષ્‍ટ માસની ૧૨મી તારીખને રવીવારે આ રાજયના એસેક્ષ ફેલ્‍સ ટાઉનમાં આવેલ શ્રી પાર્શ્વનાથ જીનાલયનો જે જીર્ણોધ્‍ધાર કરવામાં આવ્‍યો હતો તેની સાલગીરી આ દિવસે આવતી હોવાથી તેની પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશે. અને તે દિવસે પણ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગોની યોગ્‍ય રીતે ઉજવણી થઇ શકે તે માટે બન્‍ને શહેરોના જૈન સંઘના શ્રાવકો અને શ્રાવિકાઓમાં અનેરા પ્રકારનો ઉત્‍સાહ વર્તાઇ રહેલો જોવા મળે છે નવયુવાનો અને યુવતિઓ પણ આ કાર્યમાં જોડાયેલા દ્રષ્‍ટિ ગોચર થાય છે 

(11:44 pm IST)